News of Monday, 23rd December 2024
નકલી ડોક્ટર બની દર્દીઓ પર અખતરા કરી નાણા ખંખેરતો હિરેન વધુ એક વાર પકડાયો
અગાઉ ક્રાઇમ બ્રાંચે દબોચી લીધા બાદ આ વખતે એસઓજીએ ખોરાણા ગામેથી પકડયો : પીઆઇ એસ. એમ. જાડેજા, પીએસઆઇ એમ. બી. મજીરાણા અને ટીમે પકડયોઃ હેડકોન્સ. જયદિપસિંહ ચોૈહાણ, ઉપેન્દ્રસિંહ ઝાલાની બાતમીઃ છ મહિનાથી દવાખાનુ ધમધમાવતો'તો

રાજકોટ તા. ૨૩: કોઇપણ જાતની ડીગ્રી વગર નકલી ડોક્ટર બનીને દવાખાના ખોલીને બેસી જતાં ડુપ્લીકેટ ડોક્ટરોને પોલીસ અવાર-નવાર પકડતી હોય છે. અમુક તો અગાઉ પકડાઇ ગયા પછી છુટીને ફરીથી ડોક્ટર બનીને લોકોના આરોગ્ય પર અખતરા કરી નાણા ખંખેરવા ક્લીનીક ખોલી બેસી જતાં હોય છે. શહેરના મોરબી રોડ પર જકાતનાકા પાસે અક્ષરધામ સોસાયટી-૪માં રહેતાં હિરેન મહેશભાઇ કાનાબાર (ઉ.વ.૩૬) નામના શખ્સને એસઓજીની ટીમે કુવાડવા તાબેના ખોરાણા ગામે રામજી મંદિર પાસે ધ્વની ક્લિનીક ખોલી ડીગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેકટીસ કરતો પકડી લીધો હતો.
એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. જયદિપસિંહ ચોૈહાણ અને હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલાને બાતમી મળતાં દરોડો પાડતાં ક્લિનીકમાં હિરેન ગળામાં સ્ટેથોસ્કોપ લટકાવીને બેઠો હતો. તેની પાસે તબિબી પ્રેકટીસની ડીગ્રી માંગતા કોઇ ડીગ્રી નહોવાનું અને ધોરણ-૧૨ સુધી જ ભણેલો હોવાનું કહેતાં તેને પકડી લઇ કુવાડવા પોલીસમાં ગુનો દાખલ કરાવી વધુ તપાસ માટે તેને ત્યાં સોંપ્યો હતો. ઝડપાયેલો હિરેન કાનાબાર ધોરણ ૧૨ સુધી જ ભણેલો છે. અગાઉ તેણે કમ્પા.ન્ડર તરીકે નોકરી કરી હોઇ તેના અનુભવને આધારે તે ડોક્ટર બનીને બેસી ગયો હતો. હજુ ગયા વર્ષે જ હિરેનને આ રીતે નકલી ડોક્ટર બની દવાખાનુ ચલાવતાં ડીસીબીએ પકડી લીધો હતો. છુટયા બાદ ફરીથી પાંચ છ મહિનાથી ખોરાણામાં દવાખાનુ ચાલુ કરી દીધુ હતું.
લોકોના આરોગ્ય સાથે અખતરા કરી નાણા ખંખેરતા હિરેનના દવાખાનામાંથી પોલીસે દવા, ઇન્જેક્શન, રોકડા મળી રૂા. ૨૦૫૧૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ એમ. બી. મજીરાણા, હેડકોન્સ. જયદિપસિંહ ચોૈહાણ, ઉપેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા, અજયભાઇ ચોૈહાણ, કોન્સ. મુકેશભાઇ ડાંગરે આ કામગીરી કરી હતી
(4:27 PM IST)










