<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

આફ્રિકન લોકો અને પશુ-પક્ષીઓનાં જીવન માટે આશીર્વાદરૂપ વૃક્ષ ‘બાઓબાબ'

* નામિબિયામાં આવેલું એક બાઓબાબ ૧૨૭૫ વર્ષ જૂનું હોવાનું મનાય છેઃ ‘ટ્રી ઓફ લાઇફ' ૫,૦૦૦ વર્ષ સુધી જીવી શકે છે. * આ વૃક્ષ ભારતમાં કેવી રીતે પહોંચ્‍યું તેના કોઈ પુરાવા નથી. * આ વૃક્ષ અંદાજે ૧૭ હજાર ૩૪૮ લિટર વરસાદનું પાણી પોતાની અંદર સંગ્રહિત કરે છે. ઞ્જ અંગ્રેજી ‘એડન્‍સોનિયા' નામ ધરાવતા આ વૃક્ષો બાઓબાબ તરીકે ઓળખાય છે. વૃક્ષનું થડ ૧૫ થી ૩૦ ફૂટ જેટલો વ્‍યાસ ધરાવતું પહોળું અને તેની ઊંચાઈ ૫૯ ફૂટ જેટલી ઊંચી હોઈ શકે છે. * આ બહુપયોગી વૃક્ષની પાસે આફ્રિકાના લોકો પોતાનું ઘર બનાવવાનું પસંદ કરે છે. *૧૪ મી સદીના અરેબિક મુસાફર ઈબ્‍ન બતૂતાએ પોતાના પ્રવાસ ગ્રંથોમાં આ વૃક્ષનું વર્ણન કર્યું છે અને તેને બાહુબાબ કહ્યું છે. * બાઓબાબ્‍સ મૂળ મેડાગાસ્‍કર, મેઇનલેન્‍ડ આફ્રિકા અને ઓસ્‍ટ્રેલિયામાં જોવા મળતા હતા પરંતુ તે એશિયા અને વિશ્વના અન્‍ય પ્રદેશોમાં પણ માનવીઓ દ્વારા ફેલાયેલા છે. * આફ્રિકાએ તેને ‘ધ વર્લ્‍ડ ટ્રી'નું બિરુદ પણ આપ્‍યું છે અને તેને સંરક્ષિત વૃક્ષ જાહેર કર્યું છે.

દુનિયામાં સેંકડો વિચિત્ર પ્રકારના વૃક્ષો છે. ઉદાહરણ તરીકે કેટલાક વૃક્ષો એટલા ઊંચા હોય છે કે તેમને જોવા માટે તમારે તેમની ઊંચાઈ જેટલા જ અંતરે ઊભા રહેવું પડે છે અને કેટલાક વૃક્ષો એટલા વિશાળ હોય છે કે તેઓ માત્ર હેલિકોપ્‍ટરમાંથી જ જોઈ શકાય છે. કેટલાક વૃક્ષોના વિચિત્ર આકારો જોઈને આヘર્ય થાય કે શું આ વૃક્ષો છે? બીજી બાજુ કેટલાક વૃક્ષો એવા છે જે શિકારી છે એટલે કે તેઓ ફક્‍ત જીવંત પ્રાણીઓને ખાઈને જ જીવી શકે છે. આફ્રિકામાં ‘ટ્રી ઓફ લાઈફ' તરીકે ઓળખાતું એક વૃક્ષ છે જેનું નામ છે ‘બાઓબાબ'. આ વૃક્ષને આફ્રિકામાં ખાસ કરીને શુષ્‍ક તથા અર્ધ શુષ્‍ક વિસ્‍તારોમાં તેને ખુબ આદર અને સન્‍માન આપવામાં આવે છે. આ વૃક્ષની ખાસિયત એ છે કે તેના થડમાં પાણી સંગ્રહવાની ક્ષમતા છે. તે વરસાદના સમયમાં પોતાના થડમાં પાણીનો સંગ્રહ કરી શકે છે અને જયારે ઉનાળો, સૂકી ઋતુ આવે ત્‍યારે રસદાર ફળ આપે છે. તેથી તેને ટ્રી ઓફ લાઈફ (જીવનનું વૃક્ષ) કહેવામાં આવે છે. આ વૃક્ષ અંદાજે ૧૭ હજાર ૩૪૮ લિટર વરસાદનું પાણી પોતાની અંદર સંગ્રહિત કરે છે. આફ્રિકાનું આ બાઓબાબ ત્‍યાંનુ કલ્‍પવૃક્ષ છે તેમ કહી શકાય.

