તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
યુવાનને બહાર મારકુટ થતી'તી ત્યારે એક લુખ્ખાએ કારમાં બેઠેલી તેની મંગેતરની ભયાનક રીતે છેડતી કરી'તી!: ૪ને ઝડપી ખો ભુલાવી દેવાઇ
લુખ્ખાએ યુવતિને-તું આવા છોકરા ભેગી શું ફરે છે, એ શું તારુ પ્રોટેક્શન કરી શકે? તું મારા ભેગી આવ તેમ કહી કિસ કરવા, બથ ભરવા પ્રયાસ કર્યોઃ આવુ અડધો પોણો કલાક સુધી કર્યુઃ યુવાને મંગેતરની આ વાત સાંભળી પોલીસને જાણ કરીઃ પોલીસે કલાકોમાં ચારેયને દબોચી લીધા :અવધના ઢાળ પાસેથી યુવાન અને મંગેતરને પોલીસની ઓળખ આપી અપહરણ કરી અવાવરૂ સ્થળે લઇ જઇ માર મારી રોકડ લૂંટી, વધુ ખંડણી પડાવવા ઘરે ફોન કરવા કહ્યું: યુવાને પિતા સાથે વાત કરી આધાર કાર્ડ અને પૈસા લઇ અવધ રોડેથી પોતાને છોડાવી જવા કહ્યું: પરિવારજનો રવાના થયા એ દરમિયાન ચારેય પકડાઇ જવાની બીકે ભાગી ગયા હતાં : ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇની રાહબરીમાં યુનિવર્સિટી પીઆઇ એચ. એન. પટેલ અને ટીમે ચારેય આરોપીઓને કલાકોમાં શોધી કાઢયા

રાજકોટ તા. ૨: નાના મવા રોડ વિસતારમાં રહેતો ચોવીસ વર્ષનો યુવાન ૩૧મીની રાતે પોતાની ફિયાન્સી (મંગેતર)ને લઇ કારમાં કાલાવડ રોડ પર જમવા અને બાદમાં અવધ રોડ પર સીઝન્સમાં આઇસ્ક્રીમ ખાવા ગયો અને ત્યાંથી પરત ઘરે જવા નીકળ્યો ત્યારે સીઝન્સ નજીક સર્કલ પાસે કાર ઉભી રાખી મંગેતર સાથે વાત કરતો હતો ત્યારે વરના કારમાં આવેલા ચાર શખ્સોએ પોલીસની ઓળખ આપી બાદમાં તેની જ કારમાં યુવાન અને મંગેતરનું અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઇ જઇ માર મારી, રોકડા ૧૭૦૦ લૂટી લઇ વધુ પૈસા ઘરેથી મંગાવવાનું કહી એકાદ કલાક ભય સર્જી દીધો હતો. યુવાનને તેની કારમાંથી બહાર ખેંચી મારકુટ કરી એ દરમિયાન એક શખ્સ કારમાં જ હોય તેણે તેની મંગેતરને ‘તું આવા છોકાર ભેગી શું ફરે છે, એ તારુ શું પ્રોટક્શન કરી શકે, મારા ભોગી આવ' કહી તેણીને કિશ કરવાની, બથ ભરવાની કોશિષ કરી છેડતી કરી હતી. આવુ અડધો-પોણો કલાક સુધી તેણે કર્યુ હતું! ચારેય લુખ્ખાઓને પોલીસે પકડી કાયદાનું ભાન કરાવ્યું છે. જેમાં બે સગા ભાઇઓ છે.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ભોગ બનનાર ૨૪ વર્ષના યુવાનની ફરિયાદ પરથી બીએનએસની કલમ ૨૦૪, ૧૪૦ (૩), ૭૫, ૧૨૭ (૨), ૩૦૯ (૬), ૩૦૮ (૫), ૩૫૧ (૩), ૧૧૫ (૨), ૩ (૫), ૧૧૯ (૧) મુજબ પોલીસની ખોટી ઓળખ આપી ફરિયાદી યુવાન અને તેની મંગેતરનું અપહરણ કરી મંગેતરની છેડતી કરી તેમજ બંનેને મારકુટ કરી રોકડની લૂટ ચલાવી તેમજ આ યુવાનના પિતાને ફોન કરાવી ખંડણી રૂપે વધુ પૈસાની માંગણી કરવાનો ગુનો નોંધ્યો છે. યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એચ. એન. પટેલ અને ટીમે આ ગુનામાં ચારેય ગુનેગારોને સાણસામાં લઇ લીધા છે. ખુદ ડીસીપી જગદીશ બાંગરવા અને એસીપી રાધિકા ભારાઇએ ચારેયની આગવી ઢબે પુછતાછ કરી હતી. ચાર પૈકી ત્રણ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. યુવાન અને મંગેતર જ્યારે નીકળ્યા ત્યારે રસ્તો સુમસામ હોઇ ચારેય લુખ્ખા ટીજીબી સર્કલે બેઠા હોઇ તેણે મલીન ઇરાદા સાથે જ કાવત્રુ ઘડી કારનો પીછો કરી ગુનાને અંજામ આપ્યાનું કબુલ્યું હતું.
