News of Tuesday, 31st December 2024
ગાંધી સોસાયટીમાં વ્હોરા વેપારીના ઘરમાં ૭.૨૨ લાખની ચોરી : જુઓ વિડિયો
લાતી પ્લોટમાં લાકડાનો વેપાર કરતાં ખોજેમભાઇ ભારમલ પરિવારજનો સાથે વિદેશ ગયા હતાં: આજે સવારે પરત આવ્યા ત્યારે ચોરીની જાણ થઇઃ ગાંધીગ્રામ પોલીસ-એલસીબીની ટીમોએ તપાસ આદરીઃ એક શકમંદ ફુટેજમાં દેખાયોઃ બાજુના બંધ મકાનમાં પણ ચોરીનો પ્રયાસ

રાજકોટ તા. ૩૧: શહેરમાં તસ્કરોએ ઉપાડો લીધો છે. વધુ એક વખત બંધ મકાનમાં ત્રાટકી રોકડ, દાગીના ચોરી જતાં તપાસ શરૂ થઇ છે. જામનગર રોડ પર માધાપર ચોકડી નજીક આવેલી ગાંધી સોસાયટીમાં રહેતાં દાઉદી વ્હોરા પરિવારના બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરવામાં આવી છે. આ પરિવાર વિદેશ ફરવા ગયો હતો. આજે વહેલી સવારે તેઓ પરત ઘરે આવ્યા ત્યારે ચોરી થયાની જાણ થઇ હતી. એક શકમંદ સીસીટીવીમાં દેખાયો હોઇ તેના આધારે તપાસ શરૂ થઇ છે.
જાણવા મળ્યા મુજબ ગાંધી સોસાયટી શેરી નં. ૬માં રહેતાં અને લાતી પ્લોટ-૭માં રાજ ટીમ્બર નામે લાકડાની લાતી ચલાવતાં વેપારી ખોજેમભાઇ ફીદાહુશેન ભારમલે તેમના ઘરમાં ચોરી થયાની જાણ વહેલી સવારે કરતાં ગાંધીગ્રામ પોલીસની ટીમે પહોંચી તપાસ શરૂ કરી હતી. ખોજેમભાઇએ જણાવ્યું હતું કે પોતે અને પરિવારના સભ્યો દિકરી વિદેશથી આવી હોઇ તેની સાથે પખવાડીયાથી વિદેશ ગયા હતાં. ફરીને આજે સવારે પરત ઘરે આવ્યા ત્યારે ઘરમાં ચોરી થયાની જાણ થઇ હતી.
તસ્કરો મકાનના પાછળના ભાગનો દરવાજો તોડી અંદર ઘુસી ગયા હતાં અને લોખંડના કબાટની તિજોરી તોડી તેમજ લાકડાના કબાટ ખોલી અંદરથી રોકડ દાગીના ચોરી ગયા હતાં. તેમજ બધા કબાટ વેરવિખેર કરી નાખ્યા હતાં. ખોજેમભાઇના કહેવા મુજબ તસ્કરો રોકડા રૂા. ૩૦ હજાર, ૨૧ તોલા સોનાના દાગીના મળી કુલ રૂા. ૭,૨૨,૦૦૦ની માલમત્તા ચોરી ગયા છે.
બનાવની જાણ થતાં એલસીબી ઝોન-૨ ટીમ પણ પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતાં એક શકમંદ નજરે ચડયો હોઇ તે આ ચોરીમાં સામેલ હોવાની શક્યતા છે. જ્યાં ચોરી થઇ તે મકાન બહારથી હાથમાં પહેરવાના મોજા પણ મળી આવ્યા હતાં. આ મોજા તસ્કર પહેરીને આવ્યો હતો અને ચોરી કર્યા બાદ ફેંકી ગયો હતો.
વધુ માહિતી અનુસાર ગાંધી સોસાયટી શેરી નં. ૨માં પણ બીજા એક મકાનના દરવાજા તોડી ચોર અંદર ઘુસ્યા હતાં. જો કે આ મકાનમાં કોઇ રહેતું ન હોઇ અને કોઇ માલ મિલ્કત ન હોઇ ચોરને મહેનત માથે પડી હતી
(2:59 PM IST)










