<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

રાજકોટની નગ્‍માની હત્‍યાનો ભાંડો ન ફુટે તે માટે તેના પરિવારના ૩ સભ્‍યોની પડધરી પાસે હત્‍યા કરાઇ'તી

પાઉડર તથા ઝેરી દવા પીવડાવી, સ્‍યુસાઇડ નોટ લખી હત્‍યાના બનાવને આપઘાતમાં ખપાવ્‍યો'તોઃ મૃતક સીરીયર કિલર નવલસિંહ તથા તેના કૌટુંબીક સાળા જીગર સામે ગુન્‍હો નોંધાયોઃ જીગરની ધરપકડ : પ્રેમીકા નગ્‍માની હત્‍યા કરી લાશ વાંકાનેર પાસે દાટી દીધા બાદ પરીવારજનોએ ગૂમ પુત્રી નગ્‍મા અંગે તાંત્રીક નવલસિંહને પુછતાછ કરતા ભાંડો ફુટવાની બીકે ત્રણેયની હત્‍યાનું કાવત્રુ રચ્‍યું'તું: પત્રકાર પરીષદમાં વિગતો આપતા જીલ્લા પોલીસ વડા હિમકરસિંહ

તસ્‍વીરમાં પત્રકાર પરીષદમાં સિરીયલ કીલર વિષે માહિતી આપતા રૂરલ એસપી હિમકરસિંહ બાજુમાં પડધરીના મહિલા પીઆઇ એસ.એન.પરમાર, રૂરલ ક્રાઇમ બ્રાન્‍ચના પીઆઇ વિજય ઓડેદરા તથા ટીમ નજરે પડે છે. છેલ્લી તસ્‍વીર આરોપી જીગર ગોહીલની છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા) (૪.૩૦)

રાજકોટ, તા., ૧૯: પડધરી પાસે રાજકોટના મુસ્‍લીમ પરિવારના ૩ સભ્‍યોએ સામુહિક આપઘાત કર્યાની ઘટના હત્‍યાની હોવાનું પોલીસ તપાસમાં ખુલતા રૂરલ પોલીસે અમદાવાદના સિરીયલ કીલર મૃતક નવલસિંહ ચાવડા તથા તેના કૌટુંબીક સાળા જીગર સામે હત્‍યાનો ગુન્‍હો દાખલ કરી જીગરની ધરપકડ કરી છે.

 આ અંગે રૂરલ એસપી હિમકરસિંહે પત્રકાર પરીષદમાં વિગતો આપતા જણાવ્‍યું હતું કે, ૧૩ જણાની સોડિયમ નાઈટ્રેટ કેમિકલ પીવડાવી દઈ હત્‍યા નિપજાવનાર મળતક આરોપી અને તાંત્રિક નવલસિંહ કનુભાઈ ચાવડાએ રાજકોટનાં ભગવતીપરા વિસ્‍તારમાં રહેતી પ્રેમીકા નગ્‍મા નામની યુવતીની હત્‍યા કર્યા બાદ  પોતાનો ભાંડો ન ફૂટે તે માટે નગ્‍માના માતા-પિતા અને ભાઈની પણ  તા. રર-પ-ર૦ર૪ દરમિયાન  પડધરી પાસે ઠંડે કલેજે હત્‍યા કરી નાખી હતી. રૂરલ પોલીસે આ હત્‍યાકાંડમાં સંડોવાયેલ જીગરને દબોચી લઇ પુછતાછ કરતા ચોંકાવનારી વિગતો ખુલી હતી.

