<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

સોની બજારના વેપારી રમેશભાઇ રાધનપુરા સાથે મુંબઇના વિનોદ શાહની ૧૩.૯ લાખની છેતરપીંડી

વેપારી વ્‍હોટ્‍સગ્રુપમાં દાગીનાની ડિઝાઇનના ફોટા મુકતા હોઇ તે જોઇ મુંબઇના શખ્‍સે ‘આ દાગીના અમારે અહિ બહુ ચાલે' કહી ખરીદી ચાલુ કરી હતી કુલ રૂા. ૩૩,૬૨,૫૦૫ના દાગીના આંગડીયાથી કટકે કટકે મંગાવી રૂા. ૨૦,૫૨,૬૦૦ ચુકવ્‍યાઃ બાકીની રકમ ન ચુકવીઃ વેપારી મુંબઇ તપાસ કરવા જતાં જે સરનામુ આપ્‍યુ હતું ત્‍યાં કોઇ ન મળ્‍યું: એ-ડિવીઝન પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૩૧: શહેરની સોની બજારના વેપારી સાથે મુંબઇના એક વેપારીએ લાખોની ઠગાઇ કરી છે. રાજકોટના વેપારી વ્‍હોટ્‍સએપ ગ્રુપમાં સોનાના દાગીનાની ડિઝાઇનના ફોટા મુકતાં હોઇ તેના આધારે મુંબઇના શખ્‍સે ફોન કરી તમે જે ફોટા મુક્‍યા છે એ ડિઝાઇન મુ઼બઇમાં ખુબ ચાલે છે, મારે આવા દાગીના જોઇએ છે તેમ કહી શરૂઆતમાં દાગીના ખરીદી નાણા ચુકવી દઇ વિશ્વાસ ઉભો કરી કુલ ૩૩,૬૨,૫૭૫ના દાગીના ખરીદ કરી તેની સામે ૨૦,૫૨,૬૦૦ ચુકવી બાકીના ૧૩,૦૯,૯૭૬ ન ચુકવી છેતરપીંડી કરી છે. રાજકોટના વેપારીએ મુંબઇ જઇ તપાસ કરતાં ત્‍યાં આ વેપારી રહેતાં ન હોવાનુ જણાયું હતું.  આ બનાવમાં પોલીસે લક્ષ્મીવાડી શેરી નં. ૯/૧૨ના ખુણે કેનાલ રોડ પર રહેતાં રમેશભાઇ ચંદુલાલભાઇ રાધનપુરા (ઉ.વ.૫૯)ની ફરિયાદ પરથી મુંબઇ બોરીવલી ઇસ્‍ટ નેશનલ પાર્ક રોડ સોના સિનેમાની પાછળ ન્‍યુ મોનીકા જ્‍વેલર્સ નામે દૂકાન ચલાવતાં વિનોદ શાહ વિરૂધ્‍ધ ઠગાઇનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રમેશભાઇ રાધનપુરાએ જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને સોનાના દાગીના લે-વેંચનું અને સોની કામની મજુરીનું કામ કરુ છું. મારે સોની બજારમાં સવજીભાઇની શેરીમાં ગોપાલ મેન્‍સન કોમ્‍પલેક્ષમાં દુકાન નં. ૭માં ત્રિશુલ ઓર્નામેન્‍ટ નામે દુકાન છે. અમારે બજારમાં સોનીનુ કામ કરતાં હોય તેનું વ્‍હોટ્‍સએપ ગ્રુપ છે. તેમાં અમે સોનાના દાગીનાની ડિઝાઇન વગેરે મુકતાં હોઇએ છીએ. વર્ષ ૨૦૨૩ના મે મહિનામાં મુંબઇના વિનોદ શાહે મને ફોન કરી કહેલુ કે વ્‍હોટ્‍સએપ ગ્રુપમાં તમે જે સોનાની ડીઝાઇના ફોટા મુક્‍યા છે તેનો ભાવ શું છે? આવી ડિઝાઇન અમારે મુંબઇમાં વધુ ચાલે છે. જેથી મેં તેને ડીઝાઇનના ભાવ એક તોલા ગ્રામનાો ભાવ રૂા. ૪૭ હજાર કહ્યો હતો.

