તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th December 2024
ચારણ ગઢવી સમાજ દ્વારા રપમીથી ત્રિવિધ સમારોહ
ભાગવત સપ્તાહ અને સોનલ બીજ મહોત્સવ ઉજવાશેઃ તેજસ્વી છાત્રોનું સન્માન કરાશેઃ કથાના વ્યાસાસને લાખણશીભાઇ ગઢવી બીરાજી કથાનું રસપાન કરાવશેઃ દરરોજ સાંજે લોકડાયરોઃ તા.૧ના આઇશ્રી સોનલમા બીજની વાજતે ગાજતે શોભાયાત્રા

રાજકોટ તા.૧૮: સમસ્ત ચારણ ગઢવી સમાજ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ, સોનલબીજ મહોત્સવ અને તેજસ્વી છાત્રોનું સન્માન એમ તિવિધ સમારોહનું ન્યુ ખોડીયારનગર, ગોંડલ રોડ, ગીતાનગર-૭નો ખુણો, મોગલ ચોક ખાતે આયોજન કરાયું છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયું હતું કે આગામી તા.રપ થી ૩૧ સુધી સમસ્ત ચારણ સમાજના પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. વ્યાસપીઠ પર સુપ્રસિધ્ધ વિદ્વાન પ્રખર વકતાશ્રી લાખણશીભાઇ ગઢવી, જુનાગઢ કથાનું રસપાન કરાવશે.
કથા દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ લોકડાયરા, દાંડીયા રાસનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તા.રપના સાવરે ૯:૩૦ થી ૧ વાગ્યા સુધી દરરોજ કથાનું આયોજન થશે. બપોરે ૧ વાગ્યે મહાપ્રસાદ તેમજ તા.ર૬ના સાંજે ૪ થી ૬ દાંડીયારાસ, રાખેલ છે. જેમાં કલાકારો જીજ્ઞેશભાઇ ગઢવી, ઇલાબેન પ્રજાપતિ તેમજ ધવલભાઇ રાયકા દ્વારા લોક સંગીત સાથે રાસ ગરબા રજુ કરવામાં આવશે.
તા.ર૭ના સાંજે ભવ્ય લોકડાયરો જેમાં લોક ગાયીકા કિરણબા ગઢવી, ગોવિંદભા પાલીયા, દિલુભા ગઢવી તેમજ પ્રવિણાબા ગઢવી લોક સંગીતની સરવણી વહાવશે.
તા.ર૮ના રાત્રે ૯:૩૦ કલાકે પ્રખર લોક સાહિત્યકારશ્રી બ્રીજરાજદાન ગઢવી તેમજ વિશાલભાઇ બાટી(ગઢવી)લોક ડાયરામાં સમાજને મંત્ર મુગ્ધ કરશે.
તા.ર૯ સાંજે ૪ થી ૭ દાંડીયા રાસમાં ઉમેદ ગઢવી, નિતીન ગઢવી તેમજ શેખર ગઢવી યુવાનોને ઝુમાવશે.
તા.૩૦ના સુપ્રસિધ્ધ લોક સાહિત્યકારશ્રી રાજભા ગઢવી ગીર અને તેની ટીમ સર્વે લોક ચાહકોને જનમેદનીને સોનલ સંભારણાની યાદી અપાવશે.
તા.૩૧ના સોનલબીજની પૂર્વ સંધ્યાએ રાત્રે ૯:૩૦ કલાકે લોક ડાયરો હકાભા ગઢવી, વિજયભાઇ ગઢવી ખંભાળીયા, તેમજ ભરતદાન ગઢવી આસણીયા માતાજીની ચરજુ ભેળીયા રજુ કરશે.
તા.૧ ના ચારણોના નવા સુપ્રભાતે નવા વર્ષના પરમ વંદનીય આઇશ્રી સોનલમાની બીજના સવારે ૮ કલાકે શોભાયાત્રા તેમજ સવારે ૧૧ કલાકે તેજસ્વી છાત્રોનું સન્માન, સમાજ શ્રેષ્ઠીનું સન્માન કાર્યક્રમ થશે. બપોરે ૧રઃ૩૦ કલાકે સમસ્ત ચારણ સમાજ માટે મહાપ્રસાદનું આયોજન કરાશે. આ ભાગવત સપ્તાહમાં પરમ વંદનિય જગદંબાઓ પરમ પુજય સંતો, મહંતો તેમજ રાજયના અધિકારીઓ, પદાધિકારીઓ, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે.
ચારણ સમાજને ભાગવત સપ્તાહમાં પધારવા તેમજ મા સોનલમાની પોષ સુદ બીજના નવા વર્ષમાં સાથે મળીને નવા વર્ષના સોનલમાના નવા વિચારોની શુભકામના પાઠવવામાં આવશે. પ્રયાસ સમસ્ત ચારણ એકધારણ તેમજ સાડા ત્રણેય ટહાળાના ચારણોને એકત્રીત કરીને સમગ્ર ચારણ સમાજને એક કરીને સંગઠીત કરવા આ આયોજનનો મુખ્ય ઉદેશ છે.
તસ્વીરમાં ‘‘અકિલા''ખાતે વિગતો વર્ણવતા પ્રકાશભાઇ ગઢવી, મહીપતભાઇ ગઢવી, પ્રવિણભા ગઢવી, કનુભા ગઢવી, કરશનભા ગઢવી, દેવરાજભા ગઢવી, રણજીતભા ગઢવી, કરણભા ગઢવી, હરેશભા ગઢવી, મહેન્દ્રસિંહ રાઠોડ, રવિરાજભા ગઢવી નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(4:16 PM IST)