પોલીસની પુછપરછમાં જીગરે એવી ચોંકાવનારી કબુલાત આપી છે કે નવલસિંહે તેને જણાવ્‍યું હતું કે તેને નગ્‍મા સાથે પ્રેમસંબંધ છે. જેથી નગ્‍મા લગ્ન કરવા માટે દબાણ કરી રહી છે. પરંતુ તે લગ્ન કરવા માંગતો નથી. એટલું જ નહીં તેના દબાણથી કંટાળી ગયો છે. જેથી તેને મનાવવા જવાનું છે. જે માટે તેને પોતાનો સાળો બનીને સાથે આવવાનું રહેશે. જેથી તે પોતાની સ્‍વીફટ ડીઝાયર કાર લઈ વઢવાણ ગયો હતો. ત્‍યાંથી નવલસિંહ સાથે ચોટીલા પહોંચ્‍યો હતો. જયાં નગ્‍મા અને તેના પરિવારના સભ્‍યો મળ્‍યા હતા. બીજે દિવસે નગ્‍મા નવલસિંહના ઘરે પહોંચી ગઈ હતી અને કોઈપણ ભોગે ત્‍યાંથી નહીં જાય તેવી જીદ પકડતાં નવલસિંહે તેનો કાંટો કાઢી નાંખવાનું નકકી કરી લીધું હતું. જેના ભાગરૂપે તેને ઘરે આવેલા મેલડી માતાના મઢમાં લઈ ગયો હતો અને બોટલમાંથી પાવડરવાળું પાણી પીવડાવ્‍યું હતું. જેથી નગ્‍માને ઊલ્‍ટી થવા લાગતાં તેને પકડીને મકાનના ઉપરના માળે લઈ ગયો હતો. થોડી વાર બાદ નગ્‍મા મરી ગયાનું જણાવી તેની લાશના કટકા કરી ભાણેજ શક્‍તિરાજ ઉર્ફે કાનો (રહે. વાંકાનેર)ને કોલ કરી ખાડો ખોદવા કહ્યું હતું.

ત્‍યાર પછી નગ્‍માની લાશને નવલસિંહની કારમાં વાંકાનેર લઈ જઈ તેના ભાણેજ શક્‍તિરાજ ઉર્ફે કાનાએ ખોદેલા ખાડામાં દાટી દીધી હતી. આ ઘટનાક્રમ બાદ નગ્‍મા નહીં મળતાં તેના પરિવારજનો બેબાકળા બની ગયા હતા. જેથી તેમણે નવલસિંહનો સંપર્ક કરતાં તેણે નગ્‍મા કોઈની સાથે ભાગી ગયાનું અને ત્રણેક માસ બાદ પરત આવી જશે તેમ કહ્યું હતું. પરંતુ નગ્‍મા પરત નહીં આવતા તેના પરિવારજનોએ પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી. પરિણામે નવલસિંહને પોતાનો ભાંડો ફૂટી જશે તેમ જણાતાં તેણે કૌટુંબિક સાળા જીગરને આ વાત કરી હતી. જેથી જીગર પોતાની ડીઝાયર કાર લઈ અમદાવાદથી વઢવાણ પહોંચ્‍યો હતો અને નવલસિંહને મળતાં તેણે કહ્યું કે આપણે હવે નગ્‍માના માતા-પિતા અને તેના ભાઈનો નિકાલ કરી નાખવો પડશે. રાજકોટ જઈ આ લોકોને વીધિ કરવાના બહાને બોલાવી મારી પાસે જે પાવડર છે તે પીવડાવી મારી નાખીશું. તારે મદદમાં સાથે રહેવું પડશે.

પુર્વયોજીત કાવત્રા મુજબ તે અને નવલસિંહ તેની ડિઝાયર કારમાં રાજકોટ આવવા નીકળ્‍યા હતા. રસ્‍તામાં નવલસિંહે તેને એક સફેદ કલરના પાવડરના પડીકા બતાવી કહ્યું કે આ પાવડર પીવડાવશું એટલે પોસ્‍ટમોર્ટમમાં ઝેર નહીં પરંતુ હાર્ટએટેક જ આવશે. બાદમાં બને ચોટીલા મહોંચ્‍યા હતા. જયાં એક પાનના ગલ્લેથી કાગળ લઈ નવલસિંહે કારમાં જ નરમાના પિતાના નામે એક સ્‍યુસાઈડ નોટ બનાવી હતી. જેમાં નગ્‍યાના પિતાના નામે એવું લખ્‍યું હતું કે આર્થિક બીરાને કારણે આ પગલું ભરી રહ્યા છે. બાદમાં બને ચોટીલાથી રાજકોટ થઈ ગોંડલ આવ્‍યા હતા. ગોંડલથી જેતપુર પહોંચ્‍યા હતા. ત્‍યારે અગાઉથી વિધિના નામે બોલાવ્‍યા હોવાથી નગ્‍માના માતા-પિતા અને ભાઈ રિક્ષા લઈને ત્‍યાં ઊભા હતા.