અંગ્રેજી ‘એડન્‍સોનિયા' નામ ધરાવતા આ વૃક્ષો બાઓબાબ તરીકે ઓળખાય છે. તે પાનખર વૃક્ષોની જૈવિક વંશ છે જેમાં આઠ પ્રજાતિઓનો સમાવેશ થાય છે. ભારતમાં તેને ગોરક્ષી અને ગોરખ આમલી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વૃક્ષનું થડ ૫ થી ૯ મીટર એટલે કે ૧૫ થી ૩૦ ફૂટ જેટલો વ્‍યાસ ધરાવતું પહોળું હોઈ શકે અને તેની ઊંચાઈ ૧૮ મીટર (૫૯ ફૂટ) જેટલી ઊંચી હોઈ શકે છે. આ વૃક્ષનો આકાર નળાકાર બેરલ જેવો દેખાય છે. આ વૃક્ષના આકારને કારણે ઘણી વાર તેને ઉલટું-પુલટુ (અપ સાઈડ ડાઉન) વૃક્ષ પણ કહેવામાં આવે છે. આ ઝાડના ફળનો ઉપયોગ સૂકી ઋતુમાં લોકોના ખોરાક તરીકે થાય છે. તેના થડમાંથી રેસા મળે છે તેનો ઉપયોગ કરીને લોકો દોરડા બનાવે છે. જેના લાકડાનો ઉપયોગ ઘર બનાવવા, માછીમારીના ઓજારો બનાવવા માટે થાય છે. આ વૃક્ષના થડમાં રહેલી મોટી ટાંકી જેવા અવકાશને કારણે તેને લોકો રહેવા માટે, અનાજ ભરવા માટે કે છુપાવા માટે પણ ઉપયોગમાં લે છે. શુષ્‍ક પ્રદેશોમાં જયારે ઉનાળામાં દૂર દૂર સુધી કોઈ વૃક્ષ કે ઝાડપાન જોવા ન મળતા હોય ત્‍યારે આ વૃક્ષ લીલાશ અને આશરો આપે છે. આ વૃક્ષના ઔષધીય ગુણો પણ ઘણા છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. તે પાચન માટે ઉપયોગી છે. ત્‍વચાની રક્ષા અને યુવાન દેખાવ માટે, રોગ પ્રતિકારકતા માટે આ વૃક્ષ ઉપયોગી છે. આ વૃક્ષના અનેકવિધ ફાયદાઓને કારણે તો તેને ટ્રી ઓફ લાઈફ તરીકે ઓળખવામાં આવે છે. આ બહુપયોગી વૃક્ષની પાસે આફ્રિકાના લોકો પોતાનું ઘર બનાવવાનું પસંદ કરે છે.

