News of Tuesday, 31st December 2024
આસોપાલવ સોસાયટીના ૨૫ વર્ષના હર્ષ દેસાઇનું રતનપર પાસે કારમાંથી બેભાન મળ્યા બાદ મોત
બે ભાઇમાં નાનો હર્ષ મોરબીમાં ગેરેજ ધરાવતો હતોઃ રાતે ઘરે મોડે સુધી ન આવતાં શોધખોળ વખતે કારમાંથી મળ્યા બાદ મોતઃ પરિવારજનોમાં કલ્પાંતઃ મોતનું કારણ જાણવા તપાસ

રાજકોટ તા. ૩૧: શહેરના સાધુ વાસવાણી રોડ પર આસોપાલવ સોસાયટીમાં રહેતાં અને મોરબીમાં ગેરેજ ચલાવતો ૨૫ વર્ષનો યુવાન રાતે રાજકોટ મોરબી રોડ પર રતનપર ગામ પાસે કારમાંથી બેભાન હાલતમાં મળ્યા બાદ સારવારમાં મોત થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ આસોપાલવ સોસાયટીમાં રહેતો હર્ષભાઇ દિલીપભાઇ દેસાઇ (ઉ.વ.૨૫) નામનો યુવાન મોરબી ખાતે ગેરેજ ચલાવતો હોઇ દરરોજ તે રાજકોટથી અપડાઉન કરે છે. નિયમીત રીતે તે રાતે દસેક સુધીમાં ઘરે આવી જતો હોય છે. પરંતુ ગત રાતે સાડા દસ સુધી તે ઘરે ન પહોંચતા અને ફોન પણ રિસીવ ન થતાં ચિંતીત થઇ પરિવારજનો શોધખોળ કરવા રાજકોટથી મોરબી તરફ જવા નીકળ્યા હતાં. દરમિયાન રતનપર ગામ પાસે રોડ સાઇડમાં કાર પાર્ક કરેલી હોઇ તેમાં તપાસ કરતાં હર્ષ અંદર બેભાન હાલતમાં મળતાં તુરત જ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ ટુંકી સારવારને અંતે દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
હર્ષભાઇ બે ભાઇમાં નાનો અને અપરિણીત હતો. તેમના પિતા ઠંડા પીણાની એજન્સી ધરાવે છે. હર્ષનું મોત હાર્ટએટેકથી થયું કે અન્ય કોઇ રીતે? તે જાણવા પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહી છે. યુવાન દિકરાના મોતથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે. હોસ્પિટલ પોલીસ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચ, ધર્મેન્દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણાએ જાણ કરતાં કુવાડવા રોડ પોલીસ મથકના હેડકોન્સ. લક્ષમણભાઇ મહાજન અને પ્રજ્ઞેશભાઇ વધુ તપાસ કરે છે.
(2:58 PM IST)