ત્‍યારબાદ ત્રણેયને રિક્ષામાં લઈ પડધરી નજીક રામપુર ગામ નજીક પહોંઆ હતા. જયાં જીગરને એકલો ઉભો રાખી નવલસિંહ તેમની પાસે ગયો હતો અને અ ત્રલેયને પાવડર અને શીશીમાંથી ઝેરી દવા પીવડાવી દીધી હતી.

થોડીવાર બાદ નવલસિંહે ત્રણેય મળત્‍યુ પામ્‍યાની ખાત્રી  કરી જીગરને કહ્યું કે હવે આપણી ઉપાધી ગઈ છે. બાદમાં બંને ત્‍યાંથી નીકળી ગયા હતા. સ્‍થળ પરથી નવલસિંહે નગ્‍માના ભાઈ આસીફનો મોબાઈલ ફોન પણ લઈ લીધો હતો.

આ પછી પડપરી પોલીસને ભગવતીપરામાં રહેતાં કાદરભાઈ અલીભાઈ મુકાસમ (ઉ.વ.૯૨), તેના પત્‍ની ફરીદાબેન (ઉ.વ.૫૮) અને પુત્ર આસીફ (ઉ.વ.૩૫)ની લાશ મળી હતી. જે-તે વખતે પડધરી પોલીસે આ બનાવ સ્‍યુસાઈડ નોટ વગેરેને કારણે આપઘાતનો હોવાનું માની લીધું હતું. પરંતુ નવલસિંહે આ ત્રણેયની હત્‍યા કર્યાની જે-તે વખતે કબુલાત આપી હોવાથી  તેના કૌટુંબિક સાળા જીગરને રૂરલ પોલીસે દબોચી લઇ પુછતાછ કરતા આ હત્‍યાકાંડ ઉપરથી પડદો ઉંચકાયો હતો.

આ ત્રિપલ મર્ડર અંગે પડધરી પોલીસમાં  રૂરલ એલસીબીના પીએસઆઈ એચ.સી. ગોહિલે ખુદ ફરીયાદી બની આરોપી મૃતક નવલસિંહ ચાવડા તથા તેના કૌટુંબીક સાળા જીગર સામે ગુન્‍હો નોંધાવ્‍યો હતો. રૂરલ પોલીસે પકડાયલ જીગરની વધુ પુછતાછ હાથ ધરી છે.

આ હત્‍યાકાંડમાં તાંત્રીક નવલસિંહને મદદગારી કરનાર આરોપી જીગરને ઝડપી લેવામાં રૂરલ એલસીબીના પીઆઇ વિજય ઓડેદરા, પીએસઆઇ એચ.સી.ગોહીલ, રૂરલ એલસીબીનો સ્‍ટાફ તેમજ પડધરીના પીઆઇ એસ.એન.પરમાર તથા સ્‍ટાફ જોડાયો હતો. (૪.૩૧)

પોતાની હત્‍યાની બીકે આરોપી જીગરે સિરીયલ કીલર નવલસિંહના કરતુતનો પર્દાફાશ કર્યો'તો

રાજકોટઃ પડધરી પાસે રાજકોટના મુસ્‍લીમ પરીવારના હત્‍યાકાંડના બનાવમાં પકડાયેલ આરોપી જીગર ગોહીલે પોતાની હત્‍યા પણ તાંત્રીક નવલસિંહ કરાવી નાખશે તેવી દહેશતે સિરીયલ કીલર નવલસિંહના કરતુતનો અમદાવાદ પોલીસને જાણ કરી પર્દાફાશ કર્યો હતો.  અમદાવાદ પોલીસે આરોપી જીગર ગોહીલની કેફીયતના આધારે તાંત્રીક નવલસિંહ ચાવડાની ધરપકડ કરી પુછપરછ કરતા રાજકોટના મુસ્‍લીમ પરિવારના ૪ સહિત એક ડઝનથી વધુ હત્‍યા કર્યાની ચોંકાવનારી કબુલાત આપતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જો કે બાદમાં નવલસિંહ ચાવડાએ અમદાવાદ પોલીસની લોકઅપમાં જ આપઘાત કરી લીધો હતો.

