<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

આલાપ ગ્રીન સીટી ચોકમાં ફિલ્‍મી ઢબે છરીઓ સાથે આતંકઃ ફ્રુટના ધંધાર્થી બે યુવાનની હત્‍યાનો પ્રયાસ : જુઓ વિડિઓ

તુલસી માર્કેટ સામે ક્‍વાર્ટરમાં રહેતાં ૨૦ વર્ષના અંકિત સોલંકીના કાકાના દિકરાને સગીર રિક્ષાચાલકે વ્‍હીલ અડાડી દીધું હોઇ અંકિતના કાકીએ તેને સમજાવતાં ઝઘડો થયો હતોઃ અંકિતે વચ્‍ચે પડી સમાધાન કરાવતાં ખાર રાખી અહેમદહુશેને બે મિત્રો સાથે ધંધાના સ્‍થળે જઇ ધમાલ મચાવીઃ અંકિત જીવ બચાવવા દોટ મુકીને ભાગતાં તેની પાછળ રિક્ષા દોડાવી પારીજાત સોસાયટીની શેરીમાં આંતરી લેવાયોઃ છરીના ૮ જેટલા ઘા ઝીંક્‍યાઃ બચાવવા વચ્‍ચે પડેલા મિત્ર અજય સમેચાને પણ છાતીમાં છરી ભોંકાઇઃ શીવપરાના અમીન કટારીયા, નવાબ શેખ અને સગીરને યુનિવર્સિટી પોલીસ તથા ક્રાઇમ બ્રાંચે પકડી લીધા : રાજકોટમાં કાયદો વ્‍યવસ્‍થાની ઐસીતૈસી કરતો વધુ એક બનાવ

અંકિત ભીખુભાઇ સોલંકી અને તેનો મિત્ર અજય ગોવિંદભાઇ ચાવડા સારવાર હેઠળ નજરે પડે છે

રાજકોટ તા. ૨૩: શહેરમાં લુખ્‍ખાગીરી, ગુંડાગીરીની વધુ એક ઘટના બની છે. જેમાં રૈયા રોડ આલાપ ગ્રીન સીટી ચોકમાં ફ્રુટના ધંધાર્થી યુવાન સાથે રિક્ષામાં આવેલા ત્રણ શખ્‍સોએ ઝઘડો કરી આજે તો મારી જ નાખવો છે કહી બે શખ્‍સે ખુલ્લી છરી સાથે દોટ મુકતાં આ યુવાન જીવ બચાવવા ભાગતાં ત્રણેયએ ફિલ્‍મી ઢબે તેની પાછળ રિક્ષા દોડાવી નજીકની પારીજાત સોસાયટીમાં આંતરી લઇ આડેધડ છરીના ઘા ઝીંકી દીધા હતાં. બચાવવા માટે વચ્‍ચે પડેલા આ યુવાનના મિત્રને પણ છાતીમાં છરી ભોંકી દીધી હતી. બંનેને હોસ્‍પિટલમાં ખસેડાતાં પોલીસે હત્‍યાની કોશિષનો ગુનો નોંધી ત્રણ પૈકી બે આરોપીને દબોચી લઇ કાયદાનું ભાન કરાવ્‍યું હતું. ફ્રુટના ધંધાર્થી યુવાનના કુટુંબી ભાઇને  હુમલાખોર પૈકીના સગીર શખ્‍સે રિક્ષાનું વ્‍હીલ અડાડી દીધુ હોઇ તે બાબતે થયેલી બોલચાલી આ બનાવ પાછળ કારણભુત બની હતી.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રૈયા રોડ આલાપ ગ્રીન સીટી નીક તુલસી સુપર માર્કેટની સામે આરએમસી ક્‍વાર્ટર નં. ૪૧૨માં રહેતાં અને આલાપ ગ્રીન સીટી નજીક ચોકમાં ફ્રુટની લારી રાખી ધંધો કરતાં અંકિત ભીખુભાઇ સોલંકી (ઉ.વ.૨૦)ની ફરિયાદ પરથી રૈયા રોડ શીવપરામાં રહેતાં સગીર રિક્ષાચાલક તેમજ સાથેના અમીન કાદરભાઇ કટારીયા  અને નવાબ ફઝલભાઇ શેખ વિરૂધ્‍ધ બીએનએસની કલમ ૧૦૯ (૧), ૧૧૮ (૨), ૧૧૫ (૨), ૩૩ (૫) અને ૧૩૫ મુજબ ચારેયએ રિક્ષામાં આવી અંકિતને મારી નાખવાના ઇરાદે તેની પાછળ રિક્ષા દોડાવી છરીથી હુમલો કરી શરીર પર ઘા મારી દઇ તેમજ છોડાવવા વચ્‍ચે પડેલા મિત્રને પણ છરી ઝીંકી દઇ હત્‍યાની કોશિષ કર્યાનો ગુનો નોંધી બે આરોપીને પકડી લીધા છે.

