News of Tuesday, 31st December 2024
ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત બનાવવાનું કામ કરતાં કોલેજીયન વિદ્યાર્થી પર ‘સામુ કેમ જોવે છે?' કહી છરીથી હુમલો
અમીન માર્ગના છેડે ૧૫૦ રીંગ રોડ પર ફૂડ કોટમાં પાઉભાજી સ્ટોલની રીલ બનાવવા ગયા ત્યારે બનાવ ભવ્ય નાગોરીએ અમે સામુ જોયુ નથી, છતાં જોવાઇ ગયું હોય તો માફી માંગીએ તેમ કહેતાં અજાણ્યાએ ગાળો દઇ ડખ્ખો કર્યો

રાજકોટ તા. ૩૧: મનહરપુર રેલનગરમાં રહેતાં અને મારવાડી કોલેજમાં અભ્યાસ કરવાની સાથે સાથે લોકોના બિઝનેસની ઇન્સ્ટાગ્રામમાં વિડીયો એડ બનાવી આપવાનું કામ કરતાં યુવાન અને તેના ત્રણ મિત્રો ગત રાતે અમીન માર્ગના છેડે દોઢસો રીંગ રોડ પર ફૂડ કોર્ટ પાસે પાઉંભાજીવાળાની જાહેરાત બનાવવા ગયા ત્યારે તેણે પોતાની કાર પટમાં પાર્ક કરી હોઇ તે લેવા જતાં અજાણ્યા શખ્સે સામુ કેમ જોવે છે? કહી ગાળો દઇ છરીથી હુમલો કરી ઇજા પહોંચાડતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં માલવીયાનગર પોલીસે મનહરપુર રેલનગર સુદરમ્ ગોલ્ડ એપાર્ટમેન્ટ બી-૧૨૦૩ ખાતે રહેતાં અને મારવાડી કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં તેમજ પાર્ટ ટાઇમ ઇન્સ્ટાગ્રામ આઇડીમાં જાહેરાતના વિડીયો બનાવવાનું કામ કરતાં ભવ્ય પ્રીશાકુમાર નાગોરી (ઉ.વ.૨૦)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે.
ભવ્યએ જણાવ્યું છે કે ૩૦મીએ અમીન માર્ગના છેડે ૧૫૦ રીંગ રોડ પર આવેલ ફૂડ કોર્ટમાં મુંબઇ પાઉભાજીમાં મારે તેમની જાહેરાતનો વિડીયો બનાવવાનો હોઇ જેથી હું અને મારી સાથે વિડીયો બનાવવામાં મદદ કરતાં મારા મિત્ર ધ્રુવ ભગલાણી, વૈદીક પંડયા અને ભોલુ ગોહેલ અમારી કાર લઇને રોડ સાઇડમાં ખુલ્લા પ્લોટમાં કાર પાર્ક કરી વિડીયો બનાવવા ગયા હતાં. આ કામ પુરુ કરી સવા નવેક વાગ્યે ઘરે જવા નીકળ્યા અને પટમાં કાર રાખી હોઇ ત્યાં જતાં મોપેડ પર ચાર શખ્સો પહેલેથી જ બેઠા હોઇ તેમાંથી એક શખ્સે અમારી પાસે આવી ‘કેમ સામે જોવે છે?' કહેતાં મેં તેને અમે તમારી સામે નથી જોતાં તેમ છતાં જોવાઇ ગયું હોય તો માફી માંગીએ છીએ તેમ કહેતાં તેણે ઉશ્કેરાઇ જઇ ગાળો દેતાં ગાળો બોલવાની ના પાડતાં તેણે છરી કાઢી જમણા હાથના અંગુઠા અને હથેળીમાં મને મારી દેતાં ઇજા થઇ હતી.
આ હુમલો થતાં અમે મિત્રો ગભરાઇ ગયા હોઇ ત્યાંથી ભાગી ગયા હતાં. અજાણ્યો શખ્સ પણ મોપેડ પર ભાગી ગયો હતો. તે આશરે ૨૨થી ૨૫ વર્ષનો હતો અને તેણે બ્લુ ટીશર્ટ તથા ક્રીમ પેન્ટ પહેર્યુ હતું. મને ઇજા થઇ હોઇ સારવાર માટે મારા ીમત્રો લઇ ગયા હતાં. માલવીયાનગરના પીઆઇ જીજ્ઞેશ દેસાઇની રાહબરીમાં હેડકોન્સ. એ. વી. ચાવડાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:04 PM IST)










