<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

‘હિટ એન્‍ડ રન'માં ઘવાયેલા નેપાળી યુવાન દેવેન્‍દ્રનું મોતઃ ભત્રીજાને હાથ-પગમાં ફ્રેકચર

બેડી ચોકડી નજીક એડીબી હોટેલ પાસે વળાંકમાં ૨૩મીએ બનાવ બન્‍યો હતો

જામનગર રોડ નાગેશ્વરથી મોરબી રોડ જકાતનાકા પાસે જતી વખતે અજાણ્‍યો વાહન ચાલક ટુવ્‍હીલરને ઠોકરે લઇ ભાગી ગયો હતોઃ ગાંધીગ્રામ પોલીસે વાહનચાલકની શોધખોળ હાથ ધરી

રાજકોટ તા. ૨૬: શહેરની માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્‍ચે એડીબી હોટેલ નજીક વળાંક પાસે બાઇકને અજાણ્‍યા વાહનનો ચાલક ઠોકર મારી ભાગી જતાં બાઇક ચાલક યુવાન અને પાછળ બેઠેલા તેના કાકાને ઇજાઓ થઇ હતી. જેમાં સારવાર દરમિયાન કાકાનું મોત થતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ જામનગર રોડ નાગેશ્વર મંદિર નજીક સમેત શિખર પાસે રહેતો મુળ નેપાળનો ક્રિષ્‍ના નંદાસિંગ બોહરા (ઉ.વ.૨૭) તા. ૨૩/૧૨ના રાતે સાડા નવેક વાગ્‍યે તેના કાકા દેવેન્‍દ્ર લચ્‍છુભાઇ બોહરા (ઉ.વ.૨૮)ને ટુવ્‍હીલર એમએચ-૧૨ડબલ્‍યુબી-૦૮૬માં બેસાડીને મોરબી રોડ જકાતનાકા પાસે રહેતાં બીજા કાકા નિર્પહ લક્ષમણભાઇ બોહરાના ઘરે તેમને મળવા જઇ રહ્યો હતો. બંને એડીબી હોટેલ નજીક વળાંકમાં પહોંચ્‍યા ત્‍યારે અજાણ્‍યો વાહનચાલક બાઇકને ઠોકરે લઇ ભાગી જતાં ક્રિષ્‍ના અને તેના કાકા બંનેને ઇજાઓ થઇ હતી.

અકસ્‍માતને પગલે લોકો ભેગા થઇ ગયા હતાં. ક્રિષ્‍નાએ ફોન કરી પોતાના પત્‍નિ સહિતને બોલાવતાં બંનેને સારવાર માટે ખસેડાયા હતાં.

જેમાં તેને હાણ, પગમાં ફ્રેકચર થયુ઼ હતું અને હોઠ નીચે ઇજા થઇ હતી. જ્‍યારે તેના કાકાને પણ ગંભીર ઇજા પહોંચી હોઇ તે પણ સારવારમાં હતાં. ગત સાંજે કાકા દેવેન્‍દ્રભાઇનું મોત થતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

આ બનાવમાં ગાંધીગ્રામના પીએસઆઇ ટી. ડી. જાડેજાએ જે તે વખતે ક્રિષ્‍નાની ફરિયાદ પરથી અજાણ્‍યા વાહનચાલક સામે ગુનો નોંધ્‍યો હતો. મૃતક યુવાન ચોકીદારી કરતો હતો. તેને સંતાનમાં એક પુત્ર છે. પોતે છએક મહિના પહેલા જ નેપાળથી અહિ આવ્‍યો હતો.

(3:04 PM IST)