સિરીયલ કીલર નવલસિંહને હત્‍યા કરવામાં મદદગારી કરનાર જીગર ગોહીલના ભાઇની પણ ર૦ર૧માં નવલસિંહે  એકના ૪ ગણા રૂપીયા કરી આપવાના બહાને વિધિ કરી ઝેરી દવા પાઇ હત્‍યા કરી હતી અને બાદમાં આ બનાવને આપઘાતમાં ખપાવી દીધો હતો.  નવલસિંહએ તેની પ્રેમીકા નગ્‍મા અને તેના પરિવારના ૪ ની હત્‍યા કર્યા બાદ બનાવ આપઘાતમાં ખપાવી દીધાની મોડસ ઓપરેન્‍ડી જોઇ પોતાના ભાઇની પણ હત્‍યા થયાની શંકા જાગી હતી. અને બાદમાં પોતાના ભાઇના મોત અંગે જીગરે તપાસ કરતા નવલસિંહે તેની હત્‍યા કર્યાનું ખુલ્‍યું હતું.  અને આ હત્‍યાના પુરાવા સાથે અમદાવાદ પોલીસને જાણ કરતા સિરીયલ કિલર નવલસિંહનો પર્દાફાશ થયો હતો. 

નવલસિંહના કરતુતો વિશે પોતે ઘણુ જાણતો હોય નવલસિંહ તેને પણ મારી નાખશે તેવી દહેશત હોય આરોપી જીગર ગોહીલે અમદાવાદ પોલીસને જાણ કરી દેતા સિરીયલ કીલરનો પર્દાફાશ થયો હતો. (૪.૩૧)

આ મેલડી માં નો પ્રસાદ છે... પી જાવ ... ઝેરી દવા આપી તાંત્રીક નવલસિંહે રાજકોટના દંપતિ તથા પુત્રને મોતને ઘાટ ઉતારી દીધા'તા

રાજકોટઃ પડધરીના રામપર ગામ નજીક રાજકોટના મુસ્‍લીમ પરિવારના સામુહીક આપઘાતનો બનાવ હત્‍યાનો હોવાનું ખુલતા ચકચાર જાગી છે. પકડાયેલ આરોપીની પુછતાછમાં આ હત્‍યાકાંડ સંબંધે ચોંકાવનારી વિગતો ખુલી રહી છે.

પકડાયેલ આરોપી જીગર ભનુભાઇ ગોહીલ (ઉ.વ.ર૪) (ધંધોઃ ડ્રાઇવીંગ, રહે. બી-૩૭, કૃષ્‍ણકુંજ સોસાયટી, ૮૦ ફુટ રોડ, નિકોલ અમદાવાદ, મૂળ ગામ એભલ વડ, તા. ઉના)એ પોલીસ સમક્ષ એવી કેફીયત આપી હતી કે, મૃતક તાંત્રીક નવલસિંહ ચાવડાએ તેની પ્રેમીકા નગ્‍માની હત્‍યાનો ભાંડો ન ફુટે તે માટે તેના પિતા કાદરભાઇ અલીભાઇ મુકાસમ, માતા ફરીદાબેન તથા ભાઇ આસીફ (રહે. ભગવતીપરા રાજકોટ)ને જેતપુર નજીક આવેલ દરગાહમાં તાંત્રીક વિધિ કરવી છે તેમ કહી બોલાવ્‍યા હતા અને કહયું હતું કે આ વિધિ કરવાથી તમારી ગુમ પુત્રી નગ્‍મા મળી જશે. તેમજ તમારૂ આર્થિક સંકટ દુર થઇ જશે અને તમારા પુત્ર આસીફના લગ્ન નથી થતા તે થઇ જશે તેમ કહી તાંત્રીકવિધિ કરી હતી. બાદમાં પડધરીના રામપર ગામ પાસે રાત્રે તાંત્રીક વિધિ માટે બોલાવ્‍યા હતા. ત્‍યાં તાંત્રીક નવલસિંહે આ ત્રણેયને આ મેલડી માંનો પ્રસાદ છે તે પી જાવ, તમારી સમસ્‍યા દુર થઇ જશે તેમ કહી પાવડર અને ઝેરી દવા પીવડાવી ત્રણેયને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને રીક્ષામાં ત્રણેયની લાશ મુકી મૃતક આરોપી નવલસિંહ તથા જીગર ગોહીલ નાસી છુટયા હતા.

(3:58 PM IST)