<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

યાસીન કઇડાએ પુર્વ પ્રેમિકાના ઘરમાં ઘુસી પૈસા માંગી કહ્યું-મારા હાથ કાળા છે એને લાલ કરવા પડશે, તને મારી નાંખીશ

ગુજસીટોકમાં સંડોવાયેલા શખ્સે ૧૨મીએ જામીન પર છુટી ૧૩મી અને ૧૫મીએ બે દિવસ ધમકીઓ દીધી :મારી દિકરીને મોકલી દે, મારી અજમેર જવુ છે, ગાડી લેવા પૈસા જોઇએ છે... : પૈસા આપવા જ પડશે કહી ધમકાવતાં પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્યોઃ મહિલાને અગાઉ યાસીન સાથે રિલેશનશીપ હોઇ ત્રણ બાળકોની માતા બની હતી

રાજકોટ તા. ૧૭: શહેરના ભીસ્તીવાડમાં રહેતાં અને અગાઉ ગુજસીટોકના ગુનામાં જેલની હવા ખાઇ ચુકેલા શખ્સે જેલમાંથી છુટતાવેંત પોતાની પુર્વ પ્રેમિકાના ઘરમાં ઘુસી મારી દિકરી કયાં છે? મારે પૈસા જોઇએ છે, મને પૈસા દે તેમ કહી ઝઘડો કરી બાદમાં ફોન કરી જો ફરીથી પૈસા માંગી જો મારી દિકરીને નહિ મુકી જા તો હુ઼ મારા કાળા હાથ છે તેને લાલ કરીશ, તને પતાવી દઇશ તેવી ધમકી આપતાં પોલીસે  તપાસ હાથ ધરી છે.

આ બનાવમાં પ્ર.નગર પોલીસે ૩૪ વર્ષિય મહિલાની ફરિયાદ પરથી યાસીન ઓસમાણ કઇડા વિરૂધ્ધ બીએનએસની કલમ ૩૨૯ (૧), ૩૫૧ (૩) મુજબ યાસીને મહિલાના ઘરમાં ઘુસી મારી દિકરી કયાં છે? પૈસા આપ કહી ડખ્ખો કરી બાદમાં ફોન કરી મારી દિકરીને આપી જા નહિતર તને છરીના ઘા મારી પતાવી દઇશ તેવી ધમકી આપ્યાનો ગુનો નોંધ્યો છે.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહું છું. નવ વર્ષ પહેલા હું અને યાસીન રિલેશનશીપમાં હતાં. તેના કારણે મારે ત્રણ બાળકો થયા હતાં. પણ જે તે વખતે યાસીને મારી સાથે લગ્ન કરવાની ના પાડતાં મેં તેના વિરૂધ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં યાસીનની ધરપકડ થતાં તે રાજકોટ સેન્ટ્રલ જેલમાં ધકેલાયો હતો. ગત ૧૨/૧૨/૨૪ના રોજ જેલમાંથી તે જામીન પર છુટી ગયો હતો. ૧૩/૧૨ના રોજ તે સવારે મારા ઘરમાં જબરદસ્તીથી ઘુસી ગયો હતો અને કહ્યું હતું કે-મારી દિકરી કયાં છે? જેથી મેં તેણી સ્કૂલે ગઇ છે તેમ કહેતાં યાસીને મારે પૈસા જોઇએ છે, તું મને પૈસા આપ, હું જેલમાંથી છુટીને આવ્યો છું મારી પાસે પૈસા નથી. જેથી મેં કહેલું કે તું હવે મને માફ કરી દે અને મને હેરાન કરવાનું બંધ કરી દે. દિકરી શાળાએથી આવશે એટલે મળવા મોકલીશ. તેમ કહેતાં તે જતો રહ્યો હતો.

બાદમાં ૧૫મીએ રાતે નવ વાગ્યે યાસીને મને મેસેજ કર્યો હતો કે મને પૈસા આપ મારે અજમેર જાવુ છે, મારે ગાડી લેવી છે. મેં તેણે મારી પાસે હાલ પૈસા નથી. તેમ કહેતાં તેણે મારી દિકરી દઇ જા નહિતર હું તને છરીના ઘા મારી પતાવી દઇશ, મારા કાળા હાથ છે તેને લાલ કરી નાખીશ તેમ કહી ધમકી આપી હતી. આથી ગભરાઇને મારે ફરિયાદ કરવી પડી હતી. અગાઉ યાસીન વિરૂધ્ધ ગુજસીટોકનો ગુનો પણ નોંધાયો હતો. તેમાં પણ તે જામીન પર છુટેલો છે. પીઆઇ ભાર્ગવ એમ. ઝણકાતની રાહબરીમાં પીએસઆઇ જે. એમ. પરમારે ગુનો નોંધી યાસીનની શોધખોળ હાથ ધરી છે.

(12:51 PM IST)