<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

છુટાછેડા નથી દેવા, તને સજા કરાવવી છે, તારી જિંદગી ખરાબ કરી નાખવી છે...ધમકીથી મહેશ વીંઝુડાનો આપઘાત

દોઢ વર્ષથી વડ વાજડી ગામે રિસામણે ગયેલી પત્‍નિ,બે સાળા અને સસરા સતત ત્રાસ આપતાં હોઇ મોત મેળવી લીધું : યુવિનર્સિટી પોલીસે આપઘાત કરનાર યુવાનના નાના ભાઇ પિયુષભાઇ વીંઝુડાની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યોઃ પત્‍નિએ ભરણપોષણનો કેસ કર્યો હોઇ તેની ગઇકાલે કોર્ટમાં મુદ્દત હતીઃ દિકરીને પણ મળવા દેતાં નહિઃ નાનો ભાઇ સાંજે ઘરે આવ્‍યો ત્‍યારે મોટો ભાઇ લટકતો મળ્‍યો : કાલાવડ રોડ ઇસ્‍કોન મંદિર પાછળ પરિવાર સોસાયટીમાં ૨૮ વર્ષિય યુવાને પત્‍નિ હેતલ, સસરા કરસનભાઇ બાટા, બે સાળા વિમલ, કમલેશના ત્રાસથી આપઘાત કરી લેતાં અરેરાટી : મહેશભાઇનો મોબાઇલ બંધ પડતાં તેણે પત્‍નિ હેતલ પાસે માંગતા ન દઇ ઝઘડો કરી સાસુને પણ લાફા મારી લીધાં: બાદમાં રિસામણે જઇ કેસ કરી દીધો હતોઃ મહેશભાઇ નોકરીએ મેટોડા જાય તો ત્‍યાં પણ હેરાન કરાતો હોઇ નોકરી મુકી ડ્રાઇવીંગ કરવા માંડયો હતો

રાજકોટ તા. ૧૮: કાલાવડ રોડ પર ઇસ્‍કોન મંદિર પાછળ પરિવાર હાઉસીંગ સોસાયટી એપાર્ટમેન્‍ટ બી વીંગ ફલેટ નં. ૧૦૦૩માં રહેતાં મહેશભાઇ કરસનભાઇ વિંઝુડા (ઉ.વ.૨૮) નામના યુવાને પંખામાં લટકી જઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. દોઢ વર્ષથી વડવાજડી ગામે રિસામણે ગયેલી પત્‍નિ હેતલ, બે સાળા કમલેશ, વિમલ અને સસરા કરસનભાઇ બાટાના ત્રાસથી તે મરી જવા મજબુર થયાનું તેણે લખેલી સ્‍યુસાઇડ નોટને આધારે ખુલતાં પોલીસે કાર્યવાહી કરી હતી.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે આપઘાત કરનાર મહેશભાઇ વિંઝુડાના નાના ભાઇ  પિયુષભાઇ (પોલો) રામજીભાઇ વિંઝુડા (ઉ.વ.૨૪)ની ફરિયાદ પરથી લોધીકાના વાજડી (વડ) ગામે રહેતી મહેશભાઇની પત્‍નિ હેતલબેન મહેશભાઇ વિંઝુડા, સસરા કરસનભાઇ બાટા, સાળા કમલેશ કરસનભાઇ બાટા અને વિમલ કરસનભાઇ બાટા વિરૂધ્‍ધ બીએનએસની કલમ ૧૦૮, ૫૪ મુજબ ત્રાસ ગુજારી મરી જવા મજબૂર કર્યાનો ગુનો નોંધ્‍યો છે.

પિયુષભાઇ ઉર્ફ પોલો વિંઝુડાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પ્રાઇવેટ નોકરી કરુ છુ અને મારા મોટા ભાઇ મહેશભાઇ સાથે રહુ છું. મારા પિતા પાંચ વર્ષ પહેલા ગુજરી ગયા છે. મારા માતા ધર્મિષ્‍ઠાબેન ઉપલેટાના ઢાંક ગામે રહે છે. અમે બે ભાઇ અને એક બહેનમાં મહેશભાઇ મોટા હતાં. બેહન સુરત સાસરે છે. મારા લગ્ન થયા નથી. મહેશભાઇના લગ્ન પાંચ વર્ષ પહેલા વડવાજડી ગામના કરસનભાઇ બાટાની દિકરી હેતલ સાથે થયા હતાં. તેને સંતાનમાં  ૩ વર્ષની દિકરી છે. હાલ મારા ભાભી હેતલબેન તેના માવતરે છે.

મહેશભાઇના લગ્ના બાદ હું અને મારા ભાભી તથા ભાઇ એમ ત્રણેય મેટોડામાં રહેતાં હતાં. મારા ભાઇ અને હું કારખાનામાં કામ કરતાં હતાં. લગ્ન બાદ મારા ભાભી  મારા ભાઇ સાથે નાની નાની વાતે ઝઘડો કરતાં હતાં. છેલ્લા બે વર્ષથી અમે ઇસ્‍કોન મંદિર પાછળ પરિવાર સોસાયટીમાં રહીએ છીએ. મારા બા અમારા ગામમાં નોકરી કરતાં હોઇ તેઓ રજાના દિવસોમાં અમારે ત્‍યાં આવતાં જતા રહે છે. દોઢેક વર્ષ પહેલા મારા ભાઇનો ફોન ખરાબ થઇ જતાં મારા ભાભી પાસે પડેલો ફોન માંગતા તેણે  ફોન ન આપી ઝઘડો કર્યો હતો અને મારા બાને ઝાપટો મારી દીધી હતી. એ પછી ભાભી રિસામણે તેના માવતરે જતાં રહ્યા હતાં.