 તેના સફેદ રંગના ફૂલ ખુબ મોટા કદના હોય છે અને તે સાંજના સમયે માત્ર ૧૫-૧૬ કલાક માટે ખુલીને પરાગનયન માટે સક્ષમ રહે છે. સવારે તે ખરી પડે છે. મોટા ગોળ કે અંડાકાર ફળોમાં કિડની જેવા આકારના બીજ હોય છે. વૃક્ષ જયારે નાની વયનું હોય ત્‍યારે તેનું થડ પાતળું હોય છે પરંતુ ધીમે ધીમે એકબીજા સાથે જોડાયેલા થડના આવરણ ચડતા જાય છે અને તે પહોળું થતું જાય છે. જેટલું મોટું વૃક્ષ તેટલા વધારે પાણીનો સંગ્રહ તે કરી શકે છે. નામિબિયામાં આવેલું એક બાઓબાબ વૃક્ષ ૧૨૭૫ વર્ષ જૂનું છે. આ ઝાડના લાકડામાં ગ્રોથ રિંગ્‍સનો અભાવ છે તેથી તેની ઉંમર નક્કી કરવા માટે કાર્બન ડેટિંગ પદ્ધતિની મદદ લેવામાં આવે છે. એક અંદાજ અનુસાર આ વૃક્ષ ૫૦૦૦ વર્ષ સુધી જીવી શકે છે. સવાનાના સૂકા પ્રદેશોમાં આ વૃક્ષ એક પુરી વસાહત વિકસાવવા માટે સક્ષમ છે. તેની આસપાસ માનવી તથા પશુ-પક્ષીઓ પોતાનું જીવન વિતાવે છે. બાઓબાબનો ઉપયોગ કરીને તેમની અનેક જીવન જરૂરી આવશ્‍યકતાઓ પુરી થાય છે. ૧૪ મી સદીના અરેબિક મુસાફર ઈબ્‍ન બતૂતાએ પોતાના પ્રવાસ ગ્રંથોમાં આ વૃક્ષનું વર્ણન કર્યું છે અને તેને બાહુબાબ કહ્યું છે. આ નામ કદાચ અરેબિક શબ્‍દ બા-હબીબ એટલે કે અનેક બીજધારી શબ્‍દ પરથી આવ્‍યું હોય તેવી શકયતા છે. આ વૃક્ષને લોકોએ ડિઝની વર્લ્‍ડની ફિલ્‍મ ‘લાયન કિંગ'માં રફીકી બંદરના ઘર તરીકે તથા અવતાર ફિલ્‍મમાં ‘ટ્રી ઓફ સોલ' (આત્‍માના વૃક્ષ) તરીકે જોયું છે. તેને કારણે પણ  બાઓબાબ વૃક્ષ વિશ્વમાં જાણીતું બન્‍યું છે. આ ઉપરાંત બાળકો માટેની પ્રખ્‍યાત નવલ કથા ‘ધ લિટલ પ્રિન્‍ટ્‍સ'માં પણ બાઓબાબ વૃક્ષનો ઉલ્લેખ છે. બાઓબાબ વૃક્ષને આફ્રિકાના લોકો ખુબ સમ્‍માન આપે છે અને તેને પોતાની સંસ્‍કળતિનો હિસ્‍સો માને છે. તેઓ આ વૃક્ષને ભગવાને મોકલેલા સહાયક દૂત તરીકે જુએ છે.

 બાઓબાબ્‍સ મૂળ મેડાગાસ્‍કર, મેઇનલેન્‍ડ આફ્રિકા અને ઓસ્‍ટ્રેલિયામાં જોવા મળતા હતા પરંતુ તે એશિયા અને વિશ્વના અન્‍ય પ્રદેશોમાં પણ માનવીઓ દ્વારા ફેલાયેલા છે. બાઓબાબના ફૂલો કદમાં મોટા હોય છે અને વધુમાં વધુ માત્ર ૧૫ કલાક સુધી ફળદ્રુપ રહે છે. તેઓ સાંજે એટલી ઝડપથી ખીલે છે કે તેઓ માનવ આંખ દ્વારા ખોલતા જોઈ શકાય છે અને બીજા દિવસે સવારે સુકાઈ જાય છે. તેનું વૈજ્ઞાનિક નામ મિશેલ એડન્‍સન કે જેઓ એક ફ્રેન્‍ચ પ્રકળતિવાદી અને સંશોધક હતા તેમના નામ પરથી રાખવામાં આવ્‍યું છે. તેમણે પ્રથમ આ વૃક્ષનું વર્ણન કર્યું હતું.

