<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

કારમાં શહેર ભાજપ મંત્રીની નેમપ્‍લેટ રાખી દારૂ સાથે નીકળેલો ઇમિટેશનનો ધંધાર્થી ઝડપાયો

ગ્રીનલેન્‍ડ ચોકડીએ રાતે પોણા બે વાગ્‍યે બી-ડિવીઝન પોલીસની કાર્યવાહી : પહેલા તો પોલીસને કહ્યું-હું એક ફોન કરીશ તો મને જવા દેવો પડશેઃ પોલીસ આકરી બનતાં ઢીલોઢફ થઇ ગયોઃ હરસિધ્‍ધી પાર્કના સુરેશ મકવાણાની ધરપકડઃ બોટલ, કાર, ફોન મળી ૨૦.૧૬ લાખનો મુદ્દામાલ કબ્‍જેઃ પોલીસ રોકે નહિ તેથી ખોટી નેમપ્‍લેટ રાખ્‍યાનું રટણ! : હેડકોન્‍સ. હિતેષભાઇ જોગડા, કોન્‍સ. હાર્દિકભાઇ છૈયા, રાજાભાઇ ગઢવી, હોમગાર્ડ અજયભાઇ ખાંભરાએ કાયદેસરની કાર્યવાહી કરી

રાજકોટ તા. ૨૦: શહેરમાં હાલમાં દરરોજ અલગ અલગ પોલીસ સ્‍ટેશન, ટ્રાફિક બ્રાંચ, ડીસીબી, એલસીબી, એસઓજી દ્વારા વાહન ચેકીંગ, ડ્રીંક એન્‍ડ ડ્રાઇવની કામગીરી થાય છે. દરમિયાન રાતે બે વાગ્‍યે ગ્રીનલેન્‍ડ ચોકડીથી મોરબી રોડ તરફ જતાં રસ્‍તા પર બી-ડિવીઝન પોલીસે કાળા રંગની કારમાં શહેર ભાજપ મંત્રીની નેમપ્‍લેટ રાખીને દારૂની બાટલી લઇને નીકળેલા શખ્‍સને પકડી લીધો છે. પહેલા તો પોતે ભાજપનો હોદ્દેદાર હોવાની વાત તેણે કરી હતી. પરંતુ પોલીસે આકરી પુછતાછ કરતાં પોતે ઇમિટેશનનો ધંધાર્થી હોવાનું કહ્યું હતું. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી તેની ધરપકડ કરી હતી.

રાતે પોણા બે વાગ્‍યા આસપાસ કુવાડવા રોડ ગ્રીનલેન્‍ડ ચોકડી નજીક પોલીસે કાર અટકાવી હતી. જેમાં આગળ મંત્રી-શહેર ભાજપ લખેલી કમળના ચિત્રોવાળી નેમપ્‍લેટ મળી આવી હતી. કારની તલાસી લેતાં અંદરથી દારૂની એક બોટલ મળી આવતાં ચાલક સામે ગુનો નોંધી દારૂની બોટલ, મોબાઇલ, કાર મળી રૂા. ૨૦,૧૬,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. ચાલકે પોતાનું નામ સુરેશ વાલજીભાઇ મકવાણા (ઉ.વ.૩૩-રહે. ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે, હરસિધ્‍ધી પાર્ક-૪) હોવાનું અને પોતે ઇમિટેશનનો ધંધાર્થી હોવાનું કહ્યું હતું. પોતાને કોઇ રોકે નહિ તેથી ભાજપની નંબર પ્‍લેટ રાખી હોવાનું કહ્યું હતું!

બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. હિતેષભાઇ જોગડા, કોન્‍સ. હાર્દિકભાઇ છૈયા, કોન્‍સ. રાજાભાઇ ગઢવી, હોમગાર્ડ અજયભાઇ ખાંભરા વિસ્‍તારમાં રાતે પેટ્રોલીંગમાં હતાં ત્‍યારે પોણા બે વાગ્‍યે ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે કાળા રંગની જીજે૦૩એનબી-૮૮૬૪ નંબરની કાર અટકાવી હતી. આ કારમાં આગળ મંત્રી-શહેર ભાજપની નેમપ્‍લેટ હતી. કારની તલાસી લેતાં રોયલ સ્‍ટેગ વહીસ્‍કી ફોર સેલ ઇન પંજાબના માર્કાવાળી  એક બોટલ મળી આવી હતી. ચાલકને નામ પુછતાં સુરેશ વાલજીભાઇ મકવાણા કહ્યું હતું.

દારૂની બોટલ વિશે પુછાતાં સુરેશે પોતે પીવા માટે લાવ્‍યાનું રટણ કર્યુ હતું અને પોતે ભાજપનો મંત્રી હોવાનું રટણ કર્યુ હતું. પરંતુ કોઇ આઇકાર્ડ તેની પાસે નહોતું. તેણે પોતે એક ફોન કરશે તો પોતાને જવા દેવો પડશે તેવો રોફ પણ જમાવ્‍યો હતો. પોલીસે તેને ફોન કરી લેવાનું કહેતાં અંતે તે ઢીલો પડી ગયો હતો અને પોતે ભાજપનો કોઇ મંત્રી નહિ હોવાનું અને કોઇ હોદ્દો પણ નહિ ધરવાતો હોવાનું કબુલ્‍યું હતું. પોલીસ અટકાવે નહિ એટલે મંત્રી-શહેર ભાજપની ખોટી નેમપ્‍લેટ બનાવીને કારમાં રાખતો હોવાનું રટણ કર્યુ હતું.

પોલીસે દારૂ રાખવાનો ગુનો નોંધી બોટલ, કાર, મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબ્‍જે કરી સુરેશ મકવાણાની ધરપકડ કરી હતી. તે ઇમિટેશનનો ધંધાર્થી છે અને કાર પણ તેની પોતાની છે. પોતે જમીનના કામે ચોટીલા તરફ પોતાના ગામે ગયો હતો. ત્‍યાંથી મિત્ર પાસેથી પીવા માટે બોટલ લીધી હોવાનું રટણ કર્યુ હતું. પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

(3:38 PM IST)