જે ચાર આરોપી પકડાયા છે તેના નામ વિપુલ લાભુભાઇ મેતા (ઉ.વ.૩૪-રહે. પરિશ્રમ સોસાયટીની બાજુમાં ઇસ્કોન મંદિર પાસે વાજડી), અલ્પેશ ઉર્ફ અપુડો ઉર્ફ અપ્પુ નરેશભાઇ મકવાણા (ઉ.વ.૨૭-રહે. અવધનો ઢાળા આંબેડકરનગર આવાસ ક્વાર્ટર), પરિમલ ત્રિભુવનભાઇ સોલંકી (ઉ.વ.૨૨-રહે. અવધના ઢાળ પાસે આવાસ ક્વાર્ટર) અને તેના ભાઇ વિજય ઉર્ફ ત્રિભુવનભાઇ સોલંકી (ઉ.વ.૨૧-રહે. અવધના ઢાળ પાસે આવાસ ક્વાર્ટર)ને દબોચી લઇ કાર કબ્જે કરી છે. ચારેયની ઓળખ પરેડ કરાવવા તજવીજ કરવામા આવી છે. પોલીસે ચારેયની ખો ભુલાવી દીધી હતી.
યુવાને પોતાની એફઆઇઆરમાં જણાવ્યું છે કે હું બાંધકામનો વ્યવસાય કરુ છું અને નાના મવા રોડ પર રહુ છું. મારી સગાઇ તાજેતરમાં થઇ છે. ૩૧મી ડિસેમ્બરની રાતે હું અને મારી ફિયાન્સી (મંગેતર) મારી વરના કાર લઇને સાંજે સાડા સાતેક વાગ્યે કાલાવડ રોડ પર જમવા ગયા હતાં. એ પછી હરિપરના પાટીયે બીજી હોટલે ગયા હતાં. ત્યાંથી અવધ રોડ પર સીઝન્સ ખાતે આઇસ્ક્રીમ ખાવા ગયા હતાં. પરંતુ ત્યાં ટ્રાફિક વધુ હોઇ અમે નકળી ગયા હતાં. હું ડ્રાઇવીંગ કરતો હતો અને ફિયાન્સી બાજુમાં બેઠી હતી. સીઝન્સ હોટેલની બહાર નીકળી સર્કલ પાસે પહોંચી અમારી ગાડી ઉભી રાખી અમે વાતો કરતાં હતાં.
