<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

મેટોડા જીઆઇડીસીમાં વાળંદ યુવાન વ્‍યાજનાવિષચક્રમાં ફસાયોઃ બે વ્‍યાજખોર સામે ફરીયાદ

વાળંદની દુકાન બંધ કરાવી દેવાની અને સામાન ભરી જવાની ધમકી આપી પઠાણી ઉઘરાણી કરનાર રાહુલ અને તેના ભાઇ મનીયા બાબુતર સામે ફરીયાદ

રાજકોટ તા. ર૩: મેટોડા જીઆઇડીસીમાં વ્‍યાજના વિષચક્રમાં ફસાયેલા વાળંદ યુવાનની દુકાન બંધ કરાવી દેવાની અને સામાન ભરી જવાની ધમકી આપી પઠાણી ઉઘરાણી કરનાર બે વ્‍યાજખોર સામે પોલીસમાં ફરિયાદ થઇ છે.

પ્રાપ્‍ય વિગતો મુજબ મેટોડા જીઆઇડીસી બાલાજી સોસાયટી મકાન નં. ર માં રહેતા અને ગેઇટ નં. ૩ પાસે સહયોગ કોમ્‍પલેક્ષમાં ચેમ્‍પીયન હેર આર્ટની દુકાન ધરાવતા મેહુલભાઇ રાજેશભાઇ ભટ્ટીએ આરોપી રાહુલ ઉર્ફે ગોડુ બાબુતર તથા મનીયા બાબુતર રે. બંને ચીભડા ગામ તા. લોધીકા સામે મેટોડા જીઆઇડીસી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદીના પિતા બિમાર પડતા બાજુમાં ચાની દુકાન ધરાવતા રાહુલ બાબુતર પાસેથી રપ૦૦૦ રૂા. રોજના રૂા. ૪૦૦ વ્‍યાજ લેખે વ્‍યાજે લીધા હતા જેના રર,૦૦૦ વ્‍યાજ ચુકવી દીધું હોવા છતાં ફરિયાદી પાસે વધુ ૩૦,૦૦૦ની માંગણી કરી હતી. તેમજ રાહુલના ભાઇ મનીયા પાસેથી ફરીયાદીએ રપ,૦૦૦ રોજના રૂા. ૪૦૦ વ્‍યાજ લેખે વ્‍યાજે લીધેલ હતા. જેનું એક મહિનાનું વ્‍યાજ ૧ર,૦૦૦ ચુકવી દીધેલ હોવા છતાં જયાં સુધી મુદલની રકમ પુરી ન થાય ત્‍યાં સુધી રોજના રૂા. ૪૦૦ લેખે વ્‍યાજ ચૂકવવા અને વ્‍યાજ ન ચુકવી શકે તો વાળંદની દુકાન બંધ કરાવી દેવાની અને સામાન ભરી જવાની ધમકીઓ આપી હતી.

આ ફરીયાદ અન્‍વયે મેટોડા જીઆઇડીસી પોલીસે ઉકત બંને વ્‍યાજખોર ભાઇઓ સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(5:00 PM IST)