News of Wednesday, 1st January 2025
ખુશીની પળો તસ્વીરમાં સિમીત થઇ ગઇઃ ‘મારી દિકરીઓ પપ્પા પપ્પા કરે છે, શું જવાબ આપવો? હત્યારાને હસમુખને ફાંસીની સજા અપાવો': ગાયત્રીબેનનું કરૂણ આક્રંદ
મિત્ર હર્ષદ ઉર્ફ હસમુખના હાથે હત્યાનો ભોગ બનનાર સંદિપગીરીના પત્નિ અને બે પુત્રી નોધારા થઇ ગયા :અયોધ્યામાં કેટરીંગના ધંધાની લાલચ આપી લઇ જવાયા બાદ મિત્ર હસમુખ ધાનજા મિત્ર સંદિપગીરીને મોટા મહિકા લઇ ગયો અને કાવત્રાના ભાગરૂપે હત્યા કરી લાશ સળગાવી પોતે મરી ગયો છે તેવો પ્લોટ ઉભો કર્યો હતોઃ હત્યારાને શોધવા રાજકોટ રૂરલ પોલીસની ટીમોની સતત દોડધામઃ નાગેશ્વર શાંતિનગરમાં વીસ વર્ષથી રહેતાં સંદીપગીરી મુળ સિક્કાના મુંગણીના વતની હતાં

રાજકોટ તા. ૧: ‘મિત્રના નામે દગાખોરી કરનારા એ હસમુખને તાત્કાલીક પકડો અને ફાંસીની સજા અપાવો, એણે અમારા પરિવારને નોધારો કરી નાંખ્યો છે, મારી દિકરીઓ પપ્પા-પપ્પા કરે છે, મારે એને શું જવાબ આપવો? મારા પતિએ જ હસમુખ-હર્ષદને અમારા નાગેશ્વર વિસ્તારમાં જ ભાડાનું મકાન શોધી આપી મદદ કરી હતી, અયોધ્યામાં કેટરીંગના કામમાં ખુબ નફો થશે તેમ કહીને તે મારા પતિને લઇ ગયો હતો પછી તેની હત્યા કરી હતી, તેને તાત્કાલીક પકડીને અમારા પરિવારને ન્યાય અપાવો'...આ શબ્દો છે હત્યાનો ભોગ બનેલા સંદિપગીરી અમૃતગીરી ગોસ્વામીના પત્નિ ગાયત્રીબેન ગોસ્વામીના. નાગેશ્વરના જ અયોધ્યા પાર્કમાં ભાડેથી રહેતાં હસમુખ ઉર્ફ હર્ષદ મુળશંકર ધાનજાએ વિમો પકવવાના કાવત્રા કે અન્ય કાવત્રાના ભાગ રૂપે સગીરની મદદ લઇ પોતે મરી ગયો છે એવુ સાબિત કરવા પોતાના જ નિર્દોષ મિત્ર સંદિપગીરીને ગોંડલના મોટા મહિકા લઇ જઇ હત્યા કરી લાશ સળગાવી દીધાની ઘટનામાં પોલીસ આ હત્યારા હસમુખને શોધી કાઢવા ટીમો બનાવી દોડધામ કરી રહી છે.
સસ્પેન્સ થ્રીલર ફિલ્મ જેવી સત્ય ઘટનામાં ગોંડલ તાલુકા પોલીસે હત્યાનો ભોગ બનેલા સંદિપગીરી ગોસ્વામીના પત્નિ ગાયત્રીબેન ગોસ્વામી (ઉ.વ.૩૯-રહે. નાગેશ્વર શાંતિનગર-૧, ભવન બી-વીંગ ૪૦૨)ની ફરિયાદ પરથી સંદિપગીરીના જ મિત્ર હસમુખ ઉર્ફ હર્ષદ ધાનજા અને એક સગીર વિરૂધ્ધ ગુનો નોંધી સગીરને પકડી ભાગી ગયેલા હસમુખની શોધ આદરી છે. પતિ સંદિપગીરીની હત્યાથી નોધારા થઇ ગયેલા ગાયત્રીબેન ગોસ્વામીએ આક્રંદ સાથે જણાવ્યું હતું કે-મારા પતિનો વાંક શું હતો, એણે મિત્રતામાં વિશ્વાસ રાખ્યો અને મિત્રએ જ આવો દગો કર્યો. હત્યારા હસમુખને તાત્કાલીક પકડી અમને ન્યાય અપાવો અને એને ફાંસીએ લટકાવી દો એવી અમારી માંગણી છે.
ગાયત્રીબેને વધુમાં કહ્યું કે મારી દિકરીઓ જે આઠ અને ઓગણસી વર્ષની છે તે પપ્પા-પપ્પા કરે છે, પણ હું હવે શું કરી શકું? હસમુખ ઉર્ફ હર્ષદ સાથે મારા પતિને પાંચ છ મહિના પહેલા જ દોસ્તી થઇ હતી. તેને અમારા વિસ્તારમાં ભાડાનું મકાન પણ મારા પતિએ જ શોધી આપ્યુ઼ હતું. મારા પતિએ મને વાત કરી હતી કે તેના મિત્ર હસમુખ ઉર્ફ હર્ષદ તેને અયોધ્યા લઇ જઇ કેટરીંગના કામમાં લગાડવાના છે અને તેમાં ખુબ નફો મળશે. જો કે પતિ હત્યાના આગલા દિવસે ઘરેથી ગયા અને છેલ્લે મેં તેની સાથે વાત કરી ત્યારે તેણે પોતે મિત્ર સાથે મુંબઇ જતાં હોવાનું કહ્યું હતું. છેલ્લે તેના મિત્ર હસમુખે ફોન ઉપાડી હવે તમારો પતિ પાછો નહિ આવે તેમ કહી ફોન બંધ કરી દીધો હતો. હત્યારો ભાગી ગયો હોઇ તેને પોલીસ તાત્કાલીક પકડે અને તેના વોન્ટેડના પોસ્ટર પોલીસ ઠેકઠેકાણે લગાડે તેવી પણ અમારી માંગણી છે.
કરૂણતા એ છે કે મિત્રના હાથે મોત પામનાર સંદિપગીરી ત્રણ બહેનના એકના એક ભાઇ હતાં અને તેના વૃધ્ધ માતા-પિતાનો તે એક જ આધાર હતાં. મુળ વતન સિક્કાના મુંગણી ગામે તેના માતા-પિતા રહે છે. સંદિપગીરી વર્ષોથી રાજકોટ પત્નિ, દિકરીઓ સાથે રહેતાં હતાં. ઉલ્લેખનીય છે કે હત્યાના આરોપી હસમુખ ઉર્ફ હર્ષદ વ્યાસને શોધવા ઇન્ચાર્જ રૂરલ એસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ રૂરલ એલસીબીના પીઆઇ વિજય ઓડેદરા તથા ગોંડલ તાલુકાના પીઆઇ જે.પી.રાવ સહીતની ટીમે અલગ-અલગ ટીમો બનાવી દોડધામ કરી રહી છે. હસમુખ ઝડપથી પકડાઇ જવાની આશા છે. તસ્વીરમાં સંદિપગીરી ગોસ્વામીની તેના પત્નિ ગાયત્રીબેન અને બે દિકરીઓ સાથેની હસીખુશીની પળો નિહાળી શકાય છે...જો કે આ ખુશીની પળો હવે માત્ર તસ્વીરમાં સિમીત બનીને રહી ગઇ છે.

આરોપી હસમુખ વ્યાસ
(12:20 PM IST)










