News of Monday, 30th December 2024
કાલે ૩૧મી ડિસેમ્બરની રાતે છાંકટા થનારાઓને પોલીસ પોંખશેઃ ૭ સ્થળે ઉજવણીના આયોજન, મંજુરી બાકી
ગેરકાયદે હિલચાલ સાંખી નહિ લેવાયઃ જગ્યાએ-જગ્યાએ બ્રેથએનેલાઇઝર અને એનડીપીએસ કીટ સાથે પોલીસની જુદી જુદી ટુકડીઓ તૈનાત રહેશેઃ યુવતિઓની સલામતી માટે ડાઇન એન્ડ ડાન્સ પાર્ટીઓમાં ‘શી ટીમ' નું સરપ્રાઇઝ ચેકીંગ થશઃ જે તે પોલીસ સ્ટેશનોમાંથી અરજીની પ્રોસીઝર થઇ આવે પછી આવતીકાલ સુધીમાં આયોજનોને મંજુરી મળશેઃ ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવા

રાજકોટ તા. ૩૦: નાતાલની ઉજવણી દરમિયાન પોલીસે આગોતરૂ આયોજન કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંદર્ભે તબક્કાવાર બંદોબસ્ત કર્યો છે. આવતી કાલે ૩૧મી ડિસેમ્બરંની ઉજવણી અંતર્ગત પોલીસે ચાંપતા બંદોબસ્તની ગોઠવણ કરી છે. છાંકટા થનારાઓ કે કાયદો વ્યવસ્થાને અનુરૂપ ન હોય તેવુ વર્તન કરનારાઓને પોલીસ પોંખશે અને કાયદેસરની કાર્યવાહી કરશે. રંગીલા રાજકોટમાં દરેક ઉત્સવની ઉજવણી રંગે ચંગે થતી હોય છે. આ પરંપરા જળવાઇ રહે અને શાંતિપુર્ણ માહોલમાં લોકો ઉજવણી કરી શકે તે માટે પોલીસે જગ્યાએ જગ્યાએ ચેકીંગ ઝુંબેશ હાથ ધરી છે. શહેરમાં ૭ સ્થળોએ ડાન્સ વીથ ડીજે સહિતના ૩૧મીની ઉજવણીને લગતાં આયોજનો થયા છે. જો કે આ સાતમાંથી હજુ આજ બપોર સુધી કોઇને મંજુરી અપાઇ નથી. આવતી કાલ સુધીમાં જે તે આયોજકની અરજીની તપાસ થઇ પોલીસ સ્ટેશનમાંથી આવી જશે પછી જ મંજુરીની કાર્યવાહી થશે. તેમ ડીસીપી ઝોન-ર જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે ઉજવણીમાં કોઇ આછકલાઇ ન થાય અને નશો કરી કોઇ છાંકટા ન બને તેનું ખાસ ધ્યાન રખાશે. શહેરને જોડતા એન્ટ્રી પોઇન્ટ ઉપરાંત ફરવાના સ્થળો જેવા કે આજી ડેમ, રેસકોર્ષ રીંગ રોડ, નવા રેસકોર્ષ અને કાલાવડ રોડ સહિતના જુદા જુદા રસ્તાઓ પર આવેલા રેસ્ટોરન્ટ અને હોટલો કે જયાં નવા વર્ષની ઉજવણી માટે ડાઇન એન્ડ ડાન્સ પાર્ટીઓ યોજાતી હોય છે. તેવા સ્થળ આસપાસ પોલીસની ચોક્કસ ટીમો પેટ્રોલીંગ કરશે અને ચાંપતી નજરે રાખશે. આ ઉપરાંત યુવતીઓ અને મહિલાઓની છેડછાડ ન થાય અને સુરક્ષિત માહોલમાં તેઓ ઉજવણીનો આનંદ લઇ શકે તે માટે શી ટીમો (મહિલા પોલીસ)ની ટુકડીઓ સરપ્રાઇઝ ચેકીંગ કરતી રહેશે તેવું ડીસીપી શ્રી બાંગરવાએ જણાવ્યું હતું.
આ ઉપરાંત જુદા જુદા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ અને ખાસ બ્રાન્ચોની ટુકડીઓ બ્રેથએનેલાઇઝર અને નશીલા દ્રવ્યો શોધી કાઢતી અને સેવન કર્તાઓને અલગ તારવી લેતી ખાસ કીટ દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ પાછલા દિવસોથી હાથ ધરવામાં આવ્યું છે. જે ૩૧ ડિસેમ્બરની વહેલી સવાર સુધી ચાલુ રહેશે. પાર્ટીઓ યોજવા જે આયોજકોએ મંજુરી મેળવવા પ્રોસીઝર કરી છે તેને મંજુરી મળશે તો જ આયોજન આગળ ચાલવા દેવાશે, તે સિવાયના આયોજનો પોલીસ બંધ કરાવશે તેવું પણ જણાવાયું છે.
(4:46 PM IST)