આ વૃક્ષ ભારતમાં કેવી રીતે પહોંચ્‍યું તેના કોઈ પુરાવા નથી. સુરત શહેરના કતારગામમાં અનાથાશ્રમની સામે બે વૃક્ષો અને સરથાણા ઓકટ્રોય નાકા સામે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં રીંછના પાંજરા પાસે એક વૃક્ષ હજારો વર્ષોથી ઉભું છે. ભારતમાં મધ્‍યપ્રદેશના મંડલાના અગતખાપરી (સુક્‍ત્રા) ગામમાં સરકાર દ્વારા આ વૃક્ષની શોધ કરવામાં આવી છે જ્‍યાં બે વૃક્ષો મળી આવ્‍યા છે. આ ખૂબ જ વિશાળ વૃક્ષો છે. ગ્રામજનોનું કહેવું છે કે આ વૃક્ષો ૫૦૦ વર્ષથી વધુ સમયથી છે. બાઓબાબ વૃક્ષની પહેલી ઓળખ એ છે કે તે ઊંધું દેખાય છે એટલે કે તેને જોતાં એવું લાગે છે કે ઝાડના મૂળ ઉપર અને થડ નીચે છે. બાઓબાબના આ સ્‍વરૂપ વિશે એવી દંતકથા છે કે પહેલા આ વૃક્ષ સીધું હતું પરંતુ વધતી અને ખીલતી વખતે તે હવા અને સૂર્યપ્રકાશને અન્‍ય છોડ અને વૃક્ષો સુધી પહોંચતા અટકાવતું આ ક્રિયાથી ભગવાનને ગુસ્‍સો આવ્‍યો અને તેણે ઝાડને જડમૂળથી ઊંધું કરી નાખ્‍યું. બાઓબાબની ઘણી વિનંતીઓ પછી ભગવાને આ વૃક્ષને છૂટછાટ આપી કે તે વર્ષના ૬ મહિના સુધી પાંદડા રહેશે અને બાકીના સમયમાં આ ઝાડ એક ઠુંઠ જેવું દેખાશે. આ માત્ર એક દંતકથા છે પરંતુ આજે પણ આ વૃક્ષ વર્ષમાં માત્ર ૬ મહિના જ પાંદડાં આપે છે બાકીનો સમય સંપૂર્ણપણે સુકાઈ જાય છે.

 એવું કહેવાય છે કે મડાગાસ્‍કરમાં સ્‍થિત કેટલાક બાઓબાબ વૃક્ષો ઘણા જૂના છે. આ વૃક્ષ રોમન સમયથી અહીં ઊભા છે. આવું જ એક વૃક્ષ ઈફેતી શહેરની નજીક આવેલું છે. આ વૃક્ષનું નામ છે ટી-પોટ બાઓબાબ. તેના મુખ્‍ય દાંડીમાંથી બીજું એક વૃક્ષ નીકળ્‍યું છે તેથી તેને ટી-પોટ નામ આપવામાં આવ્‍યું. તે ૧૨૦૦ વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. નિષ્‍ણાંતોના મતે તેમાં ૧ લાખ ૧૭ હજાર ૩૪૮ લીટર પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા છે. અહીં આ પ્રજાતિના કેટલાક વધુ વૃક્ષો છે જેની લંબાઈ ૮૦ મીટર અને થડની પહોળાઈ ૨૫ મીટર સુધી છે. બાઓબાબના અન્‍ય સામાન્‍ય નામોમાં બોઆબ, બોઆબોઆ, બોટલ ટ્રી અને ઇન્‍વર્ટેડ ટ્રી વગેરેનો સમાવેશ થાય છે. અરબીમાં તેને 'બુ-હિબાબ' કહેવામાં આવે છે જેનો અર્થ થાય છે 'ઘણા બીજવાળું વૃક્ષ'. આફ્રિકાએ તેને ‘ધ વર્લ્‍ડ ટ્રી'નું બિરુદ પણ આપ્‍યું છે અને તેને સંરક્ષિત વૃક્ષ જાહેર કર્યું છે. બાઓબાબ વૃક્ષ ખૂબ જ મજબૂત વૃક્ષ છે. બાઓબાબની આઠ જાણીતી પ્રજાતિઓ છે જેમાંથી છ મેડાગાસ્‍કરમાં સ્‍થાનિક છે (એટલે કે ત્‍યાં જ જોવા મળે છે). એક આફ્રિકામાં જોવા મળે છે અને એક ઓસ્‍ટ્રેલિયામાં સ્‍થાનિક છે.

