<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

૩૧મીની ઉજવણીમાં ‘ખેલ' કરનારાઓની ખેર નથીઃ ૧૨૮૨ પોલીસ અધિકારી, કર્મચારીઓનો કાફલો જાળવશે બંદોબસ્‍ત

દારૂ-માદક પદાર્થના નશાખોરોને શોધી કાઢવા ખાસ ડ્રાઇવઃ ડાન્‍સ ડીજે પાર્ટીઓમાં ઉજવણીના નામે આછકલાઇ, છેડતી કરનારાઓને છોડાશે નહિઃ રાતે ૧૦ પછી લાઉડ સ્‍પીકર વગર જ ઉજવણી કરવી પડશે : પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાની સીધી દેખરેખ હેઠળ ૪ ડીસીપી, ૬ એસીપી, ૨૧ પીઆઇ, ૭૦ પીએસઆઇ મળી ૮૫૧ પોલીસ અધિકારીઓ-જવાનો અને ૪૫૧ હોમગાર્ડ ફરજ બજાવશેઃ રાતે અગિયારે ડ્રોન અને બ્રીધ એનલાઇઝર સાથે પોલીસ મેદાને ઉતરશે : ડીજે ડાન્‍સના ૧૦ આયોજકોની અરજીઓમાંથી ૯ની પ્રોસીઝર પોલીસ સ્‍ટેશનમાંથી પુરી થઇઃ લાયસન્‍સ બ્રાંચ સાથે ચર્ચા બાદ મંજુરીની કાર્યવાહીઃ જેને મંજુરી નહિ મળે તે આયોજન નહિ કરી શકેઃ ડીસીપી બાંગરવા

રાજકોટ તા. ૩૧: શહેરમાં આજે વીતી રહેલા વર્ષને બાય-બાય કરવા અને નવા વર્ષને આવકારવા શહેરીજનો અધીરા બન્‍યા છે. ઠેકઠેકાણે ડાન્‍સ ડીજેના કાર્યક્રમો યોજાય છે. જેમાં અમુક કોમર્શિયલ છે તો અમુક ઘરમેળે આયોજન થયા છે. ૩૧મીની રાતે કોઇપણ લોકો દારૂ, માદક પદાર્થ કે બીજા નશા કરીને છાકટા બની ખેલ ન કરે તે માટે પોલીસે તૈયારી કરી લીધી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાના સીધા માર્ગદર્શન હેઠળ જડબેસલાક બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે. જેમાં ડીસીપી, એસીપી, પીઆઇ, પીએસઆઇ, હોમગાર્ડ, વોર્ડન સહિત ૧૨૦૦ની વધુ અધિકારીઓ, કર્મચારીઓ શહેરમાં ૩૧મીની ઉજવણી શાંતિથી થાય તે માટે બંદોબસ્‍ત જાળવશે.

જાણવા મળ્‍યા મુજબ શહેરના તમામ મુખ્‍ય સર્કલો, ચોકડીઓ, ડાન્‍સ ડીજે પાર્ટીના આયોજનના સ્‍થળો પર તેમજ આસપાસના ફાર્મ હાઉસ, પાર્ટી પ્‍લોટ ખાતે પોલીસ ઓચીંતી ત્રાટકશે અને ચેકીંગ કરશે. જ્‍યાં કાયદાનો ભંગ કરી ઉજવણી થતી જણાશે ત્‍યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દારૂ સહિતના નશા કરીને કોઇ નીકળી ન પડે એ માટે પોલીસ ખાસ ડ્રાઇવ યોજશે. રાતે અગિયાર વાગ્‍યે પોલીસ ડ્રોન અને બ્રીધ એનલાઇઝર કીટના જથ્‍થા સાથે મેદાને ઉતરશે. લોકો નવા વર્ષને આવકારવા અધીરા હોય છે ત્‍યારે બીજી તરફ બૂટલેગરો, નશીલા પદાર્થના પેડલરો પણ કમાણી કરવા મેદાનમાં આવી જતાં હોય છે. આવા શખ્‍સોને શોધી કાઢવા પકડી લેવા અને નશાખોરોને દબોચી લેવા પોલીસ ખાસ ડ્રાઇવ યોજશે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સીધી દેખરેખ હેઠળ ૪ ડીસીપી, ૬ એસીપી, ૨૧ પીઆઈ, ૭૦ પીએસઆઇ, ૮૫૧ પોલીસ જવાન તથા ૪૫૧ ટીઆરબી-હોમગાર્ડ જવાનો બંદોબસ્‍ત જાળવશે અને નશાખોરોને તથા નશીલા પદાર્થોની હેરફેર કરનારને પકડી લેશે. પોલીસ દ્વારા ઠેર-ઠેર પોલીસ બ્રેથ એનેલાઈઝરની મદદથી નશાખોરોને પકડવા માટેના પ્રયાસો કરશે. કોઈ ડ્રગ્‍સનું સેવન કરી નીકળે તો તેને પકડવા માટે પણ પોલીસ એનડીપીએસ કીટનો ઉપયોગ કરી કાર્યવાહી કરશે.  ચાર ડીસીપીને બંદોબસ્‍ત સોંપવામાં આવ્‍યો છે. તમામ ડીસીપીના માર્ગદર્શન હેઠળ બીજા અધિકારીઓ અને તેમની ટીમો ફરજ બજાવશે.શહેરના મુખ્‍ય માર્ગો પર શહેરીજનો ઉજવણી કરવા નીકળી પડતાં હોય છે. પરિવાર, મિત્રો સાથે ઉજવણી માટે નીકળતાં નિર્દોષ લોકોને કોઇ લુખ્‍ખા નશાખોરો હેરાન પરેશાન ન કરે તે માટે પોલીસ ખાસ નજર રાખશે. ખેલ કરનારાઓની ખેર નહિ રહે તેવી ચેતવણી પોલીસે આપી છે. સાથે સાથે ટ્રાફિક જામના દ્રશ્‍યો ખડા ન થાય તે માટે ડીસીપી ટ્રાફિક, એસીપી ટ્રાફિકની રાહબરીમાં ટીમો ખાસ વ્‍યવસ્‍થા જાળવશે. રાત્રે અલગ અલગ સ્‍થળે યોજાનારી ડાન્‍સ ડીનર ડીજેની પાર્ટીઓમાં પોલીસ ઓચીંતા ચેકીંગ માટે પહોંચશે. નિયમોના પાલન કરનાર આયોજકોને જ મંજુરી અપાઇ છે. જેને મંજુરી નહિ હોય છતાં આયોજન કર્યુ હશે તો તે બંધ કરાવી કાર્યવાહી કરાશે. ડીસીપી જગદીશ બાંગરવાએ કહ્યું હતું કે ડાન્‍સ ડીજે પાર્ટીની દસ અરજીઓ થઇ હતી. તેમાંથી નવ અરજી જે તે પોલીસ સ્‍ટેશનમાંથી પ્રોસીઝર થઇને લાયસન્‍સ બ્રાંચમાં પરત આવી છે. નિયમો અનુસાર આ આયોજકોને મંજુરી અપાશે. જેને મંજુરી નહિ મળે તે આયોજન કરી શકશે નહિ. લાઉડ સ્‍પીકર રાતે દસ સુધી જ વગાડવાનું રહેશે. દસ વાગ્‍યા પછી લાઉડ સ્‍પીકર વગર ઉજવણી કરવાની છુટ છે.

(4:32 PM IST)