<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

પ્રવચન નહિ, પ્રયોગઃ રેસકોર્સમાં પૂ. પરમ આલયજીની શિબિર

રાજકોટમાં પ્રથમવાર તા. ૧૯ થી ર૪ ડીસેમ્‍બર દરમિયાન રેસકોર્ષ ખાતે આયોજનઃ રજીસ્‍ટ્રેશન ફરજીયાત યોગ્‍ય આહાર, યોગ્‍ય વ્‍યાયામ, યોગ્‍ય નિંદ્રા ધ્‍યાન દ્વારા મગજની ઉર્જાને જાગૃત કરાશે સત્ર બાદ વૈજ્ઞાનિક રીતે ડીઝાઇન કરાયેલ અદ્રશ્‍ય નાસ્‍તો આપવામાં આવશે હજારો લોકોએ વજન ઘટાડવું, બ્‍લડ પ્રેશર, અસ્‍થમા, માઇગ્રેન, ડાયાબીટીસ જેવી બીમારીઓમાંથી મુકિત મેળવી

પૂ. પરમ આલયજીની તા. ૧૯મીથી શરૂ થતી ‘‘નવા દ્રષ્‍ટીકોણ વાળી શિબિર''ની ‘‘અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને આયોજકો દ્વારા વિસ્‍તૃત વિગત આપવામાં આવી હતી ત્‍યારની તસવીર. (તસવીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૭: નવા દ્રષ્‍ટિકોણ વાળી શિબિરની અમદાવાદ, સુરત અને ભાવનગરની સફળતા બાદ રાજકોટ શહેરમાં પ્રથમ વાર તા. ૧૯ થી ર૪ ડિસેમ્‍બર દરમિયાન રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે આયોજન કરવામાં આવ્‍યું છે.

શિબિરના સૂત્રધાર પૂજય પરમ આલયજીએ છેલ્લા ૩૦ વર્ષથી સતત સાધના દ્વારા જે પરિવર્તન પોતાના જીવનમાં લાવ્‍યા છે, તેને સામાન્‍ય લોકો સુધી સરળ રીતે પહોંચાડવા માટે તેઓ સતત પ્રયત્‍નશીલ છે. તેમની એક જ ઇચ્‍છા છે કે માણસ પોતાની શકયતાઓને વિકસાવી શકે અને પોતાનું જીવન સ્‍વાસ્‍થ્‍ય અને આનંદથી વ્‍યતીત કરી શકે.

સમગ્ર ભારત અને વિદેશમાં ૩પ૦ થી વધુ શિબિરોના આયોજન બાદ હવે રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી દેશના વિવિધ શહેરોમાંથી આવેલા વિશેષ ઊર્જાથી ભરેલા ૮ યુવાનો સવારે વિવિધ બગીચાઓમાં જાય છે, બપોરે બેઠક કરે છે અને સાંજે સામાજિક કાર્યક્રમોમાં શહેરના નાગરિકોને એક ઉત્તમ કાર્ય માટે આમંત્રણ આપે છે. સન ટુ હ્યુમન ફાઉન્‍ડેશન લોકોમાં સ્‍વસ્‍થ શરીર, શાંત મન અને આનંદમય જીવન માટે જાગૃત કરવા રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્‍ડમાં ૧૯ થી ર૪ ડિસેમ્‍બર સુધી સવારે ૬-૩૦ થી ૮-૩૦ સુધી નિઃશુલ્‍ક શિબિરનું આયોજન કરી રહ્યું છે.

આપણે બધા ઇચ્‍છીએ છીએ કે આપણું જીવન ઊર્જા અને આનંદથી ભરેલું હોય, પરંતુ આ શકય કેવી રીતે છે? આપણાં જીવનમાં આપણને જે કંઇ મેળવવું હોય-નામ, પૈસા, પદ-પ્રતિષ્‍ઠા, આરોગ્‍ય, માનસિક શાંતિ-આ બધું માટે એકમાત્ર સાધન છે આપણું શહેર. જો આપણે મોબાઇલ ફોન ખરીદીએ છીએ તો તેના ફીચર્સ જાણ્‍યા વિના તેનો ઉપયોગ કરી શકતા નથી, તો પછી આપણને મળેલ આ શારિરીક મશીન, જે સુપર કમ્‍પ્‍યુટર કરતા પણ વધુ સંવેદનશીલ અને શકિતશાળી છે, તેની જાણકારી અને ઉપયોગ કરવાની કસોટી આવડતી હોય છે? જો નહીં, તો આપણે પોતાને સાથે ન્‍યાય કરી રહ્યા નથી. કદાચ એ માટેઢ જ આજે દરેક ઘરમાં રોગચાળો વધતો જાય છે, બાળકો મોબાઇલમાં વ્‍યસનગ્રસ્‍ત છે અને યુવાનોમાં તણાવ, ડિપ્રેશન, મદિરાપાન, ડ્રગ્‍સ અને અન્‍ય આદતો વધી રહી છે.