બાઓબાબ વૃક્ષો સમગ્ર શુષ્‍ક આફ્રિકન સવાના ઇકોસિસ્‍ટમ માટે મૂળભૂત છે. તેઓ જમીનની સ્‍થિતિને ભેજવાળી રાખવામાં મદદ કરે છે. પોષક તત્ત્વોના રિસાયક્‍લિંગમાં મદદ કરે છે અને તેમની વિશાળ રુટ સિસ્‍ટમ્‍સ સાથે જમીનનું ધોવાણ ધીમું કરે છે. આદિવાસી લોકો સદીઓથી, આ ભવ્‍ય વૃક્ષો સાથે સુમેળમાં રહેવાનું શીખ્‍યા છે. તેમના ઘણા ઉપયોગોથી તેમને ક્ષીણ કર્યા વિના વિકાસ પામ્‍યા છે. જો કે, આબોહવા પરિવર્તનને કારણે છેલ્લા એક દાયકામાં આફ્રિકાના સૌથી જૂના અને સૌથી મોટા બાઓબાબ વૃક્ષોમાંથી તેરમાંથી નવ મળત્‍યુ પામ્‍યા છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે વધતા તાપમાને વૃક્ષોને સીધું જ મારી નાખ્‍યા છે અથવા તેમને દુષ્‍કાળ, રોગો, આગ અથવા પવન માટે નબળા અને વધુ સંવેદનશીલ બનાવ્‍યા છે. જો આ કલ્‍પવૃક્ષ બાઓબાબને દુનિયામાં બચાવવું હશે તો માત્ર સ્‍થાનિક સમુદાયોને સંડોવતા પર્યાવરણીય, સામાજિક અને આર્થિક અભ્‍યાસોના સંકલનથી જ આપણે આબોહવા અને ઇકોસિસ્‍ટમને લાંબા ગાળે પુનઃસ્‍થાપિત કરી શકીએ છીએ અને ખાતરી કરી શકીએ છીએ કે બાઓબાબ વૃક્ષ આવનારા હજારો વર્ષો સુધી જીવતું અને ખીલતું રહેશે. (૩૭.૪)

- પ્રશાંત બક્ષી

[email protected]

 

 

 

વડોદરાના ગણપતપુરા ખાતે આવેલું છે ૯૫૦ વર્ષ જૂનુ બાઓબાબ વૃક્ષ..!

વડોદરા શહેરથી ૧૫ કિલોમીટર દૂર ગણપતપુરા ગામમાં આ ભવ્‍ય વારસો કહી શકાય એવું વૃક્ષ આવેલું છે જેનું નામ બાઓબાબ વૃક્ષ છે જે ૯૫૦ વર્ષ જૂનુ હોવાનું મનાય છે. સામાન્‍ય રીતે આ વૃક્ષ ૨ હજાર વર્ષનું આયુષ્‍ય ધરાવે છે. આ વૃક્ષ ડેડ રેટ ટ્રી અને મંડી બ્રેડ ટ્રી તરીકે પણ ઓળખાય છે. વન વિભાગ દ્વારા આ વૃક્ષને વર્ષ ૨૦૧૪-૧૫માં હેરિટેજ ટ્રીનો દરજ્જો આપવામાં આવ્‍યો છે. ગુજરાતમાં વાપીથી ડહાણું સુધી મોટી સંખ્‍યામાં આ વૃક્ષો જોવા મળે છે. ભારતમાં માંડુમાં આ વૃક્ષો વધારે છે. જો ગુજરાતની વાત કરીએ તો ઉમરગામની આસપાસના વિસ્‍તારોમાં બાઓબાબનાં વૃક્ષો જોવા મળે છે. સાઉથ આફ્રિકામાં જોવા મળતું વૃક્ષ વડોદરા જેવા વિસ્‍તારમાં કેવી રીતે ઊગી નીકળ્‍યું એનો સચોટ જવાબ આજ દિન સુધી મળ્‍યો નથી.

એક સંભાવનાયુક્‍ત જવાબ માત્ર એટલો જ મળે છે કે કદાચ ગુજરાતી લોકો ધંધાર્થે દૂર-દૂર સુધી પ્રવાસ ખેડતા હતા અને સાઉથ આફ્રિકા ગયા હોઇ અને આ વૃક્ષનું બીજ લઇ આવ્‍યા હોય એવું હોઇ શકે. ગણપતપુરા ખાતે પૂર્વજોના સમયથી આ ઝાડની સેવા-પૂજા કરવામાં આવી રહી છે.