આ વખતે અચાનક પાછળથી સફેદ વરના કાર આવી હતી, તેના ચાલકે અમારી કારની આગળ તેની કાર રાખી દેતાં હું મારી કાર આગળ લઇ શક્યો નહોતો. વરના કારમાંથી એક શખ્સ ઉતરી મારી કારના ડ્રાઇવર સાઇડના દરવાજે આવ્યો હતો અને સીધી જ મારી કારની ચાવી કાઢી લીધી હતી. બીજો એક શખ્સ પણ આવ્યો હતો. આ શખ્સે ‘તમે અહિયા શું કરો છો, ગાડીમાં મુંજકા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પોલીસ છે, બહાર આવીને સાહેબ સાથે વાત કરી લો' તેમ કહેતાં હું બહાર નીકળ્યો નહોતો. આથી અજાણ્યા શખ્સે મારી સાથે ઝપાઝપી કરી હતી. મેં મારી ગાડીની ચાવી ખુંચવવા પ્રયાસ કરતાં ઝપાઝપી થઇ હતી. પરંતુ બાદમાં મારી ગાડીમાં પાછળની સીટમાં બે જણા બેસી ગયા હતાં અને મને ચાવી આપી ગાડી ચલાવવાનું કહેતાં મેં ગાડી ચલાવી હતી.
કાર સીઝન્સ હોટેલથી કાલાવડ રોડ તરફ જતાં રસ્તે પહોંચતા એ શખ્સોની વરના ગાડી આગળ ડાબી તરફ કાચા રસ્તે વળી હતી. આગળ ઉભી રહી હતી. ત્યારે તેની કારના નંબર મેં જોતા તે જીજે૦૩ઇસી-૫૫૩૭ હતાં. પાછળ બેઠેલા શખસે મને ગાડી રોકવાનુ઼ કહેતાં મૈં ગાડી રોકતાં તે બંને ઉતરી ગયા હતાં. મને ફરીથી આગળની ગાડીમાં બેઠેલી પોલીસને મળવાનું કહેતાં હું ઉતર્યો નહોતો. ત્યાં આગળની કારમાંથી એક શખ્સ ટોપી પહેરીને આવ્યો હતો અને કહેલું કે હું પોલીસ છું તું નીચે ઉતરત, હું ન ઉતરતાં મને પકડીને ઉતારી દીધો હતો અને પાછળ બેસાડી દીધો હતો. અજાણ્યો શખ્સ મારી કાર ચલાવવા માંડયો હતો.
આગળ કારને અવાવરૂ જેવી જગ્યાએ પ્લોટમાં લઇ જઇ ઉભી રાખી દેવાઇ હતી. એ પછી ફરીથી એક શખ્સે કહેલુ કે-હું પોલીસ છું, તમારા બંનેના નામ આપો, આધારકાર્ડ આપો. આથી મેં આધારકાર્ડ ભેગા ન હોય હું ઘરે ફોન કરીને કાર્ડ મંગાવી લઉ તેમ કહી મેં મારો ફોન કાઢતાં મારો અને મારી ફિયાન્સીનો ફોન આ શખસોએ આંચકી લીધો હતો. ત્યારબાદ મને પકડીને બહાર કાઢી લીધો હતો અને જે પૈસા હોય તે આપી ેવા કહેતાં મેં પર્સ આપી દીધુ હતું જેમાં ૧૭૦૦ રૂપિયા હતાં. આ વખતે બાકીના ત્રણ શખ્સો મને ઘેરીને ઉભા હતાં. ત્યારબાદ જેકેટ પહરેલા શખ્સે આટલા પૈસા નહિ ચાલે, વધુ પૈસા મંગાવ નહિતર છરી મારી દઇશું...તેમ કહી મને મારકુટ કરવામ ાંડયા હતાં. ચારેયએ મને લાત-મુકા, લાફા માર્યા હતાં. એક શખ્સ મારતો મારતો પૈસા માટે દબાણ કરતો હતો.
