News of Thursday, 26th December 2024
૩૧ મી ડિસેમ્બરની શાંતિપુર્ણ ઉજવણી માટે પોલીસ એકશનમાં : ગેરકાયદે હિલચાલ સાંખી નહિ લેવાય : જુઓ વિડીયો
જગ્યાએ-જગ્યાએ બ્રેથએનેલાઇઝર અને એનડીપીએસ કીટ સાથે પોલીસની જુદી જુદી ટુકડીઓ તૈનાત રહેશેઃ યુવતિઓની સલામતી માટે ડાઇન એન્ડ ડાન્સ પાર્ટીઓમાં ‘શી ટીમ' નું સરપ્રાઇઝ ચેકીંગ થશે : ડીસીપી જગદીશ બાંગરવા

રાજકોટ, તા., ૨૬: ગઇકાલથી શરૂ થયેલી નાતાલની ઉજવણી દરમિયાન પોલીસે આગોતરૂ આયોજન કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંદર્ભે તબક્કાવાર બંદોબસ્ત કર્યો છે. રંગીલા રાજકોટમાં દરેક ઉત્સવની ઉજવણી રંગે ચંગે થતી હોય છે. આ પરંપરા જળવાઇ રહે અને શાંતિપુર્ણ માહોલમાં લોકો ઉજવણી કરી શકે તે માટે પોલીસે જગ્યાએ જગ્યાએ ચેકીંગ ઝુંબેશ હાથ ધરી છે. તેમ ડીસીપી ઝોન-ર જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું.
શહેરને જોડતા એન્ટ્રી પોઇન્ટ ઉપરાંત ફરવાના સ્થળો જેવા કે આજી ડેમ, રેસકોર્ષ રીંગ રોડ, નવા રેસકોર્ષ અને કાલાવડ રોડ સહિતના જુદા જુદા રસ્તાઓ પર આવેલા રેસ્ટોરન્ટ અને હોટલો કે જયાં નવા વર્ષની ઉજવણી માટે ડાઇન એન્ડ ડાન્સ પાર્ટીઓ યોજાતી હોય છે. તેવા સ્થળ આસપાસ પોલીસની ચોક્કસ ટીમો પેટ્રોલીંગ કરશે અને ચાંપતી નજરે રાખશે. આ ઉપરાંત યુવતીઓ અને મહિલાઓની છેડછાડ ન થાય અને સુરક્ષિત માહોલમાં તેઓ ઉજવણીનો આનંદ લઇ શકે તે માટે શી ટીમો (મહિલા પોલીસ)ની ટુકડીઓ સરપ્રાઇઝ ચેકીંગ કરતી રહેશે તેવું ડીસીપી શ્રી બાંગરવાએ જણાવ્યું હતું.
આ ઉપરાંત જુદા જુદા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ અને ખાસ બ્રાન્ચોની ટુકડીઓ બ્રેથએનેલાઇઝર અને નશીલા દ્રવ્યો શોધી કાઢતી અને સેવન કર્તાઓને અલગ તારવી લેતી ખાસ કીટ દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ પાછલા દિવસોથી હાથ ધરવામાં આવ્યું છે. જે ૩૧ ડિસેમ્બરની વહેલી સવાર સુધી ચાલુ રહેશે.
પાર્ટીઓ યોજવા જે આયોજકોએ મંજુરી મેળવી છે તે સિવાયના આયોજનો પોલીસ બંધ કરાવશે તેવું જણાવાયુંછે.
(3:47 PM IST)










