<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

રાજકોટથી દિલ્‍હી જવા વધુ ફલાઇટની સુવિધા આપવા રામભાઇ મોકરીયાની રજૂઆત

દિલ્‍હીમાં કેન્‍દ્રીય નાગરિક ઉડયન કેબિનેટ મંત્રી કિનજારાપુ રામમોહન નાયડુને રૂબરૂ પત્ર પાઠવતા રાજયસભાના સાંસદ

રાજકોટ, તા. ૧૮ : કેન્‍દ્ર સરકારના નાગરિક ઊડ્ડયન વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કિનજારાપુ રામમોહન નાયડુને રાજકોટ એરપોર્ટથી વહેલી સવારે  દિલ્‍હી જવા માટે રેગ્‍યુલર ફલાઇટ આપવા માટે રૂબરૂમાં મળીને લેખિત રજૂઆત સંસદ સભ્‍ય (રાજ્‍યસભા) રામભાઈ મોકરીયાએ કરી છે.

રાજકોટ એરપોર્ટ ઉપરથી હાલમાં વહેલી સવારે દિલ્‍હી જવા માટે એક પણ ફલાઈટ ઉપલબ્‍ધ નથી તે બાબતે આજરોજ દિલ્‍હી ખાતે કેન્‍દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી કિનજારપુ રામમોહન નાયડુને રૂબરૂમાં મળી તેઓશ્રીને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરેલી જેમાં સંસદ સભ્‍ય રામભાઈ મોકરીયા એ જણાવેલ કે રાજકોટ શહેર સૌરાષ્‍ટ્રનું સૌરાષ્‍ટ્રનું કેપિટલ ગણાય છે  તેમજ રાજકોટ ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ વિકાસ પામેલ છે તેમજ રાજકોટને ઇન્‍ટરનેશનલ એરપોર્ટ ની સુવિધા મળેલી છે.રાજકોટ શહેરની આસપાસના જિલ્લાના મુખ્‍ય મથકો ખૂબ જ વિકાસ પામેલ છે અને તમામ આજુબાજુના શહેરો રાજકોટ સાથે આર્થિક અને ઔદ્યોગિક રીતે જોડાયેલા છે.તેમજ રાજકોટની વસ્‍તી અંદાજિત ૪૦ લાખ કરતાં વધારેની છે.આમ દરેક રીતે રાજકોટ ખૂબ જ અગત્‍યનું શહેર છે.

રાજકોટથી અત્‍યારે સાંજના સમયે દિલ્‍હી જવા માટે વિમાની સેવા ઉપલબ્‍ધ છે પણ સવારના રાજકોટ થી દિલ્‍હી જવા માટે એક પણ ફલાઇટની સુવિધા ઉપલબ્‍ધ નહિ હોવાથી વહેલી સવારે દિલ્‍હી જવા માટે પેસેન્‍જરોને ખૂબ જ અગવડ પડે છે જેથી વહેલી સવારના દિલ્‍હી જવા માટે સત્‍વરે ફલાઇટ ચાલુ કરવામાં આવે તો પૂરતા પ્રમાણમાં ટ્રાફિક પણ મળી રહેશે વિગેરે બાબતે સંસદ સભ્‍ય રામભાઈ મોકરીયાએ વિગતવાર રૂબરૂમાં લેખિત તેમજ મૌખિક ભારપૂર્વક રજૂઆત કરેલ છે. 

(3:39 PM IST)