News of Monday, 30th December 2024
ઠંડીમાં રોગચાળો ઘટયોઃ સીઝનલ રોગોના ૧૬૮૭ કેસ નોંધાયા
ડેન્ગ્યુ- મેલેરીયાના ૧-૧ દર્દીઃ મનપા દ્વારા ૨૩૪૨ ઘરોમાં ફોગીંગઃ જયારે ૧૬૫૦૯ રહેણાંકમાં પોરાનાશક કામગીરીઃ મચ્છર ઉત્પતી સબબ ૧૦૧ને નોટીસ

રાજકોટ તા.૩૦: શહેરમાં મચ્છરજન્ય ડેન્ગ્યુના કેસમાં ઘટાડો થતો જોવા મળે છે. જયારે શરદી,તાવ, ઝાડા,ઉલ્ટીના ૧૬૮૭ થી વધુ દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે.શહેરમાં છેલ્લા અઠવાડીયામાં મચ્છરજન્ય રોગ સાથો સાથ પાણીજન્ય રોગે માથુ ઉંચકયું છે. ઉપરાંત ટાઇફોઇડના પણ દર્દી નોંધાયા છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૨૩ થી ૨૯ ડીસેમ્બર સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય રોગચાળાના ૨ કેસ
છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુના ૧, મેલેરીયાના ૧, કેસ નોંધાયા છે. સીઝનનાં મેલેરીયાના ૪૩, ડેન્ગ્યુના ૩૯૪ તથા ચિકનગુનિયાના ૪૧ કેસ નોંધાયા છે. ડેન્ગ્યુ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વધુ લોકોને કરડતા હોવાથી વધુ લોકો હોય તેવા સ્થળોએ આવા રોગ ફેલાવવાનું જોખમ વધુ રહે છે.
શરદી-તાવના ૧૬૮૭થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૮૮૮ તેમજ સામાન્ય તાવના ૬૫૬ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૧૪૧ કુલ ૧૬૮૭ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૫૧૭૪૫ તેમજ સામાન્ય તાવના ૨૪૫૩૭ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૧૨,૬૧૪ તથા ટાઇફોડનાં ૧૦૩ તથા કમળાના ૭, મરડાનાં ૧ તથા કોલેરાના ૬ કેસ નોંધાયા છે. ં
મચ્છર ઉત્પતિ સબબ ૧૦૧ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૧૬૫૦૯ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૨૩૪૨ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૨૩૫ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૧૦૧ લોકોને નોટીસ પાઠવી હતી.
(3:25 PM IST)










