તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 30th December 2024
વેલનાથપરા પાસે કોર્પોરેશનના ડીમોલીશન બાદ બેઘર થયેલા ૧૦૦ જેટલા લોકો કલેકટર પાસે દોડી આવ્યાઃ વિસ્તૃત રજૂઆતો
કોર્પોરેશને ૬૦ જેટલા ઝુપડા તોડી પાડયાઃ તંત્ર દ્વારા વૈકલ્પિક જગ્યા આપવા માંગણી નાના બાળકો-વૃધ્ધો-મહિલાઓ કડકડતી ઠંડીમાં હેરાન થાય છેઃ જીવન જરૂરી ચીજવસ્તુનો પણ નાશ કરાયાનાં આક્ષેપો...

રાજકોટ તા. ૩૦: શહેરના મોરબી રોડ પર આવેલ વેલનાથ પરા નજીક સરકારી ખરાબાની જમીન રહેલ ઝૂંપડાઓ આજે સવારે મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવતા ઝુંપડામાં વસવાટ કરતા ૧૦૦ જેટલા લોકો કલેક્ટર ખાતે દોડી આવ્યા હતા અને વૈકલ્પિક જમીન આપવાની માંગ કરી હતી. ૬૦ જેટલા ઝુપડાનું વહેલી સવારે ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેને લઇ આજે નાના બાળકો સાથે કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે અમને તંત્ર દ્વારા વૈકલ્પિક જગ્યા આપવામાં આવે અમને અગાઉ નોટિસ પણ આપવામાં આવી નથી આજે સવારે અચાનક જ ડેમોલેશન કરવા માટે અધિકારીઓ આવી પહોંચ્યા હતા.
મોરબી રોડ ઉપર આવેલ વેલનાથ પરા મેઈન રોડ ઉપર ફાટક ની આગળ ઝુંપડપટી વિસ્તારમાં વર્ષોથી રહેણાંક કરતા લોકોના ઝુંપડાઓનું ડીમોલીશન કરાયેલ, આ લોકોએ જણાવેલ કે, અમારા નાના બાળકો અને મહિલાઓ આવી કડકડતી ઠંડીમાં હેરાન થતા હોય પરંતુ કોઈપણ જાતની નોટીસ આપ્યા વગર અમોના ઝુંપડા પાડી નાખેલ અમો લોકો ઘરની જમવાની વસ્તુ તેમજ જીવન જરૂરીયાતની વસ્તુઓનો નાશ કરી નાખેલ તેમજ અમારી રોજીરોટી ના સાધનોનો પણ નાશ કરી નાખેલ છે આપને નમ્ર અરજ છે કે અમો સૌ ગરીબ વર્ગના છીએ તેમજ અમારી પાસે રહેણાંકના કોઈપણ પુરાવા ન હોય અને સરકાર દ્વારા અમોને કોઈપણ પ્રકારના અનાજની સહાય પણ મળતી નથી અમો લોકો કંતાન બાંધી ત્યા રહેવાનો આશરો લેતા હતા અમારા કોઈપણ પાકા મકાન બાંધેલા ન હતા. જેથી આપને નમ્ર અરજ કરીએ છીએ કે સરકારની ફાજલ જમીન અથવા તો કોઈ ખરાબાની જમીનમાં અમોને રહેવાનો આશરો મળે તેમજ આ સિવાય કોઈપણ જગ્યાએ આવાસના કવાર્ટર ખાલી પડેલા હોય તો ત્યા અમોને આશરો આપવા માટે માંગ કરી હતી.
(3:47 PM IST)










