<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

લગ્નના પાંચ જ મહિનામાં પત્‍નિ પૂજા રિસામણે જતી રહેતાં પતિ મયુર ચુડાસમાનો આપઘાત

માલધારી સોસાયટીમાં રહેતાં યુવાને કોલેજ સુધી અભ્‍યાસ કર્યો હતોઃ હાલમાં પિતા સાથે ડ્રાઇવીંગ કરતો હતોઃ પરિવારમાં શોકની કાલીમા : આપઘાત કરનાર મયુર ચાર બહેનનો એકનો એક ભાઇ અને પરિવારનો આધારસ્‍તંભ હતો

રાજકોટ તા. ૧૯: નવ દંપતિ વચ્‍ચે તકરાર થતાં પત્‍નિ માવતરે જતી રહેતાં વિયોગમાં પતિએ આપઘાત કરી લીધો હતો. શહેરના જુના માર્કેટ યાર્ડ પાસે માલધારી સોસાયટીમાં રહેતાં મયુર રમેશભાઇ ચુડાસમા (ઉ.વ.૨૮) નામના યુવાને ઝેરી દવા પી લેતાં ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરાયો હતો. પરંતુ ટુંકી સારવાર બાદ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ માલધારી સોસાયટીમાં રહેતાં મયુર ચુડાસમાએ ગઇકાલે ઘરે ઝેર પી લેતાં અને ઉલ્‍ટીઓ કરવા માંડતાં નાની બહેને પરિવારજનોને જાણ કરી હતી. મયુરને શું થયું છે? તેમ પુછાતાં પોતે દવા પી ગયાનું કહેતાં તુરત જ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સાંજે સારવાર દરમિયાન તેનું મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ મારફત જાણ થતાં બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનના એએસઆઇ એ. વી. બકુતરાએ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

આપઘાત કરનાર મયુર બહેનનો એકનો એક મોટો ભાઇ અને માતા-પિતાનો આધારસ્‍તંભ દિકરો હતો. મયુરે કોલેજ સુધીનો અભ્‍યાસ કર્યો હતો. હાલમાં જ તેણે પિતા સાથે ડ્રાઇવીંગ કામ ચાલુ કર્યુ હતું. પરિવારજનોએ જણાવ્‍યું હતું કે મયુરના લગ્ન હજુ પાંચ મહિના પહેલા જ રાજકોટથી પૂજા સાથે થયા હતાં. દસેક દિવસ પહેલા પતિ-પત્‍નિ વચ્‍ચે નહિ જેવી વાતે ચડભડ થતાં પૂજાને તેની માતા માવતરે તેડી ગઇ હતી. મયુરે મનાવવા છતાં તેણી રિસામણેથી પાછી ન આવતાં મયુરને માઠુ લાગી જતાં તેણે આ પગલુ ભરી લીધુ હતું. જે આંગણે હજુ પાંચ મહિના પહેલા દિકરાના લગ્નના ઢોલ ધ્રબુક્‍યા હતાં એ આંગણે આજે મરશીયા ગવાતાં કલ્‍પાંત સર્જાયો હતો.

(12:24 PM IST)