<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

પોલીસના નામે આંતરી યુવાન અને મંગેતરના તેની જ કારમાં અપહરણઃ ઝાડીમાં લઇ જઇ ફટકાર્યાઃ બદઇરાદામાં સફળ ન થતાં રોકડ પડાવી

રાજકોટમાં ૩૧મીની રાતે એક વાગ્‍યે અવધ રોડ પર ટીજીબી સર્કલ નજીક બની ખળભળાટ મચાવતી ઘટનાઃ પોલીસ તપાસનો ધમધમાટ :હાલમાં જ જેનું સગપણ થયું છે એ નાના મવા રોડ વિસ્‍તારનો ૨૫ વર્ષનો યુવાન અને મંગેતર થર્ટી ફર્સ્‍ટ પાર્ટીમાંથી કારમાં ઘરે જવા નીકળ્‍યા ત્‍યારે બીજી કારમાં આવેલા ૪ નશાખોરોએ આંતર્યાઃ પોલીસના નામે રોફ જમાવી યુવાનને બહાર નીકળી જવા કહ્યું: પણ તે ન નીકળતાં ખેંચીને પાછળ બેસાડી દેવાયોઃ બે જણા તેની સાથે બેસી ગયા, ત્રીજાએ કાર હંકારીઃ અવાવરૂ જગ્‍યાએ લઇ ગયાઃ ફરી યુવાનને બહાર કાઢવા બેફામ મારકુટ કરીઃ પણ તે નીકળ્‍યોઃ તેની મંગેતરને પણ મારકુટઃ ઘરેથી આધારકાર્ડ મંગાવવાનું કહેતાં પરિવારજનને ફોન જતાં શંકા ઉપજીઃ લોકેશન શોધી પરિવારજનો ત્‍યાંજવા નીકળ્‍યાઃ ચારેય ભાગી ગયાઃ બદઇરાદો બર ન આવ્‍યોઃ એક મુસ્‍લિમ શખ્‍સ હોવાની શક્‍યતાઃ પોલીસને જાણ કરાતાં તપાસનો ધમધમાટ

 

રાજકોટ તા. ૧: શહેરમાં ૩૧મી ડિસેમ્‍બરની શાંતિપુર્વક ઉજવણી થાય અને કાયદો વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતી જળવાઇ રહે તે માટે પોલીસે ઠેકઠેકાણે ચાંપતો બંદોબસ્‍ત ગોઠવ્‍યો હતો. જો કે આ વચ્‍ચે પણ  ખળભળાટ મચાવતી ઘટના શહેરની ભાગોળે બની ગઇ છે. પોલીસ સુધી આ અંગેની વિગતો પહોંચતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્‍યો છે. નાના મવા રોડ વિસ્‍તારમાં રહેતો આશરે ૨૫ વર્ષનો યુવાન કે જેની હાલમાં જ સગાઇ નક્કી થઇ છે તે પોતાની મંગેતરને લઇને ગત રાતે કાર મારફત ટીજીબી તરફ થર્ટી ફર્સ્‍ટ ઇવેન્‍ટમાં ગયો હતો. બંને રાતે એકાદ વાગ્‍યે ત્‍યાંથી ઘરે જવા નીકળ્‍યા ત્‍યારે સર્કલ નજીક તેની કારને અન્‍ય કારમાં આવેલા ચાર શખ્‍સોએ આંતરી પોલીસ તરીકે ઓળખ આપી હતી. બાદમાં તેની જ કારમાં બંનેને અપહરણ કરી નજીકની અવાવરૂ જગ્‍યાએ લઇ જઇ યુવાનને નીચે ઉતરી જવાનું કહી બેફામ મારકુટ કરી હતી. જો કે યુવાન નીચે ન ઉતરતા આ નશાખોરોનો ઇરાદો બર આવ્‍યો નહોતો. દરમિયાન આધારકાર્ડ માટે યુવાને પરિવારજનને ફોન કરતાં સ્‍વજનને શંકા જતાં લોકેશનને આધારે પગેરૂ દબાવતાં છેલ્લે ચારેય લુખ્‍ખાઓ રોકડ પડાવી ભાગી ગયા હતાં.

