<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

બોગસ દસ્‍તાવેજ પ્રકરણઃ અમે મોટામાથા સુધી પહોંચવાની તૈયારીમાં છીએઃ ‘પ્‍યાદા'ને નહી સુત્રધારને જ ઝપટે લેવાશે

હાલ અમારી એકધારી તપાસ ચાલી રહી છેઃ તમામ સબ રજીસ્‍ટ્રાર કચેરીમાં સીસીટીવી કેમેરા ફીટ કરી દેવા પ્રભવ જોષીના આદેશો : કોન્‍ટ્રાકટ બેઇઝ કર્મચારીઓની દર ૬ મહિને બદલી કરી નાંખવા સુચનાઃ રૈયા-મવડીની બે જમીન પ્રકરણો રીવીઝનમાં લીધીઃ હવે નોંધ રદ કરાશે : કાયમી કર્મચારીઓ છે તે પણ સમજી જાયઃ ફરીયાદો આવી તો કોઇને નહિ છોડુઃ કલેકટર ભારે આગબબુલા

રાજકોટ તા.૧૯: રાજકોટ શહેરમાં મિલકત સંબંધી ખુલેલા બોગસ દસ્‍તાવેજ કૌભાંડમાં પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. જેમાં ૧૭ જેટલા બોગસ દસ્‍તાવેજ થયા હોવાનું સામે આવ્‍યું છે. બીજી બાજુ કલેક્‍ટર દ્વારા પણ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે અને પ્રાંત અધિકારીને સમગ્ર ઘટનાની તપાસ પણ સોંપવામાં આવી છે. ત્‍યારે જીલ્લા કલેકટર પ્રભવ જોષીએ આજે પત્રકારોને જણાવ્‍યું હતું કે આ દસ્‍તાવેજ કોૈંભાડ પર મારી પણ નજર છે. અને કર્મચારીઓને નહીં પણ મોટા માથા સુધી પહોંચવા માટે હાલ તપાસ ચાલી રહી છે. અને આગામી અઠવાડિયાની અંદર મુખ્‍ય સૂત્રધાર સુધી અમારી ટીમ પહોંચી જશે અને તે મુજબ તપાસ ચાલી રહી છે.મારી પાસે પણ કેટલી ગેરરીતિની બોગસ દસ્‍તાવેજોની ફરિયાદો આવી છે તેમાં પણ આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.વધુમાં તેઓએ જણાવ્‍યું હતું કે સમગ્ર દસ્‍તાવેજ કૌભાંડ બહાર આવ્‍યા બાદ તાત્‍કાલિક  સબ રજીસ્‍ટાર કચેરીઓમાં સીસીટીવી નાખવા માટેના આદેશ આપી દેવામાં આવ્‍યા છે. સાથે જ કોન્‍ટ્રાક્‍ટ પર રહેલા કર્મચારીઓની પણ દર છ મહિને બદલી કરવા માટે એજન્‍સીને સૂચના પણ આપી દેવામાં આવી છે. તેમજ સબ રજીસ્‍ટાર કચેરીના અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે કે કોન્‍ટ્રાક્‍ટર કે અન્‍ય કર્મચારીઓ પર સખત નજર રાખવી.

 દરમ્‍યાન કલેકટરે ઉમેર્યું હતું કે, રૈયા સર્વે નંબર અને મવડીની સર્વે નંબરની બે કેસમાં શંકાસ્‍પદ જણાતા તાત્‍કાલિક સુઓમોટો દાખલ કરી આ બંને કેસ રીવીઝનમાં લેવાયા છે, અને કેસ ચલાવી આ બંને બોગસ દસ્‍તાવેજ અંગે નોંધ રદ કરવા સુધીની કાર્યવાહી કરાશે.

તેમણે નિર્દેશ આપ્‍યો હતો કે, કોન્‍ટ્રાકટ બેઇઝ કર્મચારીઓ ઉપરાંત જે કાયમી કર્મચારીઓ છે તેમના વિશે ફરીયાદ આવશે તો તેમને પણ હું નહી છોડું. કલેકટર બોગસ દસ્‍તાવેજ પ્રકરણ અંગે ભારે આગ બબુલા છે અને તપાસના મુળ સુધી પહોંચી ધડાકા-ભડાકા કરવાના મુડમાં હોવાનું આજે જણાઇ રહયું હતું.

(4:49 PM IST)