<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

સર્વેશ્વર ચોક વોંકળાનું કામ ઝડપથી પૂરૂ કરવા તાકિદ

ચોમાસા પહેલા પૂર્ણ કરવા સ્‍ટે. ચેરમેન જયમીન ઠાકરની અધિકારીઓને સૂચના

રાજકોટ, તા. રપ : શહેરના યાજ્ઞિક રોડના સર્વેશ્વર ચોક ખાતે આવેલ વોંકળાનું  કામ ચોમાસા પહેલા પૂર્ણ કરવા ભારપૂર્વક તાકિદ કરાઇ હતી, સાથે જ કામ ઝડપી કરવાને કારણે કામમાં કોઇ કચાશ ન રહે તે જોવા માટે પણ સ્‍ટેન્‍ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ આદેશ કર્યો હતો.

મનપાના સત્તાવાર સુત્રોએ  જણાવ્‍યું હતું કે સર્વેશ્વર ચોકથી યાજ્ઞિક રોડ સુધીનું ખોદકામ પૂર્ણ થઇ ગયું છે, ૪૦ વર્ષ જુના વોંકળાનો સ્‍લેબ એટલો મજબૂત હતો કે તેને કટરથી તોડવામાં પણ ઘણો સમય વિતી ગયો હતો, હાલ પુરજોશમાં કામ ચાલી રહ્યું છે અને દર સપ્તાહમાં બે વખત તેઓ આ કામની સાઈટ વિઝીટ કરી રહ્યા છે. કોન્‍ટ્રાકટર એજન્‍સીને કામ માટેની સમય મર્યાદા ૧૨ મહિનાની અપાઇ છે પરંતુ શકય તેટલું વહેલું અને ખાસ કરીને ચોમાસા પહેલા કામ પૂર્ણ થઇ જાય તે માટે સુચના આપી છે. ચોમાસા પહેલા કામ પૂર્ણ થવાથી વરસાદી પાણીના નિકાલમાં પણ મુશ્‍કેલી ન પડે તેવો હેતુ છે.

સર્વેશ્વર ચોક ખાતેના વોંકળા પર નિર્માણ થઇ રહેલા નવા વોંકળામાં ૯૯૦ ચોરસ મીટર ક્ષેત્રફળના સ્‍લેબ કલ્‍વર્ટની લંબાઇ ૧૧૦ રનિંગ મીટર, પહોળાઇ નવ રનિંગ મીટર તેમજ ઉંચાઇ ત્રણ રનિંગ મીટર રહેશે. આ કામની સમય મર્યાદા એક વર્ષ છે પરંતુ શકય તેટલી ઝડપથી કામ પૂર્ણ કરવા આદેશ કરાયો છે. ટ્રાફિકથી ધમધમતા યાજ્ઞિક રોડ વિસ્‍તારમાં ઝડપથી કામ પૂર્ણ થાય તે માટે ટુંક સમયમાં પદાધિકારીઓ, અધિકારીઓ અને ઇજનેરો સાઇટ વિઝીટ કરનાર છે. સર્વેશ્વર ચોકનો હયાત વોંકળો શિવમ કોમ્‍પલેક્ષ નીચેથી પસાર થતો હોય વોંકળા સફાઇમાં મુશ્‍કેલી થતી હોય હાલમાં નિર્માણાધિન નવા સ્‍લેબયુક્‍ત વોંકળાનું વહેણ ડાયવર્ટ કરાઇ રહ્યું છે  નવો વોંકળો શિવમ કોમ્‍પ્‍લેક્‍સ નીચેથી નહીં પરંતુ તેની બાજુમાં ચોકના રસ્‍તા નીચેથી પસાર થશે. વહેણ ડાયવર્ટ કરવાથી સફાઇ વ્‍યવસ્‍થિત થશે અને વરસાદી પાણીનો નિકાલ પણ ઝડપી બનશે. ભવિષ્‍યમાં કયારેય કોઇ દુર્ઘટનાને અવકાશ ન રહે તેવા ફુલપ્રુફ પ્‍લાનિંગ સાથે કામ ચાલી રહ્યું છે.

(3:06 PM IST)