<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

ચાર લોકોનું હૃદય ધબકારા ચુક્‍યું: જીતેન્‍દ્રભાઇ બારડ, જયેશભાઇ રત્‍નોતર, અજીતભાઇ મેસવાણીયા અને સુરેશભાઇ પિત્રોડાના મૃત્‍યુ

રેલનગર, કૈલાસ સોસાયટી, કોઠારીયા સોલવન્‍ટ અને જીવંતીકાનગરમાં રહેતાં મૃતકોના પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૨૬: વધી રહેલી ઠંડી વચ્‍ચે હૃદય રોગથી હુમલાના બનાવો પણ વધી ગયા છે. આ સિલસિલો આજે પણ ચાલુ રહ્યો હતો. અલગ અલગ બનાવમાં પચાસથી પંચાવન વર્ષની વયના ચાર પ્રોઢના હૃદય બેસી જવાથી બેભાન થઇ ગયા બાદ સિવિલ હોસ્‍પિટલમાં મોત થયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ રેલનગરમાં રહેતાં જીતેન્‍દ્રભાઇ જેન્‍તીભાઇ બારડ (ઉ.વ.૫૧) ઘરે બેભાન થઇ જતાં મોત થયું હતું. તેમને હાર્ટએટેક આવી ગયાનું જાહેર થયું હતું. મૃત્‍યુ પામનાર જીતેન્‍દ્રભાઇ બે ભાઇ અને બે બહેનમાં ત્રીજા તથા અપરિણીત હતાં અને પ્રાઇવેટ નોકરી કરતાં હતાં.

બીજા બનાવમાં રાજનગર ચોક કરણ પાર્ક પાસે કૈલાસ સોસાયટીમાં રહેતાં જયેશભાઇ દેવજીભાઇ રત્‍નોતર (ઉ.વ.૫૧) નામના રિક્ષાચાલક ઘરે ઉલ્‍ટી થયા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. તેઓ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું.

ત્રીજા બનાવમાં કોઠારીયા સોલવન્‍ટ ગુ.હા. બોર્ડ કવાર્ટરમાં રહેતાં અજીતભાઇ લક્ષ્મીદાસ મેસવાણીયા (ઉ.વ.૫૫) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દીધો હતો. તેઓ વાયરમેન તરીકે કામ રતાં હતાં અને બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર છે.

ચોથા બનાવમાં ગાંધીગ્રામ જીવંતીકાનગરમાં રહેતાં સુરેશભાઇ મેઘજીભાઇ પિત્રોડા (ઉ.વ.૫૫) રામાપીર ચોકડીએ શાષાીનગર-૧૦ના ખુણે મકાનનું કલર કામ કરતાં હતાં ત્‍યારે છાતીમાં દુઃખાવો ચાલુ થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. હોસ્‍પિટલ પોલીસ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચ, ધર્મેન્‍દ્રભાઇ હુદડે જે તે પોલીસ સ્‍ટેશનને બનાવોની જાણ કરી હતી. ચારેય બનાવોમાં સ્‍વજનને ગુમાવવાને કારણે પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

ચુનારાવાડના સંજયભાઇ ઢાપાનું બેભાન હાલતમાં મોત

ચુનારાવાડ-૮માં રહેતાં સંજયભાઇ નરસીભાઇ ઢાપા (ઉ.વ.૪૨) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. મૃતક ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. અગાઉ તે લાદી કામની મજૂરી કરતાં હતાં. પણ નશો કરવાની આદત હોઇ હાલ બિમાર પડી જતાં કામે જઇ શકતાં નહોતાં. તેમ પરિવારજને કહ્યું હતુ. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકી મારફત થતાં થોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી. (૧૪.૬)

(11:50 AM IST)