ત્‍યારબાદ ભાભીએ મારા ભાઇ મહેશભાઇ ઉપર ભરણપોષણનો કેસ કર્યો હતો. જેની રકમ મારા ભાઇ નિયમીત ભરપાઇ કરતાં હતાં. મારા ભાભી મારા ભાઇને દિકરીને પણ મળવા દેતા નહોતાં. તેમજ ભાઇ તેના પત્‍નિ અને દિકરીને લેવા વડવાજડી જતાં  તેમના સાળા કમલેશ, વિમલ તથા સસરા કરસનભાઇએ તેમજ મારા ભાભી મળી ચારેયએ મારા ભાઇને માર માર્યો હતો અને ક્‍યારેય પણ અહિ આવવું નહિ તેમ કહી મકી આપી હતી. આ કારણે મારા ભાઇ મહેશભાઇ ખુબ ડરી ગયા હતાં. મારા ભાઇને તેના સાળા, સસરા નાની નાની વાતે હેરાન કરી ઝઘડો કરતાં હતાં અને શાંતિથી જીવવા દેતાં નહોતાં. મારો ભાઇ મેટોડા કામે જાય તો ત્‍યાં પણ તેને હેરાન કરવા પહોંચી જતાં હતાં. સસરા, સાળા અતિશય ત્રાસ આપતાં હોવાની વાત મારા ભાઇએ મને કરી હતી. ત્રાસને કારણે તેણે ત્‍યાંની કારખાનાની નોકરી મુકી દીધી હતી અને ડ્રાઇવીંગ કરવાનું ચાલુ કર્યુ હતું.પિયુષભાઇએ આગળ જણાવ્‍યું છે કે  મારા ભાઇએ એવી પણ વાત કરી હતી કે તેના પત્‍નિ હેતલબેનના લગ્ન અગાઉ થાન ખાતે થયા હતાં. તેના પ્રથમ પતિએ પણ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. મારા ભાઇ છેલ્લા કેટલાક દિવસથી ખુબ ટેન્‍શનમાં રહેતાં હતાં. તેને દિકરી ખુબ વ્‍હાલી હતી પણ મારા ભાભી તેને  મળવા દેતાં નહોતાં. આ કારણે પણ તે સતત દુઃખી રહેતાં હતાં. તે મને અવાર-નવાર કહેતાં કે-મારી પત્‍નિ, સાળા, સસરા મને ભેગા મળી જીવવા દેશે નહિ. પણ હું તેને બધુ સારુ થઇ જશે તેમ કહી સમજાવતો હતો અને તે કામે લાગી જતાં હતાં.

 આજથી ત્રણેક દિવસ પહેલા મારા ભાઇ વિરડાવાજડી ગામે ગયેલ ત્‍યારે તેના સસરા, પત્‍નિ અને સાળા ત્‍યાં ભેગા થતાં  આ ત્રણેય સાથે મારા ભાઇએ પત્‍નિ હેતલ બાબતે સમાધાનની વાત કરતાં આ ત્રણેયએ ઉશ્‍કેરાઇ જઇ તારે ભરણ પોષણ આપવું પડશે અને તને છુટાછેડા પણ આપવા નથી. તારી જિંદગી ખરાબ કરી નાખવાની છે, હજુ તો તને સજા કરાવવાની છે, તને જીવવા જેવો રહેવા દેવો નથી...તેમ કહી મકી આપી હતી. આ વાત મારા ભાઇએ મને કરી હતી. દરમિયાન ૧૭મીએ મંગળવારે મારા ભાઇને કોર્ટમાં મુદ્દત હતી. સવારે હું મારા કામે જતો રહ્યો હતો. મારો ભાઇ ઘરે એકલો હતો. સાંજે પોણા સાતેક વાગ્‍યે હું ઘરે આવ્‍યો ત્‍યારે દરવાજો અંદરથી બંધ હતો.

મેં દરવાજો ખખડાવવા છતાં નહિ ખોલાતાં પાટા મારતાં નકુચો તૂટી ગયો હતો. અંદર જોતાં મારા ભાઇ મહેશભાઇએ પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનું જણાતાં મેં રાડારાડી કરતાં પડોશીઓ ભેગા થઇ ગયા હતાં. કોઇએ જાણ કરતાં ૧૦૮ આવી હતી. તેના ડોક્‍ટરે મારા ભાઇને મૃત જાહેર કર્યા હતાં. આપઘાત પુર્વે મારા ભાઇ મહેશભાઇએ સ્‍યુસાઇડ નોટ લખી હતી જે રૂમમાં વોશીંગ મશીન પરથી મળી હતી. જેમાં મારા ભાઇએ લખ્‍યું હતું કે-હું મારી પત્‍નિ હેતલ, સસરા કરસનભાઇ, સાળા કમલેશ અને વિમલના ત્રાસથી આત્‍મહત્‍યા કરુ છું, આ બધા જાનથી મારી નાખવાની ધમકી આપે છે, મારી દિકરીને પણ મળવા દેતા નથી. મને મરવા મજબૂર કર્યો છે. મારી પત્‍નિ ખરાબ રસ્‍તે ચડી ગઇ છે, મને ખોટી રીતે ફસાવી હેરાન કરે છે. તે સહિતની વિગતો લખી હતી. મારા ભાઇને તેના પત્‍નિ, સસરા અને બે સાળાએ સતત ખોટી રીતે હેરાન કરવાનું ચાલુ રાખ્‍યું હોઇ અને મરી જવું પડે  તેવા સંજોગો ઉભા કર્યા હોઇ તેણે આપઘાત કરી  લીધો હતો. તેમ વધુમાં પિયુષભાઇ ઉર્ફ પોલાએ જણાવતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ ડી. આર. રત્‍નુએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(1:21 PM IST)