News of Tuesday, 31st December 2024
પરીક્ષા-પરીણામ-પદવી અને સુરક્ષા પ્રશ્ને નિષ્ફળ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના તંત્ર સામે ABVPનો મોરચો
અગાઉ અનેકવાર રજુઆત છતાં કોઇ નક્કર પગલા ન લેતા ઉગ્ર આંદોલનની વિદ્યાર્થી પરીષદની ચિમકી

રાજકોટ, તા. ૩૧: છેલ્લા ૭૬ વર્ષથી વિદ્યાર્થીના હિતમાં કાર્યરત અખીલ ભારતીય વિદ્યાર્થી પરીષદ અનેક ઉગ્ર આંદોલન કરીને સબબ નેતૃત્વનો પરચો આપ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સત્તાવાળાઓને અનેક રજુઆત કરવા છતા પડતર પ્રશ્નોના ઉકેલને બદલે સમસ્યા વધી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ફરીવાર એકવાર ઉગ્ર આંદોલનનું બ્યુંગલ ફુકાવા જઇ રહયું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ચાલતા અનેક પ્રકારના વિષયોને લઇને વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદલન કરવામાં આવ્યું હતું. જેના વિષયોમાં મનોવિજ્ઞાન ભવનમાં ચાલતો ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સના ડિગ્રી સર્ટિફિકેટ ર વર્ષ થયા હોવા છતાં આપવામાં આવ્યા નથી.
રિએસિસમેન્ટની પ્રક્રિયાને ઝડપી કરવા, નિયત સમય મર્યાદામાં પરીક્ષાના રીઝલ્ટ જાહેર કરવા, ઓરીઝનલ માર્કશીટ નિયત સમય માર્યાદામાં વિદ્યાર્થીઓને આપવી, યુનિવર્સીટીમાં નવા કેમેરા લગાવવા અને જુના કેમેરાને વ્યવસ્થિત મેઇન્ટેઇન કરવા સહિતના અનેક વિષયોને લઇને અગાઉ પણ વિદ્યાર્થી પરિષદ દ્વારા ઘણીવાર રજુઆત કરવામાં આવી હતી પરંતુ સમગ્ર યુનિવર્સીટી તંત્ર જાણે આરામમય હોય અને વેકેશનના મુળમાં હોય તે રીતે કોઇ ચોકકસ જવાબ આપવાની દાનતમાં ના હોય તે રીતે કોઇ ચોકકસ જવાબ આપ્યા હતા.
આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા રજુઆત કરવા જતાં કુલપતિ હાજર ન હતા અને કુલસચિવ દ્વારા આજે પણ મૌન રહીને કોઇ ચોકકસ જવાબ આપવામાં આવ્યા ન હતા ત્યારે વિદ્યાર્થી પરિષદ દ્વારા આ વિષયોને લઇને જયાં સુધી કોઇ ચોકકસ જવાબ અને વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ રચનાત્મક અને ક્રિયાત્મક સ્વરૂપે આંદોલન કરશે જેની સંપુર્ણ જવાબદારી યુનિવર્સીટી તંત્રની રહેશે. તેવી ચિમકી વિદ્યાર્થી પરિષદે ઉચ્ચારી છે.
(3:08 PM IST)










