<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

પ્રધ્‍યુમન પાર્ક ઝૂ કે છબરડાનું ઘરઃ ઓનલાઇન પેમેન્‍ટ બંધઃ કેન્‍ટીનમાં વધુ ભાવ લેવાતા હોવાની ફરિયાદ

મનપા પદાધિકારીઓ-અધિકારીઓ જરા ધ્‍યાન આપો : મુલાકાતીઓએ સામાન બહાર મુકવો ફરજીયાત, પણ થર્મોસ સાથે કેટલાક લોકો દ્વારા અંદર ચાનું વેંચાણ

રાજકોટ, તા. ૩૦: શહેરના લોકો માટે ફરવાના સ્‍થળ એવા પ્રધ્‍યુમન પાર્ક ઝુ ખાતે  ગઇકાલે રવિવારના લીધે ભારે ટ્રાફીકમાં ઓનલાઇન ટીકીટ પેમેન્‍ટ બંધ થતા મોટો ઉહાપોહ મચી જવા પામ્‍યો હતો. છેલ્લા ઘણા સમયથી ડીજીટલ પેમેન્‍ટના બદલે રોકડાથી જ ટીકીટ અપાતી હોય ભારે કચવાટ ઉભો થયો છે.

ઉપરાંત લોકોમાં ચર્ચાતી વિગતો મુજબ ઝુની કેન્‍ડીનમાં એમઆરપીથી વધુ ભાવો લેવાતા પણ ભારે હોબાળો મચી ગયો હતો. સાથે જ બેટરી કારથી સફારી માટે વહેલા આવનાર મુલાકાતીઓને બદલે મળતાળીયાનો પહેલા વારો લઇ લેવાતો હોવાની પણ છાસવારે ફરિયાદો ઉઠતી હોય છે.

મુલાકાતીઓને થેલી-પર્સ બહાર મુકવાની ફરજ પાડવામાં આવે છે, સાથે નાસ્‍તો પણ લઇ જવા દેવાતો નથી તેવામાં કેટલાક લોકો થર્મોસ સાથે ઘુસી અંદર ચાનું વેચાણ કરતા હોય છે જયારે કેન્‍ટીનમાં ચા-કોફીનું વેચાણ નથી કરવામાં આવતાનું પણ લોકો દ્વારા જણાવાય રહયું છે.

પ્રધ્‍યુમન પાર્ક ઝુ માં લોકોને પડતી મુશ્‍કેલીઓની રાવ અધિકારીઓ તથા પદાધિકારીઓ સુધી પહોંચાડવા કવાયત હાથ ધરવામાં આવી રહયાનું પણ જાણવા મળ્‍યું છે.

(4:46 PM IST)