News of Thursday, 19th December 2024
સામા કાંઠે દબાણોનો કડુસલોઃ ૯૭ કરોડની જમીન ખુલ્લી
મનપાની ટાઉન પ્લાનીંગ શાખાના ઇસ્ટઝોનમાં બુલડોઝર ફરી વળ્યા : વોર્ડ નં. ૪ માં અનામત પ્લોટમાંથી ૬૦ જેટલા ઝુંપડા હટાવાયાઃ વોર્ડ નં. ૬ માં મેઇન રોડ ઉપર બનાવાયેલ એંગલ દુર કરી રસ્તો પુર્વવત કરાયો

રાજકોટ, તા. ૧૯: મનપાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ઇસ્ટ ઝોન કચેરી હેઠળના વિસ્તારના વોર્ડ નં. ૪ અને ૬ માંથી ૬૦ ઝુંપડા સહિત ગેરકાયદેસર દબાણ દૂર કરી કુલ ૯૭ કરોડથી વધુની કિંમતી જમીન ખુલ્લી કરાઇ હતી.
મનપાની સત્તાવાર યાદી મુજબ મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાના આદેશ અનુસાર તથા સીટી એન્જીનીયર એમ.આર. શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ આજરોજ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં આવેલ વોર્ડ નં. ૪ માં અનામત પ્લોટ નં. ૩૪/બી તથા ૩પ/એ માં થયેલ અંદાજીત ૬૦ જેટલા ગેરકાયદેસર ઝુંપડાનું દબાણ દુર કરવા તથા વોર્ડ નં. ૬ માં બંધ કરેલ રોડ ખુલ્લો કરવા માટે ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ડિમોલીશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
જેમાં વોર્ડ નં. ૪ માં અનામત પ્લોટ નં. ૩૪/બી/કોમર્શીયલ હેતુમાં ઝુંપડાનું દબાણ દુર કરી ૧૦૧૬૬.૦૦ ચો.મી. જેની કિંમત રૂા. ૪૦.૬૬ કરોડ, વોર્ડ નં. ૪ માં અનામત પ્લોટ નં. ૩પ/એ/રેસીડેન્સી સેલમાં ઝુંપડાનું દબાણ હટાવી ૧૪૧૯૩.૦૦ ચો.મી. જગ્યા રૂા. પ૬.૭૭ કરોડ તથા વોર્ડ નં. ૬ માં આવેલ રામેશ્વર પાર્ક મેઇન રોડ ઉપર આવેલ એંગલનું દબાણ દુર કરી રોડ પૈકીની જગ્યા ખુલ્લી કરાઇ હતી. આમ કુલ ર૪૩પ૯.૦૦ ચો.મી. જમીન જેની કિંમત રૂા. ૯૭,૪૩,૬૦,૦૦૦ જેટલી છે તેનો કબજો મેળવ્યો હતો.
આ ડિમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા (ઇસ્ટ ઝોન) ના તમામ સ્ટાફ તથા રોશની શાખા, દબાણ હટાવ શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ફાયર અને ઇમરજન્સી વિભાગ, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.
(3:56 PM IST)










