<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

સરધારમાં ઇકોમાં સીએનજી ગેસ પુરાવ્‍યા બાદ ફીલરમેને પૈસા માંગતા બે શખ્‍સો હુમલો કરી રોકડ લૂંટી ફરાર

ઉમરાળીના લાલા હુંબલ અને મોટા દડવાના લાલા બતાળાએ રૂા. ૫૩૦ ચુકવવાને બદલે ડખ્‍ખો કર્યોઃ ફિલરમેન વિશ્વાસ મેવાસાને માથામાં લોખંડની વસ્‍તુ ફટકારીઃ ખિસ્‍સામાંથી ૨૩૨૦૦ લૂંટી ગયાના આક્ષેપને પગલે કાર્યવાહી

રાજકોટ તા. ૧૭: રાજકોટ તાબેના સરધારમાં આવેલા સરધાર સહકારી મંડળી સંચાલીત પેટ્રોલ પંપ પર ઇકો ગાડી લઇને આવેલા બે શખ્‍સોએ ગેસ પુરાવ્‍યા બાદ ફિલરમેને ગેસના રૂપિયા ૫૩૦ માંગતા બંનેએ ઝઘડો કરી રૂપિયા ન ચુકવી ફિલરમેનના માથામાં લોખંડની કોઇ વસ્‍તુ ફટકારી દેતાં તે લોહીલુહાણ  થઇ ગયો હતો. માથે જતાં આ બંને શખ્‍સ તેના શર્ટનું ખિસ્‍સુ ખેંચી ફાડી નાંખી તેમાં રાખેલી પેટ્રોલ પંપના વકરાની રોકડ પણ પડાવી ભાગી ગયા હતાં. ઘાયલ થયેલા પંપના કર્મચારીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ છે.

જાણવા મળ્‍યા મુજબ સરધાર નજીકના ચિત્રાવાવ ગામે રહેતાં વિશ્વાસ અંબાલાલભાઇ મેવાસા (ઉ.વ.૩૨) નામના યુવાનને તે સવારે સરધારમાં આવેલા સહકારી મંડળી સંચાલીત પંપ ખાતે નોકરી પર હતો ત્‍યારે ઇકો ગાડીમાં ગેસ પુરાવવા આવેલા બે શખ્‍સોએ ઝઘડો કરી માથામાં કોઇ વસ્‍તુ મારી દેતાં લોહીલુહાણ હાલતમાં રાજકોટ ખસેડાતાં હોસ્‍પિટલ પોલીસ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૂ અને ધર્મેન્‍દ્રભાઇ હુદડ, તોૈફિકભાઇ જુણાચ તથા ભાવેશભાઇ મકવાણાએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.

વિશ્વાસને હોસ્‍પિટલે લાવનાર મંડળીના સભ્‍યએ જણાવ્‍યું હતું કે વિશ્વાસ પાંચેક વર્ષથી પેટ્રોલ પંપમાં નોકરી કરે છે. તે સવારે ગેસના પંપ પર નોકરી પર હતો ત્‍યારે ઉમરાળીની લાલભાઇ હુંબલ અને મોટા દડવાનો લાલભાઇ બતાળા ઇકો ગાડી લઇને આવ્‍યા હતાં. તેમાં ફિલરમેન વિશ્વાસે ૫૩૦ રૂપિયાનો ગેસ પુરી દીધો હતો. પછી બીલ માંગતા આ બંનેએ પૈસા ચુકવવાને બદલે ઝઘડો કરી વિશ્વાસ પર હુમલો કરી માથામાં લોખંડની કોઇ વસ્‍તુ ફટકારી દીધી હતી. એ પછી તેના ખિસ્‍સા પર ઝપટ મારી ખિસ્‍સુ ફાડી નાંખી તેમાં રહેલી રોકડ રકમ પણ પડાવી લીધી હતી અને બંને બીલ ચુકવ્‍યા વગર ઇકો લઇને ભાગી ગયા હતાં. વિશ્વાસને લોહી નીકળતાં હોઇ તત્‍કાળ સારવાર માટે સરધાર સ્‍વામિનારાયણ હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી રાજકોટ ખસેડયો હતો. આજીડેમ પોલીસે ગુનો નોંધવા તજવીજ કરી હતી.

(4:08 PM IST)