<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

રાતે બે કલાક ટ્રાફિક પોલીસની ખાસ ડ્રાઇવમાં ૨૬૧ કેસઃ ત્રણ વાહનચાલક પીધેલા પકડાયા

ગ્રીનલેન્‍ડ ચોકડી, અમુલ સર્કલ, સોરઠીયાવાડી, ગુંદાવાડી, કોટેચા ચોક, કોસ્‍મો ચોકડી, કિસાનપરા, ઘંટેશ્વર ટી પોઇન્‍ટ ખાતે ચેકીંગ થયું: નાસ્‍તાની લારીઓ સ્‍ટોલ ખાતે પણ બ્રેથ એનલાઇઝરથી તપાસ કરવામાં આવી

રાજકોટઃ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા દરરોજ સાંજે આઠથી રાતના દસ સુધી અલગ અલગ સેક્‍ટર મુજબ અલગ અલગ પોઇન્‍ટ પર વાહન ચેકીંગ કરવામાં આવે  છે. જેમાં ગત રાતે બે કલાક દરમિયાન ગ્રીનલેન્‍ડ ચોકડી, અમુલ સર્કલ અને સોરઠીયા વાડી સર્કલ, ગુંદાવાડી પોલીસ ચોકી પાસે તેમજ કોટેચા ચોક, કોસ્‍મો ચોકડી અને કિસાનપરા ચોક તથા ઘંટેશ્વર ટી-પોઇન્‍ટ ખાતે ચેકીંગ કરી કુલ ૧૪૫ રોકડ દંડના કેસ કરી ૫૭૯૦૦નો દંડ વસુલાયો હતો. ૧૧૬ ઇ-ચલણ અપાયા હતાં. આ રીતે કુલ ૨૬૧ કેસ કરી ૧,૩૨,૪૦૦નો દંડ ફટકારાયો હતો. અલગ અલગ કારણોસર નિયમ ભંગ થતો હોઇ ૭ વાહનો ડિટેઇન કરાયા હતાં. તમામ પોઇન્‍ટ પર બ્રેથ એનલાઇઝરથી ૧૩૧ વાહનચાલકોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ગ્રીનલેન્‍ડ ચોકડીએ બે અને અમુલ સર્કલે એક મળી ત્રણ વાહનચાલકો નશો કરેલા હોઇ એમવીએક્‍ટ હેઠળ કાર્યવાહી થઇ હતી. ઇંડાની લારીઓ, નાસ્‍તાના સ્‍ટોલ પર  આવતાં લોકોના મોઢા પણ બ્રેથ એનલાઇઝરથી ચેક કરાયા હતાં.

(3:17 PM IST)