તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 18th December 2024
અયપ્પા મંદિરના વાર્ષિક મહોત્સવનો ભવ્ય પ્રારંભઃ મંદિરને ૮૦૦ દીવડા અને ફુલોથી સજાવવામાં આવ્યુઃ ૨૩મીએ સમાપન

રાજકોટ : ભગવાન શિવ અને વિષ્ણુના પુત્ર ‘અયપ્પા ભગવાન' અયપ્પા મંદિર પરસાણા નગર રાજકોટ ખાતે ગઈકાલથી શરૂ થયેલ આ ભવ્ય વાર્ષિક મહોત્સવ ૨૩ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. મહોત્સવના પ્રારંભે મંદિરને ૮૦૦ દીવડાથી અને ફૂલોથી સજાવવામાં આવેલ હતું.
દક્ષિણ ભારત સિવાયના બહુ ઓછા લોકો અયપ્પા ભગવાન વિષે જાણતા હશે, કેમ કે, અયપ્પા ભગવાન એ દક્ષિણ ભારતમાં અત્યંત પુજનીય અને લોકોની અયપ્પા ભગવાન તરફેની શ્રધ્ધા જોવા જેવી છે, કયારેય દક્ષિણ ભારતમાં જાવ તો, અયપ્પા ભગવાનના સબરીમાલા મંદિરમાં જઈને કરી શકો છો. આજે આપણે આવા અલૌકિક દેવ ‘અયપ્પા ભગવાન'નુ મંદિર આપણા રાજકોટમાં પરસાણાનગર-૧૫, સાંઢીયા પૂલ પાસે આવેલ છે, જયાં અયપ્પા ભગવાનના મંદિર સિવાય ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ, ભગવાન ગણપતિ, ભગવાન કાર્તિકેય, માં દુર્ગા, નવ ગ્રહ મંદિર, નાગદેવતા મંદિર આવેલા છે, જયાં અયપ્પા ભગવાનના દર્શન થતા જ તમોને અલૌકીક અહેસાસ થાય છે.
સબરીમાલા મંદિર, કેરેલામાં જે પુજાઓ ધાર્મિક વિધિઓ થતી હોય છે, તે જ રીતે તેવી તમામ પુજાઓ, ધાર્મિક વિધિઓ અયપ્પા મંદિર, રાજકોટમાં કરવામાં આવી રહેલ છે.
આ અયપ્પા ભગવાનના મંદિરના તા. ૧૭ મંગળવારના વાર્ષિક મહોત્સવનો ભવ્ય પ્રારંભ થઈ ગયો. બરોબર ૬ વાગે થી રાત્રીના ૧૦.૩૦ સુધી પુજારી મંદિરમાં શુદ્ધિકરણ ૮૦૦ દીવડાથી ફૂલોથી ભવ્ય રીતે શણગાર કરવામાં આવેલ અને જ્યારે મહેમાનો આવ્યા ત્યારે કેરળની વેશભૂષા સજ્જ બહેનો દીવડા સાથે મહેમાનોનું રાજકોટના ધર્મપ્રેમી જનતાનુંભવ્ય સ્વાગત કરેલ હતું આ કાર્યક્રમ ઉદ્ધાટન રાજકોટના મેયર શ્રીમતી નયનાબેન પેઠડીયા, હસ્તે કરવામાં આવેલ હતું. સહકાર ભારતીના જયેશભાઈ સંઘાણી અને સ્વદેશી જાગરણ મંચના વિનોદભાઈ પેઢીયા ઉપસ્થિત રહ્યા હતા.
આરતીનો કાર્યક્રમ શરૂ થયો હતો. આજરોજ મંદિરની પરંપરા મુજબ કેરળની માન્યતા મુજબ તંત્રીશ્રી, જેવો દરરોજ પૂજા કરતા હોય પૂજારીથી ઉપર ગણવામાં આવે છે
તંત્રીશ્રી વર્ષમાં એક જ વાર મંદિરની અંદર પ્રવેશ કરે છે માટે તંત્રીશ્રી ભગવાનના પિતાશ્રી ગણાય છે અને દરરોજ ભગવાનની પૂજા કરતા હોય તેને પૂજારી કહેવાય છે પૂજારીથી ઉપર તંત્રીશ્રી કહેવાય છે માટેપૂજારી ભગવાનની માતા ગણાય છે. દરરોજ મંદિરમાં પૂજા અર્ચના કરે છે આ કેરળની માન્યતા છે તે મુજબ આજરોજ કેરળથી આવેલા પૂજારીએ તમામ વિધિની શરૂઆત કરેલ હતી. આ મંદિરનુ સંચાલન અયપ્પા સેવા સમિતિ દ્વારા કરવામાં આવી રહેલ છે, જેના પ્રમુખ તરીકે ડો. શીજી આર. પિલ્લઈ, મંત્રી-ગોપાલ ક્રિષ્નન પિલ્લઈ, ઉપપ્રમુખ-રાજેશભાઈ પિલ્લઈ અને ખજાનચી-બી. ટી. નાયર છે.
અયપ્પા મંદિર, પરસાણાનગર, પંચનાથ મંદિરથી અયપ્પા ભગવાનની મૂર્તિ લઈ ચોધરી હાઈસ્કુલ-ધરમ ટોકીઝ, જામટાવર, અયપ્પા મંદિર યાત્રા નીકળશે. આ અયપ્પા ભગવાનની યાત્રા ૨૭ વર્ષ પછી પંચનાથ મંદિરથી તા.૨૨/૧૨/૨૦૨૪ ના રોજ સાંજે પાંચ વાગ્યે પ્રયાણ કરશે. જેમાં દક્ષિણ ભારતની પ્રાચીન પ્રથા મુજબ દક્ષિણ ભારતની મહિલાઓ તે યાત્રામાં હાથમાં દિવા પ્રજવલિત કરીને યાત્રાને શોભાવશે, જેને ‘તાલપોલી' કહેવામાં આવે છે, આ તાલપોલીનું દ્રશ્ય જોવા લાયક હોય છે, જે ભાગ્યે જ ગુજરાતમાં જોવા મળતુ હશે. જેમાં આગળ પંચવાઘયમ (પાંચ પ્રકારના વાધ) યંત્રોથી વીસથી પચ્ચીસ વ્યકિતઓ સાઉથ ઈન્ડીયન સ્ટાઈલમાં ઢોલ નગારા વગાડી યાત્રાનુ આગમન થશે.
સાઉથ ઈન્ડીયન કોમ્યુનીટી આ યાત્રામાં ઉમટી પડશે, આ કાર્યક્રમનુ આયોજન રાજકોટમાં લગભગ આશરે ૨૭ વર્ષ પછી સૌ પ્રથમવાર અયપ્પા સેવા સમિતિ ધ્વારા કરવામાં આવનાર છે, જેથી દક્ષિણ ભારતના લોકો તથા રાજકોટના તમામ ધર્મપ્રેમી લોકોને આ યાત્રામાં પધારી અયપ્પા ભગવાનના દર્શનનો લ્હાવો લેવા તેમજ કેરળ સંસ્કળતિને નજીકથી નિહાળવા રાજકોટના સૌ લોકોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવેલ છે. આ ધાર્મિક કાર્યક્રમની પૂર્ણાહુતિ તા.૨૩ ડિસેમ્બરના રોજ અયપ્પા ભગવાનની ધજા ઉતારી કરવામાં આવશે તેમ અયપ્પા સેવા સમિતિ, રાજકોટના પ્રમુખ ડો. શીજુ આર. પિલ્લઈની યાદી જણાવે છે.
(3:22 PM IST)










