<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

રાજકોટ બાર એસો.ની ચુંટણીમાં સમરસ પેનલનો દબદબોઃ પ્રમુખપદે પરેશભાઇ મારૂ

સમરસ પેનલમાંથી કુલ ૧૬ માંથી ૧ર ઉમેદવારોનો વિજયઃ સેક્રેટરી અને જોઇન્‍ટ સેક્રેટરી જેવી મહત્‍વની જગ્‍યા ઉપર ગાબડા પાડીને કાર્યદક્ષ પેનલના ઉમેદવારો સંદીપ વેકરીયા અને જીતેન્‍દ્ર પારેખ વિજેતાઃ ઉપપ્રમુખ પદે સુમીત વોરા, ટ્રેઝરર પદે પંકજ દોંગા, લાયબ્રેરી સેક્રેટરી પદે કેતન મંડ અને મહિલા અનામતમાં રક્ષાબેન ઉપાધ્‍યાયની જીતઃ કારોબારી માટે ૯ ઉમેદવારો ચુંટાયાઃ ત્રણ પેનલો વચ્‍ચેની રસાકસી ભરી ચુંટણીમાં કાર્યદક્ષ પેનલે મહત્‍વની જગ્‍યા છીનવી લીધાનો એકટીવ પેનલનો રકાસ

રાજકોટઃ બાર એસો.ની ચુંટણીમાં પરેશ મારૂના પ્રમુખપદવાળી પેનલનો દબદબો રહયો હતો. કુલ ૧૬ જગ્‍યામાંથી ૧ર ઉમેદવારો જીત્‍યા હતા. પ્રસ્‍તુત તસ્‍વીરોમાં પ્રમુખપદના ઉમેદવાર પરેશ મારૂ, ઉપપ્રમુખ સુમિત વોરા સહીતના જીતેલા ઉમેદવારોની તરફેણમાં વકીલોએ ભવ્‍ય આતશબાજી કરીને રેલી કાઢી હતી અને સમર્થક વકીલોએ જીતની ખુશી મનાવી હતી. (તસ્‍વીરોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૨૧: રાજકોટ બાર એસો.ની સને ર૦ર૪-રપના વર્ષ માટે ગઇકાલે યોજાયેલ ચુંટણીમાં સમરસ પેનલનો દબદબો રહયો હતો. સમરસ પેનલના પ્રમુખ સહીતના મુખ્‍ય પાંચ હોદાઓ અને કારોબારીના મહતમ સભ્‍યોનો પણ વિજય થયો હતો.

ગઇકાલે રાત્રે ૧ર વાગ્‍યે પરીણામ જાહેર થતા પરેશભાઇ મારૂની સમરસ પેનલની જીતની ખુશીમાં કોર્ટ નજીક ભવ્‍ય આતશબાજી કરીને વકીલોએ મોડી રાત્રે પણ જીતની ખુશીમાં સમરસ પેનલના હોદેદારો-સભ્‍યોને અભિનંદન પાઠવીને રેલી કાઢી હતી.

બાર એશો.ની ચુંટણીમાં જોઇન્‍ટ સેક્રેટરી અને બે કારોબારી પદ સિવાયના સમરસ પેનલના તમામ હોદાઓ ઉપર પેનલના ઉમેદવારોની જીત થયેલ હતી.

ભાજપ લીગલ સેલનું આડકતરૂ સમર્થન ધરાવતા દિલીપભાઇ જોષીની કાર્યદક્ષ પેનલ અને બકુલ રાજાણીની એકટીવ પેનલનો ભારે રકાસ થયો હતો. જો કે રાજાણીએ પ્રમુખપદના હોદા ઉપર કાર્યદક્ષ પેનલને સતત પછડાટ આપી હતી અને સમરસ પેનલના પ્રમુખના ઉમેદવાર મારૂ સાથે બાથ ભીડી હતી. જો ત્રણ પેનલો મેદાનમાં ન હોત તો રાજાણી કદાચ ફરી વખત ચુંટાઇ આવત તેવી વકીલોમાં ચર્ચાઓ થતી હતી.

બાર એશો.ની ચુંટણી આ વર્ષ ત્રણ પેનલ વચ્‍ચે રસાકસીભરી ચુંટણી યોજાતા કેટલાક ઉમેદવારોના સમર્થનમાં ક્રોસ વોટીંગ થયાનું પણ સામે આવ્‍યું છે. જોઇન્‍ટ સેક્રેટરીની જગ્‍યા ઉપર સમરસ પેનલમાં કાર્યદક્ષ પેનલના ઉમેદવારે જીતેન્‍દ્ર એસ. પારેખ ગાબડુ પાડીને આ જગ્‍યા ઉપર જીત મેળવી હતી. તેમના હરીફ ઉમેદવાર ગીરીરાજસિંહ જાડેજાને ૩૭ જેટલો મતોના માર્જીનથી  હરાવીને વિજેતા થયાં હતા.

અત્રેએ ઉલ્લખેનીય છે કે, જીતેન્‍દ્ર પારેખે ‘‘જીતુ જીતે છે'' તેવુ સુત્ર વહેતુ મુકયુ હતું. જેને તેઓએ ખરા અર્થમાં સાર્થક કરીને જીત મેળવી હતી.

