News of Thursday, 19th December 2024
રાજકોટ આજીડેમ પોલીસે ૧૩ બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યોઃ રીઢો ઉઠાવગીર ઉપલેટાનો રવિ ઉર્ફ કાલી પકડાયોઃ ૫.૩૫ લાખના વાહનો કબ્જે
મોડી રાતે હેન્ડ લોક વગરના બાઇકની હેડલાઇટ પાછળના ભાગનો સોકેટ તોડી ડાયરેક્ટ કરી ચોરી કરતો'તો : એસીપી બી. વી. જાધવની રાહબરીમાં પીઆઇ એ. બી. જાડેજાના માર્ગદર્શનમાં કામગીરીઃ પીએસઆઇ જે. જી. રાણા, હેડકોન્સ. કિશોરભાઇ ઝાપડા, કોન્સ. મહેશભાઇ કોઠીવાળ, જગદીશસિંહ પરમાર અને ગોપાલભાઇ બોળીયાની બાતમી : વાહનો ચોરીને રવિ ઉર્ફ કાલી મીત વ્યાસને આપતોઃ મીત સસ્તા ભાવે ધોરાજીમાં વેંચી નાંખતોઃ વેંચી દીધેલા તમામ વાહનો કબ્જે

રાજકોટ તા. ૧૯: શહેર આજીડેમ પોલીસની ટીમે ઉપલેટા જડેશ્વર મંદિર પાસે નાગનાથ ચોકમાં રહેતાં રીઢા ઉઠાવગીરની છાપ ધરાવતાં રવિ ઉર્ફ કાલી રસિકભાઇ સોલંકી (ઉ.વ.૨૯) નામના શખ્સને ઝડપી લઇ તેની પાસેથી રૂા. ૫,૩૫,૦૦૦ના ૧૩ ચોરાઉ વાહનો કબ્જે કર્યા છે. આ શખ્સ રાતે રેકી કરી હેન્ડલ લોક વગરના વાહનો હોય તેમાં હેડલાઇટ પાછળના સોકેટને ખેંચી તોડીને ડાયરેક્ટ કરી ઉઠાવી જતો હતો.
રવિ ઉર્ફ કાલીને પીએસઆઇ જે. જી. રાણા, હેડકોન્સ. કિશોરભાઇ ઝાપડા, કોન્સ. મહેશભાઇ કોઠીવાળ, જગદીશસિંહ પરમાર અને ગોપાલભાઇ બોળીયાની બાતમી પરથી ખોખડદળ પુલ નીચે કોઠારીયા રીંગ રોડ પરથી પકડી લીધો હતો. આ શખ્સે રાજકોટ ઉપરાંત જેતપુર, ઉપલેટા, શાપર વેરાવળ સહિતના ગામોમાંથી બાઇક ચોરી કરી હતી. તે આ વાહનનો ચોરીને મીત સુરેશભાઇ વ્યાસને વેંચવા આપતો હતો. મીત ધોરાજી ખાતે અલગ અલગ લોકોને આ વાહનો સસ્તામાં વેંચી દેતો હતો. એક બાઇક લાખણકા ગામે પણ વેંચ્યુ હતું. ચોરીને વેંચી નખાયેલા કુલ ૧૩ વાહનો આજીડેમ પોલીસને કબ્જે કર્યા છે. તેર પૈકી ૧૧ વાહનોની ચોરીના ગુનાઓ પણ દાખલ થયા હતાં.
રવિ ઉર્ફ કાલી અગાઉ રાજકોટ શહેર બી-ડિવીઝન, ભક્તિનગર, થોરાળા, શાપર વેરાવળ, જેતપુર, ઉપલેટામાં વાહન ચોરીઓના આઠ, ઘરફોડ ચોરીના બે અને જૂગારના એક મળી ૧૧ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હતો. તે રાત્રીના સમયે જ વાહન ચોરી કરવા માટે નીકળતો હતો અને હેન્ડલ લોક ન હોય તેવા વાહનો ઉઠાવી લેતો હતો.
પોલીસ કમિશનર બ્રજેશકુમા ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ઝોન-૧ સજ્જનસિંહ પરમાર, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત પી.આઇ એ. બી. જાડેજા, પીએસઆઇ જનકસિંહ જી. રાણા, એએસઆઇ હારૂનભાઇ ચાનીયા, રવિભાઇ વાંક, હેડકોન્સ. પિયુષભાઇ ચિરોડીયા, દિગપાલસિંહ જાડેજા, કિશોરભાઇ ઝાપડા, કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ, દિવ્યરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, જગદીશસિંહ પરમાર, ગોપાલભાઇ બોળીયા, મહેશભાઇ કોઠીવાળ, હરપાલસિંહ જાડેજા, દેવાભાઇ ધરજીયા, સંજયરાજ બારોટ, વિશ્વરાજસિંહ પરમાર અને કૃષ્ણવીરસિંહ ગોહિલે આ કામગીરી કરી હતી.
(4:08 PM IST)










