News of Tuesday, 31st December 2024
ગોંડલના મોટા મહીકાના મર્ડર મિસ્ટ્રીના આરોપી હસમુખને ઝડપવા સોમનાથ-જુનાગઢમાં દરોડા
રાજકોટના હસમુખ વ્યાસે પોતાને મૃત બતાવવા મિત્ર સંદીપગીરીને મોતને ઘાટ ઉતારી દીધો'તો

રાજકોટ, તા., ૩૧: ગોંડલના મોટા મહિકા ગામના મર્ડર મિસ્ટ્રીના બનાવમાં મુખ્ય આરોપી હસમુખ વ્યાસને ઝડપી લેવા રૂરલ પોલીસે ગીર સોમનાથ અને જુનાગઢમાં દરોડા પાડયા હતા. પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાનાં મોટા મહીકા ગામે ખંઢેર બનેલા રહેણાંક મકાનમાંથી બે દિ' પુર્વે અર્ધ સળગેલી હાલતમાં પુરુષની લાશ મળી આવ્યા બાદ ગ્રામજનોનાં કહેવા મુજબ આ લાશ હસમુખ મુળશંકર વ્યાસ ઉ.૪૬, રહે. હાલ રાજકોટ સદગુરુ સોસાયટી મોરબી રોડની હોવાનું જણાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
ફોરેન્સીક પીએમ રીપોર્ટમાં મૃતકની ગળે ટુંપો દઇ લાશ સળગાવી દીધાનું ખુલતા ઇન્ચાર્જ રૂરલ એસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ રૂરલ એલસીબીના પીઆઇ વિજય ઓડેદરા તથા ગોંડલ તાલુકાના પીઆઇ જે.પી.રાવ સહીતની ટીમે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ કર્યો હતો.
દરમિયાન પોલીસ તપાસમાં જે લાશ મળી છે તે રાજકોટના સંદીપગીરી ગોસ્વામીની હોવાનું અને તેને તેના મિત્ર રાજકોટના હસમુખ વ્યાસે પતાવી દીધાનું ખુલતા પોલીસ ચોંકી ઉઠી હતી. હસમુખ વ્યાસે વિમો પકવવા માટે અથવા તાંત્રીક વિધિ માટે પોતાને મૃત બતાવવા પાડોશી સંદીપગીરી ગોસ્વામીના તેના મૂળ ગામે મોટા મહીકા ગામે લઇ જઇ ગળે ટુંપો દઇ મોતને ઘાટ ઉતારી દીધો હતો અને બાદમાં ઓળખ ન થાય તે માટે લાશ પર પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી. ગોંડલ તાલુકા પોલીસે મૃતક સંદીપગીરીના પત્ની ગાયત્રીબેનની ફરીયાદ ઉપરથી આરોપી હસમુખ ઉર્ફે હર્ષદ મુળશંકરભાઇ ધાનજા (વ્યાસ) તથા એક સગીર આરોપી સામે હત્યાનો ગુન્હો દાખલ કરેલ હતો.
દરમિયાન નાસી છુટેલ મુખ્ય આરોપી હસમુખ વ્યાસ ગીર સોમનાથ અને જુનાગઢ પંથકમાં તેના સંબંધીની ઘરે ગયો હોવાની શંકાએ રૂરલ પોલીસની અલગ-અલગ ટીમોએ બંને જીલ્લામાં દરોડા પાડયા હતા. પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો. આરોપી હસમુખ પકડાયા બાદ આ ખોફનાક કાવત્રા અંગે વધુ પર્દાફાશ થશે. આ બનાવે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભારે ચકચાર જગાવી છે.
(11:20 AM IST)










