તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
રૈયાધારના જાહીદ જુણેજાએ મિત્રની પત્નિને પ્રેમજાળમાં ફસાવી બોલેરો ગાડીમાં અને ઘરમાં બળાત્કાર ગૂજાર્યો
તમે મને ગમો છો કહી વાતચીત શરૂ કરીઃ પ્રેમસંબંધની મહિલાના પતિને જાણ થઇ જતાં તેણીએ સંબંધ પુરો કરી નાંખ્યો હતો સંબંધ પુરો થયાના એક વર્ષ બાદ જાહિદે બોલેરોમાં મિત્ર સાથે આવી મહિલાને આંતરી ‘હવે કેમ સંબંધ રાખતી નથી તારા કારણે મારી ઘરવાળી જતી રહી'...કહી ગાડીમાં બળજબરી આચરીઃ પછી તેણીનો જન્મતારીખનો દાખલો લઇ જવાનું કહી રૈયાધાર બોલાવી ત્યાં પણ બળાત્કાર ગુજાર્યોઃ પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૭: દૂષ્કર્મની વધુ એક ઘટના પોલીસ દફતરે નોંધાઇ છે. જેમાં રૈયાધારના પરિણીત મુસ્લિમ શખ્સે પોતાના જ મિત્રની પત્નિ એવી ત્રણ સંતાનની માતા સાથે મિત્રતા કેળવી તમે મને ગમો છો કહી પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર ગુજારી લીધાનો આરોપ મુકાયો છે. આ બનાવમાં પ્ર.નગર પોલીસે ભોગ બનનાર ૩૩ વર્ષિય પરિણીતાની ફરિયાદ પરથી રૈયાધારના જાહીદ જુસબભાઇ જુણેજા વિરૂધ્ધ આઇપીસી ૩૭૬ (૨) (એન), ૩૨૩ મુજબ હવે તું કેમ મારી સાથે સંબંધ રાખતી નથી? કહી તેણીને બોલેરો ગાડીમાં બેસાડી દૂષ્કર્મ આચરી તેમજ એક વખત રૈયાધાર ખાતે બોલાવી બળાત્કાર ગુજારી લીધાનો અને ઢીકાપાટુનો માર માર્યાનો ગુનો નોંધ્યો છે.
આ બનાવમાં ભોગ બનનાર મહિલાએ જણાવ્યું છે કે મારે ત્રણ સંતાન છે. થોડા વર્ષ પહેલા હું બીજા સ્થળે રહતી હતી ત્યારે રૈયાધારમાં રહેતાં મારા પતિના મિત્ર જાહીદ જૂણેજા સાથે સંપર્ક થયો હતો. એ પછી તે અવાર-નવાર મારી સાથે ફોનમાં વાતચીત કરતો હતો. એ પછી જાહીદે મને કહેલુ કે હું તમને પસંદ કરુ છું. ત્યારબાદ અમે ફોનમાં વાતચીત ચાલુ કરતાં અમારી વચ્ચે પ્રેમસંબંધ બંધાઇ ગયો હતો. અમે ત્યારબાદ અવાર-નવાર મળતાં હતાં. ૨૦૨૨માં મારા પતિ અને બાળકો સાથે હું શહેરના અન્ય વિસ્તારમાં રહેવા ગઇ હતી. આ પછી મારા અને જાહીદના પ્રેમસંબંધની મારા પતિને ખબર પડી જતાં મેં આ સંબંધ પુરો કરી નાંખ્યો હતો. ત્યારબાદ એક વર્ષ સુધી અમે સંપર્કમાં નહોતાં. મહિલાએ આગળ જણાવ્યું હતું કે ગત ફેબ્રુઆરી-૨૦૨૪માં હું મારા દિકરાને સ્કૂલેથી તેડીને આવતી હતી ત્યારે સાંજે સાડા ચારેક વાગ્યે જાહીદ અને તેનો મિત્ર નિરવ બોલેરો લઇને આવ્યો હતો. નિરવ મારા દિકરાને રમાડવા લઇ ગયો હતો અને જાહીદે મને બોલેરોમાં બેસાડીને હવે કેમ મારી સાથે સંબંધ રાખવો નથી? તેમ કહી બોલેરો ગાડીમાં જ મારી સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધી લીધો હતો. ત્યારબાદ તેણે-તારા કારણે મને મારી પત્નિ મુકીને જતી રહી છે..તેમ કહી મને ગાલ પર લાફા મારી તેમજ શરીરે મુંઢ માર માર્યો હતો. એ પછી જાહીદે મારી પાસેથી મારા ડોક્યુમેન્ટ લઇ લીધા હતાં. જેમાં જન્મતારીખનો દાખલો પણ હતો.
ત્યારબાદ તેનો મિત્ર નિરવ મારા દિકરાને લઇને આવતાં હું ઘરે જતી રહી હતી. એ પછી અવાર-નવાર હું મારા દિકરાને શાળાએ તેડવા મુકવા જાઉ ત્યારે જાહીદ આવતો હતો. એપ્રિલ-૨૦૨૪માં મને ફોન કરી રૈયાધારમાં તેની બહેનના ઘરે આવી મારો જન્મતારીખનો દાખલો લઇ જવાનું કહેતાં હું ત્યાં જતાં ત્યારે પણ જાહીદે ગાળો દઇ મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારી લીધો હતો. એથી હું ડરી ગઇ હતી. પતિને ખબર પડશે તો ઝઘડા થશે એમ માની ફરિયાદ કરી નહોતી. અંતે મારે હવે ફરિયાદ કરવી પડી છે તેમ વધુમાં ભોગ બનનારે જણાવતાં પીઆઇ ભાર્ગવ એમ. ઝણકાતના માર્ગદર્શનમાં પીએસઆઇ જે. એમ. જાડેજાએ તપાસ હાથ ધરી છે. ભાગી ગયેલા આરોપીને શોધી કાઢવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
(5:00 PM IST)