ચોંકાવનારી આ ઘટનાની ભોગ બનનાર યુવાનના જ સ્‍વજને વિગતો આપતાં કહ્યું હતું કે અમારા પરિવારના ૨૫ વર્ષના દિકરાનું થોડા સમય પહેલા જ સગપણ થયું છે. ગઇકાલે એકત્રીસમી ડિસેમ્‍બર હોઇ દિકરો તેની મંગેતરને લઇને કારમાં ટીજીબી પાસે થર્ટી ફર્સ્‍ટના ફંકશનમાં ગયો હતો. બંને રાતે એકાદ વાગ્‍યે ત્‍યાંથી ઘરે આવવા નીકળ્‍યા ત્‍યારે ટીજીબી સર્કલ નજીક બીજી એક કાર આવી હતી અને અમારા દિકરાની કારને આંતરી હતી. સામેની કારમાં ચાર જણા હતાં. તેણે પોતે પોલીસ છે તેમ કહી કાર ચેક કરવાના બહાને અમારા દિકરાને બહાર નીકળી જવાનું કહ્યું હતું. પણ તેને શંકા જતાં તે ન ઉતરતાં ખેંચીને બહાર કાઢી પાછળની સીટમાં બેસાડી દીધો હતો અને તેની સાથે બીજા બે બેસી ગયા હતાં. કાર અજાણ્‍યાએ ચલાવી હતી.

એ પછી બંને કારને ટીજીબી નજીક જ અવાવરૂ સ્‍થળે લઇ જવાઇ હતી. જ્‍યાં બંને કાર ઉભી રાખી ફરીથી લુખ્‍ખાઓએ અમારા દિકરાને નીચે ઉતરી જવાનું કહેતાં તે ન ઉતરતાં અને દરવાજો લોક કરી દેતાં આ લુખ્‍ખાઓએ તેને કારની અંદર જ બેફામ મારકુટ ચાલુ કરી હતી. મંગેતર વચ્‍ચે પડતાં તેને પણ માર મારી લીધો હતો. આ પછી ચારેયએ ઓળખ માટે આધાર કાર્ડ આપવાનું કહેતાં તેણે આધારકાર્ડ ભેગા ન હોઇ ઘરેથી મંગાવવાનું કહેતાં અમારા દિકરાએ ફોન કરી પોલીસે રોક્‍યા છે અને આધારકાર્ડ માંગે છે તેમ કહેતાં અમે લોકેશન જાણી લીધુ હતું. પોલીસ આ રીતે આધારકાર્ડ ન માંગે નક્કી કંઇક બીજુ છે એવી શંકા ઉપજતાં અમે લોકેશન તરફ જવા નીકળી ગયા હતાં.

અમારા દિકરા અને તેની મંગેતરના ફોન પણ પડાવી લેવાયા હતાં. બીજી તરફ આ ચારેય લુખ્‍ખાઓનો ઇરાદો કંઇક જુદો જ હોય તેમ તે અમારા દિકરાને કારમાંથી બહાર જવાનું કહેતાં અને માર મારતાં હતા અને તેની મંગેતરને અંદર જ રહેવાનું કહેતાં હતાં. પણ અમારો દિકરો સતત માર પડતો હોવા છતાં બહાર નીકળ્‍યો નહોતો. એ દરમિયાન તેણે ફરીથી પરિવાર સાથે વાત કરી આ લોકો પોલીસ જેવા લાગતાં નથી તેમ કહેતાં પરિવારજને અમે પહોંચવા જ આવ્‍યા છીએ તેમ જણાવતાં ચારેય લુખ્‍ખા પોતાના બદઇરાદામા સફળ ન થતાં ૧૭૦૦ રૂપિયાની રોકડ પડાવી ભાગી ગયા હતાં.

બીજી તરફ પરિવારજનો પણ લોકેશન તરફ પહોંચવા આવ્‍યા હોઇ પોલીસ રસ્‍તામાં મળતાં પોલીસને પણ જાણ કરી હતી. પોલીસે આ સમગ્ર ઘટનામાં ભોગ બનનાર પાસેથી વિગતો મેળવી રાતોરાત લુખ્‍ખાઓને શોધી કાઢવા દોડધામ કરી હતી. વહેલી સવાર સુધીમાં ચારેયની ઓળખ થઇ ગઇ હતી અને હાથવગા કરી લેવા તજવીજ શરૂ થઇ હતી. જેમાં એક મુસ્‍લિમ હોવાની ચર્ચા છે. આ ઘટનામાં પોલીસ હવે કાયદેસરની કાર્યવાહી કરી લુખ્‍ખાઓની ખો ભુલાવી દે તેવી ભોગ બનનાર અને પરિવારજનો માંગણી કરી રહ્યા છે. આ ઘટનાએ શહેરભરમાં ચકચાર જગાવી દીધી છે.

(12:14 PM IST)