<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

ડુપ્‍લીકેટ ચાવીથી પ્‍યુન મનિષ ઉર્ફ મનુભા કચેરીના રેકર્ડનો નાશ કરતો હતોઃ ચોરીની કલમનો ઉમેરો

સબ રજીસ્‍ટ્રાર કચેરી ઝોન-૧ના બોગસ દસ્‍તાવેજ કોૈભાંડમાં એડવોકેટ ગુંદાવાડીના કિશન ચાવડા હજુ ફરાર રિમાન્‍ડ પર રહેલા હર્ષ સોની અને મનિષ હેરમાની ક્રોસ પુછતાછઃ પીઆઇ પી.આર. ડોબરીયા, પીએસઆઇ બેલીમ, ડી.વી. ખાંભલા, ચંદ્રસિંહ અને ટીમની ડીસીપી, એસીપીની રાહબરીમાં વિશેષ તપાસ સાતથી આઠ રેકોર્ડના પાના મનિષ ઉર્ફ મનુભાએ ફાડી નાંખ્‍યાનું રટણઃ આ કામ માટે રોકડ ફાયદો થયો હતો

રાજકોટ તા. ૩૦: શહેરની સબ રજીસ્‍ટ્રાર કચેરી ઝોન-૧ના પુર્વ કર્મચારી, હાલના કોન્‍ટ્રાક્‍ટ બેઝ કર્મચારી અને વકિલે મળી વર્ષો જુની કરોડોની મિલ્‍કતોના ૧૭ બોગસ દસ્‍તાવેજો ઉભા કરી જબરૂ કારસ્‍તાન આદર્યાની તપાસમાં પ્ર.નગર પોલીસે વધુ એક આરોપી સબ રજીસ્‍ટ્રાર કચેરીમાં આઉટ સોર્સ તરીકે કામ કરતાં પ્‍યુન મનિષ ઉર્ફ મનુભા રમણીકભાઇ હેરમા (ઉ.વ.૫૦)ની પણ ધરપકડ કરી છે. કોૈભાંડમાં આ કર્મચારી પણ સામેલ હતો. તે કચેરીની ડુપ્‍લીકેટ ચાવીનો ઉપયોગ કરી જુના દસ્‍તાવેજો રેકોર્ડનો નાશ કરતો હતો. આ મામલે ચોરીની કલમનો પણ ઉમેરો કરાયો છે. હાલ હર્ષ સોની અને પ્‍યુન મનિષ ઉર્ફ મનુભા બંને રિમાન્‍ડ પર હોઇ ક્રોસ પુછપરછ થઇ રહી છે. જો કે સુત્રધાર મનાતો એડવોકેટ  કિશન ચાવડા હજુ હાથમાં આવ્‍યો નથી.

આ કોૈભાંડમાં ત્રણ દિવસ પુર્વે અમદાવાદથી પકડી પાડવામાં આવેલ આરોપી હર્ષ સોનીને સબ રજિસ્‍ટ્રાર કચેરીમાંથી અસલ દસ્‍તાવેજ ચોરીને આપતા શખ્‍સની પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી બીજો કોઇ નહિ પણ કચેરીનો જ પ્‍યુન મનીષ ઉર્ફે મનુભા હેરમા હતો. તે ડુપ્‍લીકેટ ચાવી બનાવી સરકારી કચેરીમા રેકડનો નાશ કરતો હતો અને અસલ દસ્‍તાવેજ હર્ષ સોની સુધી પહોંચાડતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્‍યું છે. પોલીસે હાલ આરોપી મનીષ ઉર્ફે મનુભાની ધરપકડ કરી રિમાન્‍ડ મેળવી વિશેષ પુછતાછ શરૂ કરી છે.