બાદમાં મને એક વ્યક્તિએ ફોન પાછો આપતાં તે ફોન મારી ફિયાન્સીનો હોઇ મેં તેમાંથી મારા પિતાને ફોન કરી આધાર કાર્ડ અને પૈસા લઇ અમને છોડાવવા અવધ રોડ પર આવો તેમ કહ્યું હતું. આ વખતે પણ આ શખ્સોએ અમને મારકુટ ચાલુ રાખી હતી. ગાળો પણ ભાંડી હતી. સતત એક કલાક સુધી આ બધુ ચાલ્યું હતું. આ બધુ ચાલતુ હતું ત્યારે એક શખ્સ મારી ગાડીમાં બેસી રહ્યો હતો, બાકીના ત્રણે મારકુટ ચાલુ રાખી હતી. થોડીવાર પછી આ લોકોએ મારો ફોન પણ પાછો આપી દીધો હતો. તેમાંથી હું સતત મારા પિતા સાથે વાત કરતો હતો. આ દરમિયાન એક શખ્સ કે જેને તેના સાગરીતો મસ્તાન કહીને બોલાવતાં હતાં તેણે મારો ચાલુ ફોન ઝુંટવી મારા પિતાને કહેલુ કે-તમે પૈસા લઇને એજી ચોકમાં આવો, આ બંનેને અમે ત્યાં લઇને આવીએ છીએ. તેમ કહી ફોન કાપી નાખ્યો હતો અને ફરીથી ફોન આંચકી લીધો હતો અને અમને બંનેને ગાડીમાં બેસાડી દીધા હતાં. ત્યારબાદ દરવાજેથી એક શખ્સે મારી ફિયાન્સીને મોઢા પર મુક્કો મારી દીધો હતો અને મને ચાર પાંચ લાફા મારી લીધા હતાં. આ પછી અમારા ફોન સ્વીચ ઓફ કરી અમારી જ ગાડીમાં ફેંકી આ ચારેય ભાગી ગયા હતાં.
અમે બંને ગભરાઇ ગયા હોઇ ત્યાંથી નીકળી કાલાવડ રોડ કોસ્મોપ્લેક્સ પાસે પહોંચી ડેકીમાંથી ફોન કાઢી ચાલુ કરી મારા પિતાને ફોન કરી જડ્ડુસ પાસે બોલાવ્યા હતાં. અમે જે તે વખતે પોલીસ ફરિયાદ કરી નહોતી. પણ બાદમાં બપોર પછી મારી ફિયાન્સીએ મને કહેલુ કે એક શખ્સે મારી છેડતી કરી હતી અને મારા ફોન નંબર માંગ્યા હતાં. તેમજ પગ પર અડપલા કરી હાથ પકડી બથ ભરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મેં તેનો પ્રતિકાર કર્યો હતો. તેમજ એક શખ્સે એવુ પણ કહેલુ કે-આવા છોકરા સાથે તું શું ફરે છે? આ શું તારુ પ્રોટક્શન કરશે, તું મારા ભેગી ચાલ. આવુ મારી સાથે અડધો કલાક સુધી તેણે કર્યુ હતું અને હું ખુબ ગભરાઇ ગઇ હતી. ફિયાન્સીએ આ વાત કરતાં અમે પોલીસ ફરિયાદ કરી હતી. તેમ વધુમાં યુવાને કહ્યું હતું.
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની રાહબરીમાં ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇના માર્ગદર્શનમાં પીઆઇ એચ. એન. પટેલ અને ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી ચાર આરોપીઓને દબોચી લીધા હતાં. ચારેયને બરાબરનું કાયદાનું ભાન કરાવાયું હતું. પીઆઇ એચ. એન. પટેલ, એએસઆઇ જગમાલભાઇ ખટાણા, હેડકોનસ. મહિપાલસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, વિજુભા જાડેજા, મનોજભાઇ મકવાણા, કોન્સ. વનરાજભાઇ લાવડીયા, ગોપાલસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, રાહુલભાઇ રાઠોડ અને કોન. ટમુબેન ગોજીયાએ આ કામગીરી કરી હતી. ઝડપાયેલા ચારેયની ઓળખ પરેડ કરાવી વિશેષ પુછતાછ માટે રિમાન્ડની તજવીજ થશે.
