તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
દાણાપીઠમાં મસ્જીદના ટ્રસ્ટીએ કાયદો તોડયો, પોલીસે દૂકાનનો કબ્જો પરત અપાવ્યો, સામાન પાછો મુકાવ્યોઃ ૮ની ધરપકડ
વકફ બોર્ડે મસ્જીદની જુના ભાડાની દુકાનો ખાલી કરવા હુકમ કર્યો છે...કહી ઓર્ડર બતાવી માથાકુટ કરી બે દૂકાનના તાળા તોડી સામાન બહાર ફેંકી દેવાયો હતો : કિરણ સોસાયટીના ૭૨ વર્ષના વિરેન્દ્રભાઇ કોટેચાની ફરિયાદઃ એ-ડિવીઝન પોલીસે નવાબ મસ્જીદના ટ્રસ્ટી ફારૂક મુસાણી સહિતના સામે ગુનો દાખલ કર્યો હતોઃ ત્રણભાડુઆત પૈકી બેની દૂકાનના તાળા તોડયા હતાં, ત્રીજાએ જાતે જ સામાન બહાર કાઢી લીધો હતોઃ ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં પીઆઇ આર. વજે. બારોટ અને ટીમે કાર્યવાહી કરી :ટ્રસ્ટી મુસાણીએ કહ્યું-હવે કાયદેસરના નિયમ અનુસાર કાર્યવાહી કરીશુ

રાજકોટ તા. ૨: દાણાપીઠમાં સિત્તેર વર્ષ જુની ભાડાની દુકાનમાં મંડપ સર્વિસ ધરાવતાં ગેલેક્સી સિનેમા પાછળ કિરણ સોસાયટીમાં રહેતાં વેપારીની દુકાન તથા તેની બાજુની ભાડાની દુકાનના તાળા નવાબ મસ્જીદના ટ્રસ્ટી તથા અજાણ્યા ચાર શખ્સોએ તોડી સામાન બહાર મુકી દઇ બાકીનો સામાન જાતે બહાર નહિ કાઢો તો અમે ફેંકી દઇશું તેમ કહી ધમકાવી વકફ બોર્ડે તમને જુના ભાડેથી આપેલી મસ્જીદની આ દુકાનો ખાલી કરવા વકફ બોર્ડે હુકમ કર્યો છે, દુકાનનો કબ્જો તાત્કાલીક અમને સોંપવો પડશે તેમ કહી માથાકુટ કરી વકફ બોર્ડનો કાગળ આપ્યો હતો. કાયદો હાથમાં લઇ આ રીતે દૂકાનોના તાળા તોડી સામાન બહાર ફેંકી દેવાના પડખા ગાંધીનગર ગૃહ વિભાગ સુધી પડયા હતાં. આ મામલે ગુનો નોંધી પોલીસે કડક કાર્યવાહી શરૂ કરતાં જ તાળા તોડનાર ટ્રસ્ટીએ રાતોરાત વેપારીઓને દૂકાનનો કબ્જો પાછો સોંપી દઇ સામાન અંદર મુકાવી દીધો હતો અને કહ્યું હતું કે હવે કાયદા મુજબ કાર્યવાહી કરીશું. બીજી તરફ આ મામલે નોંધાયેલા ગુનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે ગેલેક્સી સિનેમા પાછળ કિરણ સોસાયટી બ્લોક નં. ૧૪-૧૮માં રહેતાં અને દાણાપીઠ મેઇન રોડ પર નવાબ મસ્જીદની બાજુમાં મંડપ સર્વિસની દુકાન ચલાવતાં વિરેન્દ્રભાઇ કલ્યાણજીભાઇ કોટેચા (ઉ.વ.૭૨)ની ફરિયાદ પરથી ફારૂક મુસાણી અને ચાર અજાણ્યા શખ્સો સામે બીએનએસની કલમ ૧૮૯ (૩), ૧૯૦, ૩૨૯ (૩), ૩૫૧ (૨) મુજબ ગુનો નોંધ્યો હતો. વિરેન્દ્રભાઇ કોટેચાએ જણાવ્યું છે કે હું જે મંડપ સર્વિસની દુકાનમાં બેસુ છું તે નવાબ મસ્જીદ ટ્રસ્ટની ભાડાની દૂકાન છે, જેમાં સિત્તેર વર્ષ પહેલા મારા પિતાજીએ ભાડેથી દૂકાન રાખી મંડપ સર્વિસ ચાલુ કર્યુ હતું. હવે પચાસેક વર્ષથી હું આ દુકાને બેસુ છું. મારી બાજુમાં અભિષેકભાઇ મહેશભાઇ આડઠકર અને હસમુખભાઇ ભાઇચંદભાઇ મહેતાની પણ દૂકાન છે.
તેમણે આગળ કહ્યું હતું કે આ બંને દુકાન પણ મસ્જીદ ટ્રસ્ટની છે. તા. ૩૧/૧૨/૨૪ના મંગળવારે સાંજે હું દુકાનની સામે મારા ભત્રીજા કનૈયાલાલ રસિકલાલ કોટેચાની તેલ ખાંડની દુકાનની ઓટલી પર બેઠો હતો ત્યારે ચાર પાંચ માણસો આવ હતાં અને મારી દુકાન તથા હસમુખભાઇ મહેતાની દુકાનના તાળા તોડી અંદર રાખેલો સામાન બહાર મુકવા લાગ્યા હતાં. આથી હું ત્યાં ગયો હતો અને તાળા તોડી સામાન શા માટે બહાર મુકો છો? તેમ પુછતાં એક શખ્સે હું ફારૂક મુસાણી છું અને નવાબ મસ્જીદનો ટ્રસ્ટી છું, અમારી વકફ બોર્ડે આ અમારી મસ્જીદની દુકાનો તમને જુના ભાડેથી આપેલી છે તે ખાલી કરવાનો હુકમ કર્યો છે.
