<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

ડબલ મર્ડરમાં ૧૨ વર્ષથી ફરાર પવને ગાઝીયાબાદમાં પોલીસ ચોકીની બાજુમાં જ ચાનો થડો ચાલુ કર્યો'તો!: રાજકોટ ક્રાઇમ બ્રાંચે દબોચ્‍યો

નાડોદાનગરમાં ભાઇ દિપક સાથે મળી પત્‍નિ-કાકીજીને પતાવી દીધા'તાઃ દિપક પકડાઇ ગયો, જેલમાંથી છુટી પણ ગયો હતોઃ પણ પવન મળ્‍યો નહોતો : એએસઆઇ જલદિપસિંહ જાડેજા, હેડકોન્‍સ. કૃષ્‍ણદેવસિંહ ઝાલા, કોન્‍સ. મોહિલરાજસિંહ ગોહિલ, કોન્‍સ. હરસુખભાઇ સબાડ આરોપીની જ્‍યાં કેબીન હતી ત્‍યાં પહોંચ્‍યાઃ પણ તે હાજર નહોતોઃ રિક્ષાચાલક, કપડા-ફ્રુટના ફેરીયાનો વેશ ધારણ કરી ત્રણ દિવસ વોચ રાખીઃ ચોથા દિવસે ઝડપાઇ ગયોઃ આરોપીના ફોનમાં ઓનલાઇન રોકડ જમા થતી હોઇ તેના આધારે પગેરૂ મેળવ્‍યું : ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના મુજબ પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીઆઇ એલ. એમ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ અને પીએસઆઇ એ. એન. પરમારની ટીમની સફળ કામગીરી

રાજકોટ તા. ૨૧: અમુક ગુનેગારો પોતાને શાતીર સમજતાં હોય છે અને ગુનો આચરી ભાગી નીકળતાં હોય છે. વર્ષો સુધી તે પોલીસના હાથમાં આવતાં ન હોઇ હવે પોલીસ તેને શોધી નહિ શકે તેમ સમજી જીંદગી જીવતાં હોય છે. પરંતુ પોલીસ ધારે તો ગમે ત્‍યાંથી ગુનેગારને પકડી લાવતી હોય છે. રાજકોટ શહેરમાં ૧૨ વર્ષ પહેલા પત્‍નિ અને કાકીની હત્‍યા કરી ફરાર થઇ ગયેલા યુપીના શખ્‍સ પવન ઉર્ફ પ્રવિણ રામશંકર શર્મા (ઉ.વ.૪૯)ને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચે યુપીના ગાઝીયાબાદમાંથી દબોચી લીધો છે. બાતમી મળતાં  ક્રાઇમ બ્રાંચના જવાનોએ ફ્રુટના ધંધાર્ધી, પેડલ રિક્ષાચાલક, ઇ-રિક્ષાચાલક અને કપડાની લારી કાઢી વેશપલ્‍ટો કરી વોચ રાખી આરોપીને આબાદ ઝડપી લીધો હતો. બબ્‍બે મર્ડરમાં ફરાર આ શખ્‍સે ગાઝીયાબાદમાં પોલીસ ચોકીની બાજુમાં જ ચા-નાસ્‍તનો થડો ચાલુ કરી રહેવા માટે ઝુપડુ બનાવી લીધુ હતું.

આ બનાવની વિગત એવી છે કે રાજકોટના કોઠારિયા રોડ પરના નાડોદાનગરમાં વર્ષ ૨૦૧૨માં મહિલા અને તેની કાકીની ક્રુર હત્‍યા થઇ હતી. આ હત્‍યા મહિલાના પતિ પવન ઉર્ફે પ્રવીણ રામશંકર શર્મા અને તેના ભાઇ દિપકે કરી હતી. જે તે વખતે પોલીસે પવનના ભાઇ દિપકને પકડી લીધો હતો. પરંતુ પવન હાથ આવ્‍યો નહોતો. પવનનો ભાઇ જેલમાંથી છૂટી પણ ગયો હતો. પરંતુ બાર વર્ષ થઇ જવા છતાં પવન ઉર્ફ પ્રવિણ હાથમાં આવ્‍યો નહોતો.  દરમિયાન પોલીસે તેને ફરાર જાહેર કર્યો હતો. જુના ગુનાઓમાં ફરાર આરોપીઓને શોધી કાઢવા ક્રાઇમ બ્રાંચની ટીમે કમર કસી હતી. એ દરમિયાન ૨૦૧૨નો ડબલ મર્ડરનો કેસ સામે આવ્‍યો હતો. પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીઆઇ સી. એચ. જાદવ અને પીએસઆઇ એ. એન. પરમારે આ ગુનામાં ફરાર આરોપીને શોધી કાઢવા મહેનત શરૂ કરી હતી.

