તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th December 2024
આજીડેમ ચોકડીએ ડમ્પરે બાઇકને ઉલાળ્યું: કારખાને કામે જઇ રહેલા ભાઇલાલભાઇ પરમારનો ભોગ લેવાયો : જુઓ વિડિયો
માંડા ડુંગર પાસે રહેતાં વૃધ્ધનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મૃત્યુઃ ડમ્પર મુકી ચાલક ભાગી ગયોઃ માંધાતા સમાજના મહેશભાઇ રાજપરાએ મોટર સાઇકલની પાછળ પંખામાં માંધાતા લખ્યું હોઇ તેના આધારે તપાસ કરતાં મૃતકની ઓળખ મળીઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૯: શહેરના ભાવનગર રોડ પર આજીડેમ ચોકડી નજીક સવારના પ્હોરમાં જીવલેણ અકસ્માત સર્જાયો છે. માંડા ડુંગર નજીક રહેતાં વૃધ્ધ મોટરસાઇકલ હંકારી કારખાને કામ કરવા જઇ રહ્યા હતાં ત્યારે ડમ્પરના ચાલકે બાઇક સહિત ઉલાળી દેતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું. ડમ્પર મુકીને ચાલક ભાગી ગયો હતો.
જાણવા મળ્યા મુજબ આજીડેમ ચોકડી નજીક રવિવારી બજાર ભરાય છે ત્યાં એચપીના પંપ નજીક સવારે ડમ્પર નં. જીજે૧૧યુ-૮૮૫૩ના ચાલકે મોટરસાઇકલ નં. જીજે૦૩એચસી-૩૪૧૯ને ઠોકરે ચડાવતાં બાઇક ફંગોળાઇ ગયું હતું અને તેના વૃધ્ધ ચાલક પણ રોડ પર પટકાતાં ગંભીર ઇજાઓ થતાં મોત થયું હતું. બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતાં. ડમ્પર મુકીને ચાલક ભાગી ગયો હતો.
બનાવ સ્થળે માંધાતા કોળી સમાજના પ્રમુખ મહેશભાઇ રાજપરા પણ પહોંચ્યા હતાં. તેમણે મૃતકની ઓળખ મેળવવા બાઇકની નંબર પ્લેટને આધારે તપાસ કરી હતી જેના કારણે મૃતકની ઓળખ થઇ હતી. આજીડેમ પોલીસ સ્ટેશનના હેડકોન્સ. હરસુરભાઇ, પ્રતાપભાઇ સહિતનો સ્ટાફ પણ પહોંચ્યો હતો.
મૃત્યુ પામનાર વૃધ્ધ ભાઇલાલભાઇ પોપટભાઇ પરમાર (ઉ.વ.૬૫-રહે. માંડા ડુંગર પાસે રિધ્ધી સિધ્ધી, શિવ પાર્ક) હોવાનું ખુલ્યું હતું. તેઓ ચાર ભાઇ અને ચાર બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. સવારે ટિફીન લઇને કારખાને કામે જવા નીકળ્યા ત્યારે રસ્તામાં કાળ ભેટી ગયો હતો. આ બનાવથી પરમાર પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી છે. તસ્વીરમાં ઘટના સ્થળે ડમ્પર, મોટર સાઇકલ, લોકોનું ટોળુ અને મૃતદેહ જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા) (
(3:59 PM IST)










