તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
રાજકોટમાં શુક્રવારથી ‘‘એગ્રો વર્લ્ડ એકસપો-ર૦ર૪''
શાસ્ત્રી મેદાનમાં બી ટુ બી અને બી ટુ સી ત્રણ દિવસીય કૃષિ પ્રદર્શનઃ નિઃશુલ્ક એન્ટ્રી

રાજકોટ તા.૧૭: સૌરાષ્ટ્રના સૌથી મોટા કહી શકાય તેવા બીટુબી અને બીટુસી કૃષિ પ્રદર્શન ‘‘એગ્રો વર્લ્ડ એકસ્પો ર૦ર૪''નું રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે આયોજન થયું છે.
પત્રકાર પરિષદમાં વિગતો વર્ણવતા જણાવાયું હતુ કે રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે તા.ર૦ થી રર ડીસેમ્બર ત્રણ દિવસ ભારતના સૌથી મોટા કહી શકાય તેવા કૃષિ પ્રદર્શન ‘‘એગ્રો વર્લ્ડ એકસ્પો ર૦ર૪'' નું આયોજન કરાયું છે.
બીટુબી અને બીટુસી પ્રકારનું આ કૃષિ પ્રદર્શન કૃષિ ક્ષેત્રે નવીનીકરણ, ટેકનોલોજી, કૃષિ સંલગ્ન જ્ઞાનના આદાન પ્રદાન અને કૃષિ ક્ષેત્રે ઉદ્યોગો સાથે નેટવર્કિગ માટેનું એક વિશિષ્ટ પ્લેટફોર્મ બની રહેશે. આ કાર્યક્રમમાં ૪૦૦થી વધુ કંપનીઓ તથા સહભાગીઓ સંસ્થા સાથે જોડાશે.
એગ્રો વર્લ્ડ એકસ્પો ર૦ર૪માં કૃષિને લગતી વિવિધ મશીનરી, સાધનો, ઓર્ગેનિક ઉત્પાદો, સિંચાઇ પધ્ધતીઓ, ડેરી ટેકનોલોજી, પાક સુરક્ષા તકનીકો અને તે સિવાય ઘણી વિશીષ્ટ બાબતોને રજુ કરવામાં આવશે. આ માત્ર એકસપો નથી પણ એક એવું પ્લેટફોર્મ છે જયાં નિતી, નવીનીકરણ અને વર્તમાન સમયના પડકારો અંગેના સમાધાનો એક સાથે આવશે.
ર હજારથી વધુ જાણીતી કંપનીઓના ઉત્પાદકો રજુ કરવામાં આવશે. જેમાં ખેતીને લગતા સાધનો, બાયો ફર્ટિલાઇઝર્સ, આધુની સિંચાઇ તકનીકો, ફુડ પ્રોસેસીંગ સાધનો અને પુનઃ પ્રાપ્ય ઉર્જાના સાધનોનો સમાવેશ થાય છે. ગુજરાત અને કેન્દ્ર સરકારના વિભાગો તેમની કૃષિ ક્ષેત્રે પરિવર્તન લાવનારી નિતીઓ અને નવી પહેલો વિશે જણાવશે.
આ કાર્યક્રમમાં સેમિનાર, લાઇવ નિદર્શનો અને તેજજ્ઞોની પેનલ દ્વારા ચર્ચાઓ યોજાશે. તેઓ વર્તમાન સમયની ઉભરતી ટેકનોલોજી, સસ્ટેનેબલ પધ્ધતીઓ અને ખેડુતો માટે નાણાંકીય સહાયતા વિશે મુલાકાતીઓને માહિતગાર કરશે. એગ્રો વર્લ્ડ એકસપો ર૦ર૪માં એક ‘‘સરપંચ કોન્કલેવ'' યોજાશે, જેમાં સૌરાષ્ટ્રના ૪૦૦ સરપંચો સહભાગી થશે. આ સત્રમાં કૃષિ, ગ્રામીણ વિકાસ અને આર્થિક સશકિતકરણના મુદાઓ પર વિચારવિમર્શ કરવામાં આવશે.
નવીન સાધનો, મશીનરી અને ઓર્ગેનીક ફાર્મિગને લગતા સમાધાનો વિશે મોટા પાયે પ્રદર્શન આકર્ષણરૂપ બનશે. આધુનિક ખેતીના સાધનોનું લાઇવ નિદર્શન જેમાં ખેડુતો ટેકનોલોજીની પ્રેકટીકલ અમલવારી જોઇ શકશે.
ભાગ લેનારા મુલાકાતીઓ માટે દરરોજ લકી ડ્રો દ્વારા ઇનામો જીતવાની તક મળશે. આ એકસપોનું આયોજન થર્ડ આઇ એડવર્ટાઈઝીંગ દ્વારા સ્પાર્ક એકઝીબીશન સાથે સહયોગમાં કરવામાં આવ્યું છે જેઓ એકઝીબીશન, કોર્પોરેટ તેમજ સરકારના મોટા કાર્યક્રમો કરવા માટે જાણીતી બ્રાન્ડ છે.
વધુ વિગતો માટે મો.૯૮૯૮૧ ૭૬૭પ૯ અથવા ૯૯રપર ૪૮૮૩૦ ઉપર સંપર્ક કરી શકાશે. તસ્વીરમાં પત્રકાર પરિષદ માં કૃષિ પ્રદર્શનની વિગતો વર્ણવતા ચિંતનભાઇ ભટ્ટ, જીનીયસભાઇ મૈયડ, વનરાજભાઇ કુવાડીયા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(11:43 AM IST)










