<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

સિવિલ હોસ્‍પિટલના ટ્રોમા સેન્‍ટરમાં મહિલા કર્મચારીને દર્દીના સગાએ માથામાં મોબાઇલ માર્યો

સફાઈ કામ કરી રહ્યા હોઇ સગાને થોડા દૂર ખસવાનું કહેતાં ડખ્‍ખો

રાજકોટ તા. ૨૧: સિવિલ હોસ્‍પિટલમાં અુમક દર્દીના સગા અવાર-નવાર નર્સિંગ સ્‍ટાફ કે ડોક્‍ટર સાથે ડખ્‍ખા કરી લેતાં હોય છે. તાજેતરમાં જ એક વોર્ડમાં બે દર્દીના સગા બાખડી પડતાં નર્સ વચ્‍ચે પડતાં તેમની સાથે એક દર્દીના સગાએ મારકુટ કરી લઇ દિવાલમાં માથુ અથડાવતાં પોલીસને અરજી થઇ હતી. ત્‍યાં હવે હોસ્‍પિટલમાં ચોથા વર્ગના કર્મચારી સાથે દર્દીના સગાએ મારામારી કરી છે.

ભગવતીપરા સુખસાગર સોસાયટી-૩માં રહેતાં જ્‍યોત્‍સનાબેન દીપકભાઇ સોલંકી (ઉ.વ.૩૩) સિવિલ હોસ્‍પિટલમાં આઉટસોર્સ કર્મચારી તરીકે નોકરી કરતાં હોઇ સવારે તેઓ ટ્રોમા સેન્‍ટરમાં ચોથા માળે સફાઇ કામ કરતાં હતાં ત્‍યારે દર્દીના સગાને થોડા દૂર રહેવાનું કહેતાં તેણે બોલાચાલી કરી તારા બાપની હોસ્‍પિટલ નથી તેમ કહી ઝઘડો કરી પોતાના હાથમાં રહેલા મોબાઇલથી માથામાં ઘા ફટકારતાં જ્‍યોત્‍સનાબેનને મુંઢ ઇજા થતાં અને ચક્કર આવવા માંડતાં સારવાર માટે દાખલ થયા હતાં. જ્‍યોત્‍સનાબેનના કહેવા મુજબ મહિલા સિક્‍યુરીટી ગાર્ડ છોડાવવા વચ્‍ચે પડતાં તેને પણ દર્દીના સગાએ મારકુટ કરી લીધી હતી. હોસ્‍પિટલ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ પ્ર.નગર પોલીસ સ્‍ટેશનમાં નોંધ કરાવી હતી.

(4:26 PM IST)