એ પછી વિનોદ શાહને મેં કહેલુ કે અમે બધો વેપાર રોકડેથી કરીએ છીએ અને રોકડા મોકલશો તો જ આંગડીયાથી માલ મોકલી આપશું. ત્‍યારબાદ વિનોદ શાહે પહેલી વખત ૧૯/૫/૨૩ના રોજ મિક્‍સ ગોલ્‍ડ ઓર્નામેન્‍ટનો માલ ૪૬.૫૬૦ ગ્રામ મંગાવેલો જેની કિમત રૂા. ૨,૧૯,૯૭૭ થતી હતી. આ માલ અમે તેને આંગડીયાથી મોકલી પૈસા માંગતા તેણે પૈસા એક સાથે આપશું તેમ કહ્યું હતું.

ત્‍યારબાદ ફરી ૧/૬/૨૩ના રોજ વધુ ૧૯૦.૦૨૦ ગ્રામ દાગીના મંગાવેલા જેના રૂા. ૯,૨૬,૧૪૯ થતાં હતાં. બીજી વાર પૈસા માંગતા તેણે કહેલુ કે હજુ વધુ માલ જોઇએ છે. બધાનો હિસાબ સાથે જ કરીશું.  ત્‍યારબાદ તા. ૩/૬/૨૩ના રોજ વધુ ૧૪.૪૭૦ ગ્રામ દાગીના મંગાવ્‍યા હતાં. આ બધા માલના રૂા. ૭,૫૧,૦૦૦ વિનોદ શાહે અમને ૩/૧૦/૨૩ના રોજ આંગડીયાથી મોકલી દેતાં અમને તેના પર વિશ્વાસ બેસી ગયો હતો. ત્‍યારબાદ તેણે ફરી ફોન કરી ૧૪/૬ના રોજ વધુ રૂા. ૭,૪૦,૫૨૧ના દાગીના મંગાવ્‍યા હતાં. તેમજ ૧૬/૬ના રોજ બીજા ૫,૫૧,૧૦૦ના અને ૨૭/૬ના રોજ બીજા ૯૫,૯૦૩ના દાગીના મંગાવ્‍યા હતાં. એ પછી વિનોદ શાહે મને રૂા. ૧,૨૫,૦૦૦ ચુકવ્‍યા હતાં.

ફરીથી તેણે રૂા. ૬,૩૯,૯૭૬નો માલ ૧૧/૭ના રોજ મંગાવ્‍યો હતો. એ પછી તેણે ૧,૭૫,૦૦૦ મને આંગડીયાથી આપ્‍યા હતાં. આ રીતે તેણે અલગ અલગ વજનના દાગીના અવાર-નવાર મારી પાસેથી મંગાવી અમુક રકમ મને મોકલી આપી હતી. જો કે છેલ્લે તેણે કુલ રૂા. ૧૩,૦૯,૭૯૬ના દાગીના લીધા પછી આ રકમ મને ચુકવી નથી. હું ઉઘરાણી કરુ તો ગલ્લા તલ્લા કરી દેતાં હોય અને ફોન સ્‍વીફ ઓફ કરી દેતાં મને શંકા જતાં તપાસ કરતાં ખબર પડી હતી કે મારી સાથે ખોટુ થયું છે. મેં મુંબઇ જઇ ન્‍યુ મોનીકા જ્‍વેલર્સ ખાતે જઇ તપાસ કરતાં તેઓ ત્‍યાં રહેતાં ન હોવાનું જાણવા મળ્‍યુ હતું. એ પછી પણ મેં મારી રીતે તેની શોધખોળ ચાલુ રાખી હતી. પરંતુ પત્તો ન મળતાં અંતે હવે ફરિયાદ દાખલ કરાવી છે. કુલ રૂા. ૩૩,૬૨,૫૭૫ના મિક્‍સ દાગીના તેમણે મારી પાસેથી લઇ તેમાંથી રૂા. ૨૦,૫૨,૬૦૦ મને ચુકવી બાકીના ૧૩,૦૯,૯૭૬ ન ચુકવી ઠગાઇ કરી હતી. પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં પીએસઆઇ એમ. ડી. ડાંગીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:23 PM IST)