ચાર આરોપીઓમાં બે સગા ભાઇઓઃ ચારેય જણા ધરાવે છે ગુનાહિત ઇતિહાસઃ વિજય મેતા અગાઉ હત્યા, અપહરણમાં સામેલઃ પરિમલની બળાત્કાર સહિત
૭ ગુનામાં, તેના ભાઇ વિજયની ઉર્ફ કાળીયાની પણ ૭ ગુનામાં સંડોવણીઃ અલ્પેશ ઉર્ફ અપ્પુ વિરૂધ્ધ ૧૦ ગુનાઃ છ મહિના પહેલા પાસામાં પણ ધકેલાયો હતો
રાજકોટઃ પોલીસે જે ચાર આરોપી પકડયા છે તેમાં વિપુલ લાભુભાઇ મેતા (ઉ.વ.૩૪-રહે. પરિશ્રમ સોસાયટીની બાજુમાં ઇસ્કોન મંદિર પાસે વાજડી), અલ્પેશ ઉર્ફ અપુડો ઉર્ફ અપ્પુ નરેશભાઇ મકવાણા (ઉ.વ.૨૭-રહે. અવધનો ઢાળા આંબેડકરનગર આવાસ ક્વાર્ટર), પરિમલ ત્રિભુવનભાઇ સોલંકી (ઉ.વ.૨૨-રહે. અવધના ઢાળ પાસે આવાસ ક્વાર્ટર) અને તેના ભાઇ વિજય ત્રિભુવનભાઇ સોલંકી (ઉ.વ.૨૧-રહે. અવધના ઢાળ પાસે આવાસ ક્વાર્ટર)નો સમાવેશ થાય છે. પરિમલ અને વિજય સગા ભાઇઓ છે. પરિમલ રિક્ષા હંકારે છે, વિજય કંઇ કામ કરતો નથી. વિપુલ ડ્રાઇવીંગ કરે છે અને અલ્પેશ મજુરી કરે છે.
પીઆઇ એચ. એન. પટેલના જણાવ્યા મુજબ વિપુલ મેતા અગાઉ શહેરના બી-ડિવીઝન પોલીસમાં અપહરણ હત્યાના ગુનામાં ૨૦૧૪માં સંડોવાયો હતો, આ ઉપરાંત ૨૦૧૬માં અપહરણ, તેમજ એ વર્ષે જ બી-ડિવીઝનમાં મારામારી-ધમકીના ગુનામાં પોલીસ ચોપડે ચડયો હતો.
જ્યારે અલ્પેશ ઉર્ફ અપ્પુ વિરૂધ્ધ યુનિવર્સિટી પોલીસ, પ્ર.નગર પોલીસ, તાલુકા પોલીસ, ટંકારા પોલીસ, ગોંડલ સીટી પોલીસ, ગોંડલ તાલુકા પોલીસમાં ચોરી, બળજબરીથી પડાવવું-ધાકધમકી, જાહેરનામા ભંગ, મારામારી-રાયોટ, દારૂ, કાવત્રુ ઘડી તોડફોડ કરવી-ધમકી દેવી, અપહરણ-મારામારી સહિત ૧૦ ગુના અગાઉ નોંધાયા હતાં. તેમજ આ વર્ષના એપ્રિલ મહિનામાં પાસામાં પણ ધકેલાયો હતો.
તેમજ ત્રીજો આરોપી પરિમલ સોલંકી અગાઉ રાજકોટ તાલુકા, પ્ર.નગર, યુનિવર્સિટી પોલીસ, ટંકારા પોલીસમાં દારૂ, મારામારી, ધમકી દઇ બળજબરીથી નાણા પડાવવા, જાહેરનામા ભંગ, બળાત્કાર સહિત ૭ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડયો હતો. જેમાં બળાત્કારનો ગુનો યુનિવર્સિટી પોલીસમાં નોંધાયો હતો.
ચોથો આરોપી વિજય ઉર્ફ કાળીયો એ પરિમલનો સગો ભાઇ છે. તેના વિરૂધ્ધ અગાઉ તાલુકા અને યુનિવર્સિટી પોલીસમાં ચોરી, રાયોટીંગ, જાહેરનામા ભંગના ૭ ગુના નોંધાયા હતાં. આ ચારેયની પોલીસે આગવી ઢબે પુછપરછ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. (૧૪.૭)
(2:29 PM IST)