ભાજપના આડકતરા સમર્થન વાળી કાર્યદક્ષ પેનલ અને વકીલોમાં ખુબ જ લોકપ્રિય એવા બકુલ રાજાણીની પેનલને હરાવી પરેશ મારૂની સમરસ પેનલની જીત પાછળ જાણીતા ધારાશાષાી અને ચુંટણીના ચાણકય મનાતા દિલીપભાઇ પટેલનું ગણિત ભારે કામ કરી ગયાનું મનાય છે. ેતઓ સમરસ પેનલમાં દરેક જ્ઞાતિના ઉમેદવારોનું સમરસ પેનલમાં સમતોલ ન્‍યાય આપી પેનલ ઉભી કરી હતી. સમરસ પેનલની જીતમાં દિલીપભાઇ પટેલનો મોટો સિંહફાળો હોવાનું મનાય છે. ત્‍યારે તેની સામે ભાજપ લીગલ સેલની કહેવાતી પેનલને જાકારો મળ્‍યો હતો.

આવી જ રીતે સેક્રેટરીની જગ્‍યા ઉપર કાર્યદક્ષ પેનલના સંદિપભાઇ વેકરીયા ચુંટાઇ આવ્‍યા હતા. સેક્રેટરીની પોસ્‍ટ મહત્‍વની મનાય છે. આ પોસ્‍ટ ઉપર પણ જબરજસ્‍ત ગાબડુ પડયું હતું. બકુલ રાજાણીની એકટીવ પેનલ અને પરેશ મારૂની સમરસ પેનલનામાં આ મોટુ ગાબડુ પડયાનું મનાય છે.

એંકદરે બાર એસો.ની ચુંટણીમાં સમરસ પેનલનો ભારે દબદબો રહયો હતો. આ પેનલમાંથી કુલ સભ્‍યોએ જીત મેળવી હતી.

બાર એસો.ની ચુંટણીનું પરિણામ જાહેર થતો કારોબારીની એક જગ્‍યા ઉપર રી-કાઉન્‍ટીંગ મંગાયું હતું. પરંતુ માત્ર ૯ મતોની હારજીત થયેલ હોય વિજેતા ઉમેદવારને છેલ્લે વિજેતા જાહેર કરાયનો નિર્ણય લેવાયો હતો. તેમ સુત્રોમાંથી જાણવા મળે છે.

રાજકોટ બાર એસો.નાં ૧૬ હોદ્દેદારો માટે ગઇકાલે ઘંટેશ્વર રોડ ઉપર આવેલા નવા કોર્ટ બિલ્‍ડીંગ ખાતે પ્રથમ વખત આયોજિત ચૂંટણીમાં ૫૮ ટકા મતદાન થયા બાદ હાથ ધરવામાં આવેલી મત ગણતરી મોડી રાત્રી સુધી ચાલતી રહી હતી. જેમાં પ્રમુખ પદે પરેશ મારૂ તથા ઉપપ્રમુખ પદે સુમીત વોરા વિજેતા થયા હતાં. એક બેઠકમાં રી કાઉન્‍ટીંગ માંગવામાં આવતા મતગણત્રી રાત્રીનાં બે વાગ્‍યા સુધી ચાલતી રહી હતી. તેમજ અનેક વકિલોએ ક્રોસ વોટીંગ કર્યું હોવાનું જાણવા મળ્‍યું હતું.

રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીનાં મોડી રાત્રી દરમિયાન પરિણામની જે વિગતો જાણવા મળી હતી. તે મુજબ સમરસ પેનલનાં પરેશ મારૂને ૭૯૯ જયારે ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં સુમીત વોરાને ૧૧૫૨, સેક્રેટરી પદની ચૂંટણીમાં સંદીપ મગનભાઈ વેકરીયાને ૯૯૯, જાઈન્‍ટ સેક્રેટરીની ચૂંટણીમાં જીતેન્‍દ્ર હિંમતભાઈ પારેખને ૧૦૦૫, ટ્રેઝરરની ચૂંટણીમાં પંકજ રામજીભાઈ દોંગાને ૮૪૪. લાઈબ્રેરી સેક્રેટરીનાં પદમાંટે કેતન વાજસુરભાઈ મંડને ૧૧૨૯. જયારે કારોબારીની મહિલા અનામત બેઠકમાં રક્ષાબેન ગીરીશભાઈ ઉપાધ્‍યાયને ૮૬૮ મત સાથે વિજેતા જાહેર કરવામાં આવ્‍યા હતાં. કારોબારીનાં ૯ સભ્‍યો માટેની ચૂંટણીમાં નીચે મુજબનાં ઉમેદવારો સર્વાધીક મત મેળવવામાંટે સફળ રહ્યાં હતાં. જેમાં સંજય મુળુભાઈ ડાંગર ૮૮૧ મત, તુષાર હેમશંકરભાઈ દવેને ૯૪૦, હિરેનકુમાર ડોબરીયાને ૭૫૭, પ્રગતી વસંતભાઈ માંકડીયાને ૧૦૮૧, પરેશ લાધાભાઈ પાદરીયાને ૮૪૯, કિશન શરદભાઈ રાજાણીને ૮૦૯, અશ્વિન ગોરધનભાઈ રામાણીને ૮૪૯, નિકુંજ મહેશભાઈ શુક્‍લને ૮૯૨ તથા મુનીષ કીરણભાઈ સોનપાલને ૭૭૬ મત મેળવી વિજેતા જાહેર થયા હતાં.

(3:34 PM IST)