<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

અટલ સરોવરમાં રજવાડી ગ્રુપના આયોજક સહિત ત્રણ સામે અવાજનું પ્રદુષણ ફેલાવવાનો ગુનો નોંધાયો

મોડી રાતે માઇકનો તિવ્ર અવાજ રાખી ૩૧મી ડિસેમ્‍બરની ઉજવણી ચાલુ રખાઇ હતીઃ યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૧: શહેરમાં ૩૧મી ડિસેમ્‍બરની ઉજવણી માટે નવ સ્‍થળે ડાન્‍સ ડીજે ડીનર પાર્ટીના આયોજન થયા હતાં. જો કે એક આયોજકને પ્રોસીઝર માટે કાગળો પુરા ન કરતાં મંજુરી અપાઇ નહોતી. બીજી તરફ પોલીસે સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન મુજબ કાર્યવાહી કરી હતી. અટલ સરોવર ખાતે રજવાડી ગ્રુપ

શહેરના નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર અટલ સરોવરની અંદર રજાડી ગ્રુપ દ્વારા ૩૧મી ડિસેમ્‍બરની ઉજવણી અંતર્ગત ડાન્‍સ-ડીજે પાર્ટીનું આયોજન કરાયું હોઇ તેમા઼ રાતે પોણા અગિયારેક વાગ્‍યે ખુબ મોટા અવાજે માકઇ વગાડવામાં આવતાં હોઇ પોલીસે ત્રાટકી આયોજક સહિત ત્રણ જણા સામે અવાજનું પ્રદુષણ ફેલાવવા મામલે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

આ બારામાં યુનિવર્સિટી પોલીસે એએસઆઇ જગમાલભાઇ એન. ખટાણાની ફરિયાદ પરથી હાર્દિકસિંહ દિલીપસિંહ રાઠોડ (ઉ.વ.૨૮-ધંધો એલીવેટર, રહે. રૈયા રોડ શીવપરા-૭), મનિષ નરસીભાઇ ચાવડા (ઉ.વ.૩૯-ધંધો મેનેજમેન્‍ટ, રહે. ગવર્નમેન્‍ટ ક્‍વાર્ટર-૮૪, કાલાવડ રોડ) તથા પારસ સુરેશભાઇ જોષી (ઉ.વ.૪૨-ધંધો સાઉન્‍ડ ઓપરેટર) વિરૂધ્‍ધ બીએનએસની કલમ ૨૨૩ મુજબ ગુનો નોંધ્‍યો હતો. પીઆઇ એચ. એન. પટેલ, એએસઆઇ જગમાલભાઇ ખટાણા, કોન્‍સ. વનરાજભાઇ લાવડીયા, દિવ્‍યરાજસિંહ જાડેજા રાતે ૩૧મી ડિસેમ્‍બર અંતર્ગત પેટ્રોલીંગમાં હતાં ત્‍યારે અટલ સરોવર નજીક પહોંચતા અંદરથી માઇકનો તીવ્ર અવાજ આવતો હોઇ તપાસ કરતાં રજવાડી ગ્રુપ દ્વારા ૩૧મી ડિસેમ્‍બરની ઇવેન્‍ટનું આયોજન કરાયાનું જણાયું હતું. રાતના દસથી સવારના છ સુધી માઇક ન વગાડવાનું પોલીસ કમિશનરનું જાહેરનામુ હોવા છતાં અહિ આયોજકો રાતે અગિયાર વાગ્‍યે મોટા અવાજે લાઉડ સ્‍પીકર વગાડી અવાજનું પ્રદુષણ ફેલાવવામાં આવતું હોઇ આયોજક હાર્દિકસિંહ અને મેનેજમેન્‍ટનું કામ સંભાળતા મનિષ તથા સાઉન્‍ડ ઓપરેટર સામે ગુનો નોંધી સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન મુજબ નોટીસ આપી કાર્યવાહી કરવામાં આવી હતી.

(12:54 PM IST)