News of Monday, 23rd December 2024
રાજકોટ આવાસ યોજનાના લાભાર્થી પરિવારના પુખ્તવયના સંતાનોને પણ મળશે સરકારી આવાસ
સંતાનોએ મા-બાપથી અલગ પોતાની આવક બતાવવી પડશે, અવિવાહિત ને પણ લાભ મળવા પાત્ર :સંતાન આવાસના હપ્તા ભરી શકવા સક્ષમ છે તેવું સાબિત કરવું પડશે

રાજકોટ શહેરમાં કોર્પોરેશનની હદમાં વસવાટ કરતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને સરકારની અલગ અલગ યોજના અંતર્ગત સસ્તાભાવે આવાસ ફાળવવામાં આવી રહ્યા છે. જેમાં મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી અને સ્માર્ટઘર યોજના અંતર્ગત નવી આવાસ યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે, પરંતુ એક પરિવારને આવાસ મળ્યા બાદ તેમના સંતાનોને આવાસ મળે કે કેમ? તે અંગે લોકો અવઢવમાં મૂકાયા હતાં. જેનું નિરાકરણ આવાસ યોજના વિભાગે લાવી દીધો છે.
આવાસ વિભાગે જણાવ્યું કે, લાભાર્થીના પુખ્તવયના સંતાનોને પણ આવાસ યોજનાનો લાભ મળી શકશે પરંતુ સંતાનોએ મા-બાપથી અલગ પોતાની આવક આવાસ યોજનાના નિયમ મુજબ બતાવવી પડશે.
રાજકોટના અનેક મોટા પરિવારો કે જેઓ મહાનગરપાલિકાનું આવાસ ધરાવતા હોય તેમના પરિવારના પુખ્તવયના સંતાનો માટે આવાસ યોજનાનું ફોર્મ ભરી શકાય કે નહીં તેવો પ્રશ્ન ઉભો થયો હતો. અગાઉ સરકારે આ મુદ્દે પુખ્તવયના સંતાનોને આવાસ મળશે, તેવી જાહેરાત કરેલ છતાં અનેક મોટા પરિવારોના સંતાનો માટેનો ઈસ્યુ ઉભો થયો હતો.
આ અંગે આવાસ યોજના વિભાગમાં પુછપરછ કરતા માલૂમ પડેલ કે, સરકારે આવાસ યોજનાના નિયમોમાં ફેરફારો કરી લાભાર્થી પરિવારના પુખ્તવયના સંતાનોને પણ આવાસ યોજનાનો લાભ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આવાસ યોજાનાના નિયમો મુજબ જે લાભાર્થી પાસે આવાસ હોય અને તેમના પુખ્તવયના સંતાનોએ આવાસ યોજનાનું ફોર્મ ભરવું હોય, ત્યારે હયાત લાભાર્થીએ દર્શાવેલ વાર્ષિક આવકથી અલગ સંતાનોએ પોતાની આવક બતાવવી પડશે. આવી જ રીતે પોતાની આવક મુજબનું પણ રિટર્ન તૈયાર કરવું પડશે.
સરકારના નિયમ મુજબ, પુખ્ત વ્યક્તિ પોતાની રીતે કમાઈને આવાસના હપ્તા ભરી શકવા સક્ષમ છે તેવું સાબિત કરવાનું રહેશે. અને આ મુજબના દરેક પુખ્તવયના સંતાનો આવાસ યોજનાનું ફોર્મ ભરી શકશે.
આવાસ યોજનામાં ફોર્મ ભરતી વખતે પુરુષ પરણેલો હોવો જોઈએ અને તેનો પરિવાર હોય તેવું લોકો માને છે જેની સામે આવાસ યોજનાના નિયમ મુજબ કોઈપણ લાભાર્થીના સંતાનો પુખ્તવયના થાય, જેમાં પુત્ર અપરણિત હોય ત્યારે પણ અલગ આવકના પુરાવા હોય તો તેને આવાસ મળવા પાત્ર છે. આવી જ રીતે લાભાર્થીની પુત્રીને પણ આવાસ મળવા પાત્ર છે. આથી હવે આવાસ ધરાવતા દરેક પરિવારના પુખ્ત સંતાનોને નવી આવાસ યોજનામાં ફોર્મ ભરવાની લીલી ઝંડી મળી ગઈ છે. જો કે આવાસ યોજનાના નિયમોને અનુસરવાનું રહેશે. તેમ આવાસ યોજના વિભાગમાંથી જાણવા મળેલ છે.
(9:40 PM IST)