પોલીસે એફઆઆઇરની વિગતો જોતાં આરોપી પવનને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળતાં સોૈ પહેલા પોલીસ તેના પુત્રો પાસે પહોંચી હતી. પરંતુ ત્‍યાંથી કોઇ માહિતી મળી નહોતી. એ પછી પવનના ભાઇ દિપકનો મોબાઇલ નંબર મળ્‍યો તે નંબરનું સીડીઆર કાઢતાં પવનના બે પુત્રના ફોન આવતા હોવાનું અને તે બંનેના ફોન ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદથી આવતા હોવાની માહિતી મળી હતી. બંને સંતાનના મોબાઇલ નંબર બાદ પોલીસને પવન શર્માના નંબર મળ્‍યા હતા અને તેના તે નંબરની તપાસમાં પે ફોનમાં દરરોજ રૂ.૩૦૦ જમા થતા હોવાનું જાણવા મળ્‍યું હતું, આ બાબતથી પોલીસ એ તર્ક પર પહોંચી હતી કે પવન એવો કંઇક ધંધો કરે છે જેમાં તેને રૂ.૩૦૦ જેટલું ઓનલાઇન પેમેન્‍ટ થાય છે, આ તપાસમાં પવને ફાઇનાન્‍સ કંપનીમાંથી લોન લીધી હોવાનું ખુલ્‍યું હતું. તેના આધારે પોલીસે ફાયનાન્‍સ કંપનીમાંથી પવનનો ફોટો પણ મેળવી લીધો હતો.

ઘણી વિગતો એકઠી થઇ ગયા બાદ ક્રાઇમ બ્રાંચના એએસઆઇ જલદિપસિંહ વાઘેલા, હેડકોન્‍સ. કૃષ્‍ણદેવસિંહ ઝાલા, કોન્‍સ. હરસુખભાઇ સબાડ અને મોહિલરાજસિંહ ગોહિલ યુપીના ગાઝીયાબાદ ખાતે પહોંચ્‍યા હતાં. તપાસ કરતાં પવન ઉર્ફ પ્રવિણ ગાઝીયાબાદના સાહીદાબાદ ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયા મહરાજપુર રોડ પર ચા-નાસ્‍તાની કેબીન ચલાવતો હોવાની માહિતી મળી હતી. પોલીસ એ સ્‍થળે પહોંચતા ત્‍યાં પવન નહોતો. પણ તેના  પિતા રામશંકર અને પવનનો પુત્ર જોવા મળ્‍યા હતા. પવન અહિ  ત્રણ દિવસથી આવ્‍યો નહોતો, પોલીસે પોતાની ઓળખ છુપાવી હતી અને કેબીન આસપાસ વોચ રાખવાનું નક્કી કર્યુ હતું.

આ પછી એએસઆઇ જલદીપસિંહ ગોહિલે ઇ-રિક્ષા ભાડેથી લીધી હતી, હેડ કોન્‍સ્‍ટેબલ કળષ્‍ણદેવસિંહ ઝાલાએ પેડલ રિક્ષા લીધી હતી અને એ વિસ્‍તારમાં આંટાફેરા શરૂ કર્યા હતા. કોન્‍સ્‍ટેબલ મોહિલરાજસિંહ ગોહિલે ફ્રૂટની લારી અને કોન્‍સ્‍ટેબલ હરસુખભાઇ સબાડ ગરમ કપડાની લારી લઇને પવનની કેબીનવાળા વિસ્‍તારમાં આટાફેરા ચાલુ રાખ્‍યા હતાં. ચોથા દિવસે પવન લારીએ આવતાં જ વેશપલ્‍ટો કરી ઉભેલા ક્રાઇમ બ્રાંચના જવાનોએ પકડી લીધો હતો. નજીકમાં જ પોલીસ ચોકી હોઇ ત્‍યાં જઇ પોલીસ કર્મચારીઓએ સાચી ઓળખ આપી હતી અને આ શખ્‍સ ડબલ મર્ડરમાં સામેલ હોવાનું કહેતાં ત્‍યાંની પોલીસ પણ ચોંકી ગઇ હતી.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીઆઇ સી. એચ. જાદવ, પીઆઇ એલ. એમ. ડામોર, પીએસઆઇ એ. એન. પરમાર, એએસઆઇ જલદીપસિંહ વાઘેલા, હિતેન્‍દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, હેડકોનસ. કૃષ્‍ણદેવસિંહ ઝાલા, કોન્‍સ. હરસુખભાઇ સબાડ, મહાવિરસિંહ ચુડાસમા, મોહિલરાજસિંહ ગોહિલ, ગોપાલભાઇ પાટીલ, અર્જુનભાઇ ડવે આ કામગીરી કરી હતી. આરોપીને ભક્‍તિનગર પોલીસને સોંપાતા વિશેષ કાર્યવાહી થઇ હતી.

(3:37 PM IST)