<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

ત્રંબામાં બ્રહ્માકુમારીઝનાં ૧પ૦૦ બાલ બ્રહ્મચારી તપસ્‍વી બહેનોનું મહા સંમેલન

આબુથી બ્રહ્માકુમારીઝના મહાસચિવ ભ્રાતા બ્રિજમોહનજી અને ગુજરાત ઝોન ડાયરેકટર રાજયોગીની ભારતી દીદીજીના સાનિધ્‍યમાં : પ્રથમ વખત ગુજરાતના બહેનો એક સાથે મળશેઃ બ્રહ્માકુમારીઝ ગુજરાત-ર૦રપના વર્ષને હીરક જયંતિ વર્ષ તરીકે ઉજવણીનો શુભારંભ થશેઃ પૂ. અંજુદીદી-પૂ. ભગવતીદીદી : વૈશ્‍વિક શાંતિ માટે આયોજનઃ સ્‍વ પરિવર્તનથી વૈશ્‍વિક પરિવર્તન માટે સાધના-ચર્ચા-વિચારણાઃ પ૦ બ્રહ્મકુમારી એકત્ર થાય ત્‍યાં આધ્‍યાત્‍મિક જયોત દ્વારા શકિતશાળી ઉર્જાવાન સર્જાય છે ત્‍યારે અહીં એક સાથે ૧પ૦૦ બહેનો ઉપસ્‍થિત રહેશે : ‘ૐ' શાંતિના મંત્રમાં અનોખી શકિતઃ જીવનની સાચી સાધના અને સર્વ સમસ્‍યાનું સમાધાન

રાજકોટ તા. ૧૭: બ્રહ્માકુમારીઝ રાજકોટ સબઝોન દૈવી પરિવાર દ્વારા રાજકોટ નજીકના ત્રંબામાં આવેલ હેપી વિલેજ રીટ્રેટ સેન્‍ટર ખાતે પ્રથમ વખત ૧પ૦૦ બાલ બ્રહ્મચારી તપસ્‍વી બહેનોનું બે દિવસીય મહા સંમેલન યોજાશે. જેની ‘‘અકિલા'' કાર્યાલય ખાતે ‘‘અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ બ્રહ્માકુમારીઝ બહેનોએ વિગતો વર્ણવી હતી આ તકે પૂ. ભગવતીદીદી, પૂ. અંજુદીદી તથા હિતેશભાઇ લાલાણી ઉપસ્‍થિત રહ્યા હતા.

બ્રહ્માકુમારીઝ બહેનોએ જણાવ્‍યું કે, પ્રથમવાર ૧પ૦૦ બાલબ્રહ્મચારી તપસ્‍વી બહેનોનું મહાસંમેલન યોજાશે જેમાં ‘‘ઓમ શાંતિ''ના મંત્રમાં અનોખી શકિત છે, જીવનની સાચ્‍ચી સાધના છે. તથા સર્વ સમસ્‍યાનું સમાધાન છે. આ સુત્ર સાથે વૈશ્‍વિક શાંતિ-સદ્દભાવના અર્થે કાર્ય કરતી આંતરરાષ્‍ટ્રીય બ્રહ્માકુમારીઝ સંસ્‍થાની ગુજરાતમાં સ્‍થાપના ૧૯૬પમાં થઇ. જે પ૦ માં વર્ષમાં પ્રવેશ કરશે ત્‍યારે સમગ્ર બ્રહ્માકુમારી ગુજરાત પરિવારમાં અનોખો આનંદ છવાયેલ છે. ગુજરાતમાં ૪૭પ કેન્‍દ્રો આવેલા છે.

તા. ર૧-રર ડિસેમ્‍બર ર૦ર૪ શનિ-રવિ હેપીવિલેજ રીટ્રીટ સેન્‍ટર, ત્રંબા ખાતેના વિશાળ સંકુલમાં હીરક જયંતિના ભવ્‍ય શુભારંભની તૈયારીઓ ચાલી રહી છે. રાજયોગનો અભ્‍યાસ કરતા ૬૦ કલાકારો દ્વારા ગુજરાતના દરેક જીલ્લાની વિશેષતા, સામાજીક સેવાઓ તથા આગામી સેવા યોજનાને પ્રસ્‍તુત કરતી સુંદર નૃત્‍ય નાટિકાની તૈયાર કરવામાં આવી છે. તેમજ ૬૦ મહેમાનો દ્વારા ૬૦ સદ્દભાવનાની જયોત પ્રગટાવશે ત્‍યારે ૧પ૦૦ બહેનો એક સાથે ‘‘ઓમ''ની સાધના કરશે.

