News of Thursday, 26th December 2024
‘સહકારથી સમૃદ્ધિ': રાજકોટ જિલ્લામાં વિવિધ સહકારી મંડળીઓને નોંધણી પ્રમાણપત્ર વિતરણ
કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા દેશમાં નવરચિત ૧૦ હજાર પેક્સના ઉદઘાટનમાં રાજકોટ જિલ્લો પણ જોડાયો

રાજકોટ તા. ૨૬: કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે સહકારથી સમૃદ્ધિની પહેલને સાકાર કરવા દેશભરમાં ૧૦ હજાર જેટલી કાર્યકારી પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળી, દૂધ તેમજ મત્સ્ય સહકારી મંડળીઓનો દિલ્હીથી પ્રારંભ કરાવ્યો હતો. ગાંધીનગરથી આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સહકાર રાજયમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવો જોડાયા હતા. રાજકોટ જિલ્લાના જનપ્રતિનિધિઓ, સહકારી અગ્રણીઓ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા.
‘સહકારથી સમૃદ્ધિ' ઝુંબેશ અંતર્ગત કાર્યક્રમ રાજકોટ જિલ્લા સહકારી બેન્ક ખાતે યોજાયો હતો. આ તકે સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, ધારાસભ્ય તથા રાજકોટ જિલ્લા સહકારી બેન્કના ચેરમેન શ્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે રાજકોટ જિલ્લાની વિવિધ સહકારી મંડળીઓને નોંધણી પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સહકારી મંડળીઓને આર્થિક રીતે સદ્ધર બનાવવા સી.ઓ.પી. સહાય તેમજ અન્ય લાભાર્થીઓને ૨૫ ટકા ગોડાઉન સહાયના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સંયુક્ત રજિસ્ટ્રાર શ્રી ટી.સી. તિર્થાણીએ આભાર વિધિ કરી હતી. જયારે જિલ્લા રજિસ્ટ્રાર શ્રી બિમલ પટેલે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ ડિસ્ટ્રી. કો.ઓપ. બેન્કના વાઈસ ચે૨મેન મગનભાઈ વડાવીયા, જનરલ મેનેજર વી.એમ. સખીયા, અન્ય સહકારી આગેવાનો, ખેડૂતો વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
(2:42 PM IST)