અંકિત સોલંકીએ જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને ફ્રુટનો ધંધો કરુ છું. રવિવારે બપોરે સવા બે વાગ્‍યે હું ઘરે જમવા ગયો ત્‍યારે મારા ઘર પાસે કાકી નીતાબેન વિજયભાઇ સાથે અજાણ્‍યા બૈરા ઝઘડો કરતાં હતાં. તે વખતે એક છોકરો પણ ત્‍યાં હતો જેને મેં સમજાવી જે ઝઘડો હોય તે પુરો કરવા કહેતાં સમાધાન થઇ ગયું હતું. મેં બનાવ અંગે પુછતાં મારા કાકીએ કહેલું કે તેમનો દિકરો જયેશ દુકાને ભાગ લેવા ગયો ત્‍યારે અજાણ્‍યા શખ્‍સે રિક્ષાનું વ્‍હીલ જયેશના પગમાં અડાડી દીધુ હતું. જેથી રિક્ષાવાળાને ધ્‍યાન રાખીને ચલાવવાનું કહેવા જતાં બોલાચાલી થઇ હતી. જો કે તેનું સમાધાન થઇ ગયુ હતું.

ત્‍યારબાદ હું જમીને હું આલાપ ગ્રીન ચોકમાં રેંકડીમાં ફ્રુટ ભરતો હતો ત્‍યારે મારી સાથે મિત્ર ઇન્‍ડિયન પાર્ક પાસે ક્‍વાર્ટરમાં રહેતો અજય ગોવિંદભાઇ સમેચા (ઉ.વ.૨૫) પણ હતો. અમે બંને ફ્રુટ ભરતાં હતાં ત્‍યારે આચાનક એક સીએનજી રિક્ષા આવી હતી. ચાલકની સાથે પાછળ બીજા બે શખસો બેઠા હતાં. આ બંને ઉતરીને મારી પાસે ખુલ્લી છરીઓ સાથે આવ્‍યા હતાં અને મને મા-બહેન સમી ગાળો દઇ આજે તો જીવતો રહેવા દેવો નથી તેમ કહી મારી પાછળ દોડતાં હું જીવ બચાવવા રેંકડીએથી ભાગતાં આ ત્રણેયને મારી પાછળ રિક્ષા દોડાવી હતી.

હું દોડીને પારીજાત સોસાયટીની શેરીમાં પહોંચી જતાં રિક્ષામાં પાછળ બેઠેલા બે શખ્‍સ પણ દોડીને મારી પાસે આવી ગયા હતાઉ આ બંનેએ મને  છરીના ઘા મારી દીધા હતાં. મને છોડાવવા મારો મિત્ર અજય સમેચા પણ પાછળ આવ્‍યો હતો. તે વચ્‍ચે પડતાં તેને પણ છરી ઝીંકાઇ હતી. મને એક શખ્‍સે ડાબા પડખામાં, બગલ નીચે ડાબી બાજુ અને વાંસામાં તથા માથા તેમજ જમણા હાથ અને બંને સાથળમાં ઘા મારી દેવાયા હતાં. તેમજ બીજા શખ્‍સે પણ મને ડાબા પગની નીચે ઘા મારી દીધો હતો. મિત્ર અજય વચ્‍ચે પડતાં તેને પણ બંને શખ્‍સોએ છાતીમાં ઘા મારી દીધા હતાં. મેં પડી ગયેલી હાલતમાં મારા શેઠ સલમાનભાઇ મુસ્‍તાકભાઇ બુખારીને ફોન કરતાં તે આવી ગયા હતાં અને રાહદારીઓ પણ ભેગા થઇ જતાં ત્રણેય હુમલાખોર ભાગી ગયા હતા.