પાછલા ૩૦ દિવસથી, શહેરમાં જાગૃતતા ફેલાવવા માટે આ સંસ્‍થાના યુવાઓ દેશના અલગ અલગ રાજયમાંથી ગારગીમાં, સુનીયાજી, તારીનીજી, સરસ્‍વતીજી પેમલજી, તનુજાજી, કલકીજી, અંકુરજી, મૃત્‍યંજયજી મળીને રાજકોટ શહેરમાં હજારો લોકો સાથે મુલાકાત લીધી છે અને તેમને શ્રેષ્‍ઠ પ્રતિસાદ મળી રહ્યો છે. આ શિબિરનો કોઇ ધાર્મિક સંપ્રદાય કે રાજકીય સમુદાય સાથે સંબંધ નથી અને તેનો કોઇ વ્‍યાવસાયિક હેતુ પણ નથી. એકમાત્ર મકસદ છે માનવ ચેતનાનું ઉન્‍નતિકરણ, જેથી દરેક વ્‍યકિત સંપન્‍ન જીવન જીવી શકે.

દેશના વિવિધ શહેરમાં આ શિબિરમાં ભાગ લેનારા હજારો લોકોને શારીરિક અને માનસિક સ્‍તરે ઘણા લાભ મળ્‍યા છે જેમ કે ર૦-૩૦-૪૦-પ૦ કિલો વધુ વજન ઘટાડવું, બ્‍લડ પ્રેશર, એસ્‍થમા, માઇગ્રેન, ડાયાબિટીસ, કબજિયાત જેવી બીમારીઓમાંથી મુકિત મેળવી. અનેક લોકોએ થાયરોઇડ, હૃદયસંબંધિત સમસ્‍યા, તણાવ અને દવાઓથી રાહત મળી છે.

‘‘યોગ્‍ય આહાર, યોગ્‍ય વ્‍યાયામ નિંદ્રા/ધ્‍યાન'' પર આધારિત આ શિબિરની કેન્‍દ્રિય વિચારધારા આપણા મગજની ઊર્જાને જાગૃત કરે છે, જે વ્‍યકિતે પોતાના જ ગુરૂ બનવા તરફ દોરી જાય છે. આ ટૂંકા સમયગાળામાં શહેરના વિવિધ ગ્રુપ અને સોસાયટીઓમાં જેમ કે સિલ્‍વર હાઇટ્‍સ, એસ્‍ટ્રોન સોસાયટી, રાજ રેસિડેન્‍સી, સુવર્ણભૂમિ, સરદાર બાગ, આર. કે. યુનિવર્સિટી, આર. કે. એમ્‍બિયન્‍સ અને અનેક ઘર ઘર જઇ ૧પ૦થી વધુ ડેમો સત્રોનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં લગભગ ૬પ૦૦ લોકોએ રજિસ્‍ટ્રેશન કરાવ્‍યું છે.

આ શિબિરનું એક સુંદર સુત્રવાકય છે ‘‘પ્રવચન નહીં, પ્રયોગ'', જેમાં કહેવામાં આવ્‍યું છે કે અહીં માત્ર શબ્‍દ જ નહીં, પરંતુ પરિણામ આપતી તકનીકો પણ શીખવવામાં આવશે. સત્ર બાદ વૈજ્ઞાનિક રીતે ડિઝાઇન કરાયેલ અદ્રશ્‍ય નાસ્‍તો આપવામાં આવશે, જે મગજની ઊર્જા જાગૃત કરવાની પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવા માટે જરૂરી પોષક તત્‍વો પૂરા કરશે. શિબિરમાં ભાગ લેવા માટે રજિસ્‍ટ્રેશન ફરજિયાત છે, રજિસ્‍ટ્રેશન બાદ એન્‍ટ્રી કાર્ડના માધ્‍યમથી શિબિરમાં ભાગ લઇ શકાશે.

આ કાર્યને સફળ બનાવવા માટે રાજકોટના ઉદ્યોગપતિઓ અને સેવાભાવી લોકો જોડાયા છે જેમાં મુકેશભાઇ ગાજીપરા (ગીર ગામઠી રેસ્‍ટોરન્‍ટ), નરોત્તમભાઇ પરસાણા, દિનેશભાઇ પટેલ (પ્રકૃતિ પ્રેમી), સંજયભાઇ સગપરીયા અશ્‍વિનભાઇ ખુટ, દિનેશભાઇ (ઉમિયા ચા), કાંતિભાઇ ગજેરા, વસંતભાઇ લીંબાસીયા, અમીતભાઇ દેસાઇ તેમજ અનેક બહેનો અને ભાઇઓ જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતિ માટે મુકેશભાઇ ગાજીપરા (ગીર ગામઠી) (મો. ૯૮રપ૯ ૮૯૮૪૧) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(2:22 PM IST)