પૂ. અંજુદીદી અને પૂ. ભગવતીદીદીએ જણાવ્‍યું કે રાજકોટના આંગણે પ્રથમવાર વિશાળ સમુદાયમાં તપસ્‍વી, રાજયોગીની બ્રહ્માકુમારી બહેનોનું મહાસંમેલન યોજાશે. જે બહેનોનું દિવ્‍ય જીવન સંયમ, નિયમ અને મર્યાદાયુકત રહેલ છે. તેઓના જીવનનો મંત્ર સચ્‍ચાઇ, સફાઇ અને સાદગીનો છે. ભારતીય સંસ્‍કૃતિમાં નારીને પૂજનીય માનવામાં આવે છે. ભારતમાતા શકિત અવતારના નારાને સાર્થક કરતા આ સર્વ બ્રહ્માકુમારી બહેનો નારી શકિત અને નારી ગૌરવને સમાજમાં પુનઃસ્‍થાપિત કરવા માટે પ્રેરણાસ્ત્રોત બને છે. આ મહા સંમેલન દ્વારા સમસ્‍ત ગુજરાત નિવાસી આત્‍માઓને એ ઇશ્‍વરીય સંદેશ આપવાનું લક્ષ્ય છે કે જીવનમાં મૂલ્‍યોને અપનાવે, દિનચર્યામાં મેડીટેશનને સામિલ કરે તથા અવિરત સંબંધોમાં અને સમાજમાં પ્રેમ અને ભાઇચારાની ખુશ્‍બુ ફેલાવે. ભારતને પુનઃ દેવભૂમિ બનાવવા અને સમસ્‍ત વિશ્‍વમાં સુખમય સંસરના નિર્માણ કાજે સંસ્‍થાની આવી પવિત્ર, તપસ્‍વીની પ૦૦૦૦ જેટલી બહેનોની શકિતસેના પરમાત્‍માના કાર્યમાં સમર્પિત થઇ પ્રભુની સેવામાં સામિલ છે. કહેવાય છે જયાં પ૦ બ્રહ્મચારી એકત્રિત થાય ત્‍યાં આધ્‍યાત્‍મિક જયોત દ્વારા શકિતશાળી ઉર્જાવાન વાતાવરણ સર્જાય જેના પ્રકંપનો દુર દુર સુધી ફેલાઇ જયારે રાજકોટના આંગણે તો એકસાથે ૧પ૦૦ પવિત્ર બહેનોનું સંગઠન યોજાશે.

આબુથી બ્રહ્માકુમારીઝના મહાસચિવ બ્રિજમોહનભાઇ ઉપસ્‍થિત રહી સ્‍વ-પરિવર્તનના સંકલ્‍પોને વધુ મજબુત બનાવવા તરફ સૌને પ્રેરિત કરશે. આ ભવ્‍ય મહોત્‍સવમાં અમદાવાદ, મહેસાણા, સુરત વગેરે દરેક જિલ્લામાંથી ગુજરાતના બ્રહ્માકુમારીઝના વરિષ્‍ઠ તપસ્‍વીની બહેનો ઉપસ્‍થિત રહેશે.

ગુજરાતની ડાયમંડ જયુબીલી નિમિતે આગામી વર્ષ ર૦રપમાં ગુજરાત ઝોન ડાયરેકટર ભારતીદીદીના માર્ગદર્શન હેઠળ બ્રહ્માકુમારીઝ ગુજરાતના દરેક જિલ્લા સ્‍તરે શૈક્ષણિક, સામાજિક સેવાઓના જેવા કે, વ્‍યસનમુતિ, પ્‍લાસ્‍ટિક જાગૃતિ, ઓર્ગેનિક ખેતી, રોડ સેફટી, ધ્‍યાન શિબિર વગેરેના ૬૦ પ્રોગ્રામો આયોજીત કરવાના સૌ સંકલ્‍પો લેશે તેમ અંતમાં બ્રહ્માકુમારીઝ બહેનો પૂ. ભગવતીદીદી, પૂ. અંજુદીદીએ જણાવ્‍યું હતું.

(4:43 PM IST)