રાજકોટ શહેરના બોગસ દસ્‍તાવેજ કૌભાંડના મુખ્‍ય સુત્રધાર આરોપી હર્ષ ભરતભાઈ સોહેલીયાને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્‍યા બાદ આરોપીની સઘન પુછપરછ કરતા તેણે કબુલ્‍યુ હતું કે મનીષ ઉર્ફે મનુભા હેરમા જે સબરજીસ્‍ટાર કચેરી ઝોન-૧ મા કોન્‍ટ્રાકટ બેઝ પર સેવક તરીકે ફરજ બજાવતો તેને ઈન્‍ડેક્ષ રેકોર્ડ રૂમ તથા સબરજીસ્‍ટાર સાહેબની ડેટા એન્‍ટ્રી ઓફિસની ડુપ્‍લીકેટ ચાવી બનાવી રાત્રીના સમયે કોઈ ન હોય ત્‍યારે પ્રવેશ કરી ઓરીજનલ દસ્‍તાવેજના પાના ફાડી લાવી આપતો હોવાનું જણાવતા પોલીસે મનીષ ઉર્ફે મનુભા હેરમાને પણ આ ગુનામાં પકડી કોર્ટમાં રજૂ કરતાં ત્રણ દિવસના રિમાન્‍ડ મળ્‍યા હોઇ તપાસ થઇ રહી છે. ચાવી ચોરી ડુપ્‍લીકેટ ચાવી બનાવી હોઇ તેના કારણે ચોરીની કલમનો ઉમેરો કરાયો છે.

આરોપી મનીષ ઉર્ફે મનુભા હેરમાં રાજકોટના રેલનગર વિસ્‍તારમાં આવેલ ઋષિકેશ પાર્ક શેરી નંબર ૩માં રહે છે અને સબ રજિસ્‍ટ્રાર કચેરીમાં કોન્‍ટ્રાકટ બેઝ પર નોકરી કરે છે. તેને પોતે ડુપ્‍લીકેટ ચાવી બનાવી રજિસ્‍ટ્રાર કચેરીમાં રહેલ દસ્‍તાવેજનો નાશ કર્યો હતો. તેણે સાતથી આઠ દસ્‍તાવેજના રેકોર્ડના પાના ફાડી નાંખ્‍યા હતાં. આ કામ માટે હર્ષ સોની તરફથી રોકડ રકમનો ફાયદો થયો હતો.  અગાઉ આ કેસમાં કોન્‍ટ્રાક્‍ટ બેઝ કર્મચારી જયદીપ ઝાલા પકડાયો હતો. જે જેલમાં ગયો હતો. એ પછી  સૂત્રધાર હર્ષ સોનીની ધરપકડ કરવામાં આવી જે હાલ પોલીસ રિમાન્‍ડ પર છે અને હવે મનીષ ઉર્ફે મનુભાની ધરપકડ કરી તેના પણ રિમાન્‍ડ મેળવાયા છે. બંનેને ક્રોસ પુછતાછ થઇ રહી છે.  રાજકોટ સબ રજીસ્‍ટર ઝોન-૧ માં સબ રજીસ્‍ટર તરીકે ફરજ બજાવતાં અતુલભાઈ મધુભાઈ દેસાઈએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે હર્ષ સાહલીયા ઉર્ફે હર્ષ સોની, જયદીપ ઝાલા અને કિશન ડી ચાવડાનું નામ આપતાં પ્રદ્યુમનનગર પોલીસે આઈપીસી ૪૨૦, ૪૬૪, ૪૬૭, ૪૬૮ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. અગાઉ પોલીસે બીલખા હાઉસમાં આવેલ આરોપી હર્ષ સોનીના ફલેટમાં પણ દરોડા પાડી મોટા પ્રમાણમાં દસ્‍તાવેજો, બોગસ સ્‍ટેમ્‍પ, સ્‍ટેમ્‍પ બનાવવાનું મશીન સાહિતનું સાહિત્‍ય મળી આવતા કબ્‍જે કર્યુ હતું. ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધીકા ભારાઇની રાહબરીમાં પીઆઇ પી.આર. ડોબરીયા, પીએસઆઇ બેલીમ, એએસઆઇ ડી. વી. ખાંભલા, ચંદ્રસિંહ ઝાલા સહિતની ટીમ વધુ તપાસ કરે છે. સુત્રધાર મનાતો અને પોતાને એડવોકેટ ગણાવતો કિશન ચાવડા ગુંદાવાડી પોલીસ ચોકી પાછળ રહે છે. તે સતત ફરાર છે. તેના ઘરે દરોડો પાડતાં ત્‍યાં પણ મળ્‍યો નહતો.

(3:41 PM IST)