લોકો આ પરંપરાને આગળ વધારી અને ઝાડની પૂજા કરી રહ્યા છે. આસપાસના વિસ્‍તારોના લોકો પણ આ ઝાડને જોવા માટે આવતા હોય છે. ઝાડની પાસે જ અલખધણી રામદેવપીર મહારાજનું મંદિર પણ છે એટલે દર્શન માટે લોકો દૂર-દૂરથી આવે છે. અહીં દર બીજે ભક્‍તો દર્શન માટે પહોંચે છે. આ સિવાય અનેક લોકો પિકનિક માટે પણ આવે છે. ઘણા લોકો પોતાનાં દુઃખ લઈને આ ઝાડની પૂજા કરવા માટે આવે છે, જેમાંથી ઘણા લોકોની સમસ્‍યા દૂર થઈ ગઈ હોવાની માન્‍યતા છે. વડોદરા પાસે આવેલા સમિયાલા ગામ, સુભાનપુરા તેમજ કલાલી ગામમાં પણ બાઓબાબ વૃક્ષ હતાં. પરંતુ વરસાદના કારણે આ ઝાડ પડી ગયાં હતાં. જો કે આ બધાં ઝાડ ગણપતપુરામાં આવેલા વૃક્ષ કરતાં જૂનાં ન હતાં.

 

 

બાઓબાબના અદભૂત ઉપયોગ..

બાઓબાબ વૃક્ષ ની છાલ ૪૦% સુધી ભેજ ધરાવે છે અને તેથી તેનો ઉપયોગ બાળવા માટે થતો નથી પરંતુ થડની અંદરની છાલ ફાઇબર જેવી હોય છે જેમાંથી કાગળ, કપડાં, દોરડા, માછલી પકડવાની જાળ, દોરો, ટોપલીઓ અને ધાબળા જેવી ઘણી વસ્‍તુઓ બનાવવામાં આવે છે. બીજી તરફ રેસામાંથી બનતો કાગળ મજબૂત હોવાથી તેનો ઉપયોગ દસ્‍તાવેજ અને ચલણી નોટોના કાગળ બનાવવામાં થાય છે. બાઓબાબ વૃક્ષ પર પ્રથમ ફૂલો એપ્રિલ અને મે વચ્‍ચે વૃક્ષના જીવનના ૨૦મા વર્ષમાં દેખાય છે. આ અલ્‍પજીવી ફૂલો રાત્રે જ ખીલે છે. ફૂલોનો રંગ સફેદ હોય છે અને કદ મોટું હોય છે (૧૨ સે.મી. લાંબું). આ ફૂલોના પરાગમાંથી ગમ (ગુંદર) પણ બનાવવામાં આવે છે. તેના ફળો કાકડી જેવા અને પલ્‍પી હોય છે અને તેની લંબાઈ ૧ ફૂટ સુધી હોય છે (કયારેક તે ગોળ પણ હોય છે). તેના ફળોમાંથી અનેક પ્રકારની દવાઓ પણ બનાવવામાં આવે છે. આ ફળને સૂકવ્‍યા બાદ તેનો પાવડર બનાવવામાં આવે છે અને તેને પાણીમાં ભેળવીને લીંબુ પાણી જેવું ખાટું આરોગ્‍યપ્રદ પીણું બનાવવામાં આવે છે. નાના ફળોમાંથી ઘણા પ્રકારના દડા બનાવવામાં આવે છે. એક ફળમાં લગભગ ૩૦ બીજ હોય છે. બીજમાંથી સાબુ બનાવવામાં અનેક પ્રકારની દવાઓ, ગુંદર, કાચું તેલ અને તેલ સાબુનો પણ ઉપયોગ થાય છે. કેલ્‍શિયમના સમળદ્ધ પાંદડામાંથી શાકભાજી બનાવવામાં આવે છે. આને બાફી અને ડિટર્જન્‍ટ પાવડર તરીકે ઉપયોગમાં લેવાય છે. સામાન્‍ય રીતે બાઓબાબ વૃક્ષનું થડ હજારો લિટર શુદ્ધ પાણીથી ભરેલું હોય છે જે પીવાલાયક હોય છે. આ પાણીનો ઉપયોગ વરસાદની ગેરહાજરીમાં પીવા માટે જ થાય છે.

