<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

ઇન્‍ટરનેશનલ કુશ્‍તી ખેલાડી સુધા બગેલ સાથે ગોડાઉનના માલિકની દારૂ પીધેલી હાલતમાં ધમાલઃ ગાળાગાળી- ચેનચાળા

રૈયા રોડ કનૈયા ચોક નજીક દિપક સોસાયટીમાં આઇસ્‍ક્રીમનું ગોડાઉન ચલાવતાં વારંવાર ગિાળો દઇ ખૂનની ધમકી અપાતી હોવાનો અને એકલતાનો લાભ લઇ હેરાન કરવામાં આવતી હોવાનો પોલીસ કમિશનર સમક્ષ લેખીત ફરિયાદ અરજીમાં ઉલ્લેખ

રાજકોટ તા. ૨૫: શહેરના રૈયા રોડ પર હનુમાન મઢી પાછળ રંગ ઉપવન સોસાયટી મકાન નં. ૩૩માં રહેતાં કુશ્‍તીના ઇન્‍ટરનેશલ ખેલાડી સુધા ખેરસીંગ બગેલએ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી છે. જેમાં તેને વિજય દ્વારા દારૂ પી દંગલ મચાવી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોવાનો આરોપ મુકાયો છે.

લેખિત ફરિયાદ અરજીમાં તેણીએ જણાવ્‍યું છે કે હું મુળ આગ્રાના ખેરાગઢ તાબેના તહેરા ગામની વતની છું. હાલ રાજકોટ રંગ ઉપવન સોસાયટીમાં રહુ છું અને રૈયા રોડ કનૈયા ચોક દિપક સોસાયટી-૧માં રાજપૂત સમાજની વાડી પાસે વાડીલાલ આઇસ્‍ક્રીમની ડીલરશીપ લઇ ગુજરાન ચલાવુ છું. આ ડીલરશીપ વાડીલાલ કંપનીએ મારા પિતાજી સાથે એગ્રીમેન્‍ટ કરી છે. મને મારા વેપારના આ સ્‍થળે મારા માતા તેમજ બહેન પણ મદદરૂપ થાય છે. આ ગોડાઉનની જગ્‍યા વિજયભાઇની છે. તે મારી એકલતાનો લાભ લઇ અવાર-નવાર ગોડાઉન ખાતે દારૂ પીને આવી ગાળાગાળી કરી ચેનચાળા કરે છે અને મને ખુબ જ હેરાન કરે છે. પણ હું તેને કોઇ જવાબ આપતી નથી. ૨૧/૧૨/૨૪ના સાંજે સાડા ચારેક વાગ્‍યે તેણે ફરીથી દારૂના નશામાં દંગલ મચાવી મારી સાથે ગાળાગાળી ચેનચાળા કરી મને અને મારા પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. આ કારણે હું ખુબ ડરી ગઇ હતી. આ બનાવનો વિડીયો પણ હું જરૂર પડયે પોલીસ સમક્ષ રજુ કરીશ.

યુવતિએ વધુમાં લેખિત રજૂઆત-ફરિયાદમાં જણાવ્‍યું છે કે અવાર-નવાર આ રીતે દારૂ પી ગાળાગાળી કરી ધમકી અપાય છે. સીસીટીવી કેમેરામાં પણ આ સાબીતી મળશે. હાલમાં મારા પિતા વતનમાં હોઇ માતુશ્રી સાથે હું એકલી હોઉ છું. તેનો ગેરલાભ ઉઠાવી મને હેરાન કરાય છે. સતત આ રીતે હેરાનગતિ થતી હોવાથી મારે આ અરજી ફરિયાદ કરવી પડી છે. તેની સામે યોગ્‍ય કાર્યવાહી કરવા મારી માંગણી છે. અરજદાર યુવતિ ઇન્‍ટરનેશલ કક્ષાએ કુશ્‍તી રમી ચુક્‍યા છે અને તેમના મોટા બહેન પણ કુશ્‍તીના ઇન્‍ટરનેશનલ કોચ છે.

(4:13 PM IST)