મને પાછળથી જાણવા મળ્‍યું હતું કે હુમલાખોરોમાં નવાબ ફઝલભાઇ શેખ હનુમાન મઢી પાસે રહે છે. જ્‍યારે અમીન કાદરભાઇ કટારીયા પણ મઢી પાસે શિવપરા-૪માં રહે છે. ત્રીજો શખ્‍સ અહેમદહુશેન કટારીયા હતો. મારા કાકીના દિકરા જયેશના પગને અહેમદહુશેન કટારીયાએ તેની રિક્ષાનું ટાયયર પગ પાસે અડાડી દીધુ હોઇ મારા કાકીએ તેને જોઇને  હંકારવાનું કહેતાં  તેણે ઝઘડો કર્યો હતો. એ વખતે મેં વચ્‍ચે પડી સગીર રિક્ષાચાલક અને તેના ઘરનાઓને સમજાવતાં સમાધાન થઇ ગયું હતું. બાદમાં આ સગીર અને તેના બે મિત્રોએ મારા અને મારા મિત્ર પર હુમલો કરી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. યુનિવર્સિટી પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ વાય. ડી. ભગતે ગુનો નોંધ્‍યો હતો.

આ ગુનામાં આરોપીઓને તત્‍કાળ પકડી લેવાની સુચના પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલે આપતાં એસીપી બી. બી. બસીયાની રાહબરીમાં પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇ એ. એન. પરમાર, એએસઆઇ જલદીપસિંહ વાઘેલા, હરદેવસિંહ જાડેજા, હેડકોન્‍સ. કૃષ્‍ણદેવસિંહ ઝાલા, કોન્‍સ. હરસુખભાઇ સબાડ, મહાવીરસિંહ ચુડાસમા, મોહિલરાજસિંહ ગોલિહ, ગોપાલભાઇ પાટીલ, અર્જુનભાઇ ડવની ટીમે એક સગીર અને અમીન કટારીયા (રહે. આરએમસી ક્‍વાર્ટર રૈયા રોડ તુલસી સુપર માર્કેટ સામે) તથા એક સગીરને પકડી લીધા હતાં. જ્‍યારે નવાબ ફઝલભાઇ શેખ (રહે. શીવપરા)ને યુનિવર્સિટી પીઆઇ એચ. એન. પટેલની ટીમે પકડી લીધો હતો. (૧૪.૮)

અમારી ભુલ થઇ ગઇ, હવે કોઇ દિવસ આવું નહિ કરીએ...હત્‍યાની કોશિષના આરોપીઓએ હાથ જોડી માફી માંગી

ઞ્જ ફ્રુટના ધંધાર્થી એવા બે મિત્રોને છરીના ઘા ઝીંકી હત્‍યાની કોશિષ કરનારા આરોપીઓને યુનિવર્સિટી અને ક્રાઇમ બ્રાંચની ટીમે પકડી લીધા હતાં. આરોપીઓને ઘટના સ્‍થળે લઇ જઇ રીકન્‍સ્‍ટ્રકશન કરાવાયું હતું. ત્‍યારે બે આરોપીઓએ હાથ જોડી હવે પછી આવું કોઇ દિવસ નહિ કરીએ, ભુલ થઇ ગઇ કહી માફી માંગી હતી.

(4:04 PM IST)