 

 

આફ્રિકાનું કલ્‍પવૃક્ષ બાઓબાબ

વૃક્ષના થડમાંથી પાણી કાઢી નાખ્‍યા બાદ આફ્રિકાના લોકો તે થડમાં બસ સ્‍ટેન્‍ડ, દવાખાનુ, પબ્‍લીક ટોયલેટ વગેરે બનાવ્‍યા છે. પૂર્વ આફ્રિકાનો દેશ માડાગાસ્‍કરમાં તો ૨૦૦ફૂટના ઘેરાવાવાળા વૃક્ષના પોલાણમાં બીયરબાર બનાવ્‍યું છે. જેમાં ૬૦ લોકો આરામથી બેસીને બીયર પી શકે છે. આફ્રિકાના લોકો બાઓબાબને કલ્‍પવૃક્ષ તરીકે માને છે. તેના પાંદડાનો ઉપયોગ આદિવાસીઓ શાક તરીકે કરે છે તેમજ પાંદડાને વાટીને તેમાંથી નીકળતા ફીણનો ઉપયોગ કપડા ધોવામાં કરે છે. સાઉથ આફ્રિકામાં વર્ષો પહેલાં લોકો આ વૃક્ષના થડમાંથી પાણી કાઢી નાખતા હતા અને એનો અનાજના કોઠાર તરીકે ઉપયોગ કરતા હતા. આ ઉપરાંત આ વૃક્ષનો જેલ તરીકે પણ ઉપયોગ થયા હોવાની પણ ચર્ચા છે. જેને સજા આપવી હોય તેને ઝાડની અંદરના ભાગે ઉતારી દે. થડના પોલાણમાં એટલી ચીકાશ હોય છે, જેનાથી કોઈપણ વ્‍યક્‍તિ માટે પોતાની રીતે બહાર આવવું મુશ્‍કેલ બની જાય છે. આજના મોડર્ન યુગમાં આફ્રિકામાં એક વ્‍યક્‍તિએ બાઓબાબના જીવતા વૃક્ષની અંદર ફ્‌લશિંગ સિસ્‍ટમવાળું પબ્‍લિક ટોઇલેટ બનાવ્‍યું છે.

 

આ વૃક્ષ વરસાદ આવવાના સંકેત કેવી રીતે આપે છે?

બીજાં બધાં વૃક્ષોને વસંતઋતુ અને વરસાદના દિવસોમાં નવાં પાન આવે છે ત્‍યારે આ વૃક્ષ મોટા ભાગે પાંદડાં વગરનું જ હોય છે પરંતુ જો આ વૃક્ષને પાંદડાં આવવા લાગે એટલે ૧૫થી ૨૦ દિવસમાં વરસાદ આવવાની શરૂઆત થઈ જશે એ સંકેત છે. વરસાદના ૩થી ૪ મહિનામાં જ બાઓબાબ વૃક્ષનું જાણે કે આખું વર્ષ પૂર્ણ થઇ જાય છે. એટલે કે આ ચાર મહિનામાં જ વૃક્ષને પાન આવે, ફૂલ આવે, ફળ લાગે. જ્‍યારે વરસાદની સીઝન પૂર્ણ થાય એટલે એનાં પાંદડાં માત્ર ૧૫થી ૨૦ દિવસમાં જ ખરવા લાગે છે. બાકીના ૮થી ૯ મહિનામાં આ વૃક્ષ પર માત્ર ડાળખી જ દેખાય છે. બાઓબાબ વૃક્ષની કૂંપળો ફૂટવાની શરૂઆત થાય ત્‍યાંથી જ ખેડૂતોને ખ્‍યાલ આવી જાય છે કે ૧૫-૨૦ દિવસમાં વરસાદ આવશે. આ વૃક્ષનો આકાર પણ એવો કે જાણે કે કોઈ ઝાડને મૂળિયામાંથી ઉખેડીને ઊંધું મૂકયું દીધું હોય એટલે જ કેટલાક લોકો તેને ઊંધું ઝાડ પણ કહેતા હોય છે.

આ વૃક્ષ તેના થડમાં પાણીનો સંગ્રહ કરે છે જેના કારણે તેની છાલ ભૂખરા રંગની હોય છે. રાત્રે ચંદ્રના અજવાળામાં ભૂખરી છાલના કારણે આખું વૃક્ષ ચમકે છે. આ ઝાડની ડાળીઓ વિખરાયેલા વાળ જેવી દેખાય છે. જેથી એને ઘોસ્‍ટ ટ્રી કે ભૂતિયું ઝાડ પણ કહેવામાં આવે છે. આ વૃક્ષ મેલ અને ફીમેલ એમ બે પ્રકારનાં છે. ગણપતપુરા પાસે આવેલું વૃક્ષ ફીમેલ છે કારણ કે તેના પર ફળ આવે છે જ્‍યારે મેલ વૃક્ષ ફળ નથી આપતું.

 

(5:11 PM IST)