જેથી મેં અભિષેકભાઇની દુકાન બંધ હોઇ તેને ફોન કરતાં તે પણ આવી ગયા હતાં. તેને પણ ફારૂક મુસાણીએ કહેલુ કે તમારી દુકાનનુ તાળુ ખોલી તમારો સામાન બહાર લઇ લો. જેથી અભિષેકભાઇએ તાળુ ખોલી પોતાનો ગેરેજનો સામાન બહાર લઇ લીધો હતો. બાદમાં મેં ફારૂકભાઇને કહેલુ કે તમે અમને દુકાન ખાલી કરવાની કોઇ વાત પણ કરી નથી, ઓચીંતા સીધા જ આ રીતે દૂકાન કેમ ખાલી કરાવો છો? જેથી ફારૂક મુસાણીએ કહેલુ કે તાત્કાલીક દુકાન નો કબ્જો અમને સોંપી દો અને બાકીનો સામાન તમારી રીતે બહાર કાઢી લો નીહતર અમે તમારી દુકાનનો સામાન બહાર ફેંકી દઇશું તેવી ધમકી આપી હતી. ત્યારબાદ ફારૂકે અમને એક કાગળ બતાવ્યો હતો જે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગરનો તા. ૧૯/૧૨/૨૪ના લેટરપેડનો હતો. તે મને વંચાવીને કહેલુ કે દુકાનનો કબ્જો ખાલી કરી મસ્જીદને સોંપી દેજો.
આ પછી મેં ૧૦૦ નંબરમાં ફોન કરતાં પોલીસ આવી હતી અને અમે ફરિયાદ નોંધાવી હતી. અમારી સિત્તેર વર્ષ જુની ભાડાની દુકાનના તાળા તોડી નવાબ મસ્જીદના ટ્રસ્ટી સહિતના શખ્સોએ અમારો સામાન ગેરકાયદેસર રીતે બહાર મુકી દીધો હતો અને બાકીનો સામાન અમે જાતે નહિ કાઢીએ તો પોતે ફેંકી દેશે તેવી ધમકી આપી હતી. પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં પીએસઆઇ યુ. કે. બાંભણીયાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. બીજી તરફ આ ઘટનાના પડખા ગાંધીનગર સુધી પડયા હતાં. ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહની આગેવાનીમાં ભાડુઆતો, વેપારીઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. એ સાથે જ જેણે તાળા તોડયા હતાં એ ટ્રસ્ટી ફારૂક મુસાણી સહિતે રાતે ભાડૂઆતોને મળી ફરીથી દુકાનનો કબ્જો સોંપી દીધો હતો અને બહાર કાઢી નાખેલો સામાન પાછો અંદર મુકાવી દીધો હતો.
આ ઘટના સંદર્ભે ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યુ઼ હતું કે-ભાડુઆત પાસે વર્ષોથી કબ્જો છે. વકફ બોર્ડનો એક ઓર્ડર હતો તેમાં નિયમોનું પાલન કરી કબ્જો મેળવવાનો હતો. પણ આરોપીએ ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદીની દૂકાને આવી તેના તાળા તોડી સામાન બહાર કાઢી ગેરકાયદેસર અપપ્રવેશ કર્યો હોઇ તે અંગે ગુનો નોંધાયો છે. કાયદેસર પ્રક્રિયા એવી હોય છે કે જે કબ્જેદાર છે તેને નોટીસની બજવણી કરવાની હોય છે અને પોલીસને જાણ કરી પોલીસ પ્રોટેક્શન મેળવી પછી કાર્યવાહી કરવાની હોય છે. પોલીસે વિડીયોને આધારે આરોપીઓને શોધવા કાર્યવાહી કરી હતી. જ વકફ બોર્ડનો ઓર્ડર ભાડૂઆતો સમક્ષ રજૂ કરાયો છે તેની તપાસ અમે કરી રહ્યા છે, પ્રથમ દ્રષ્ટીએ આ ઓર્ડર સાચો લાગે છે.
ભાડુઆતે જણાવ્યું હતું કે ૧૯૬૨થી અમે ભાડુઆત છીએ અને લાઇટ બીલ પણ ભરીએ છીએ. અગાઉ પ્રમુખ હતાં ત્યાં સુધી અમે નિયમીત ભાડુ આપતા હતાં. હવે પ્રમુખ કોણ છે તેની ખબર નથી. તેની સામે ફારૂક મુસાણીએ કહ્યું હતું કે-કાયદેસર અમને ગુજરાત વકફ બોર્ડનો ઓર્ડર મળ્યો છે એ મુજબ અમે કબ્જો લીધો છે, વર્ષોથી દુકાનો બંધ પડી છે, જર્જરીત થઇ ગઇ છે. મસ્જીદને પણ નુકસાન થાય તેમ છે. જેથી અમે વકફ બોર્ડનો ઓર્ડર આપીને કબ્જો લીધો છે.
પોલીસે આ ગુનામાં પોલીસે મસ્જીના ટ્રસ્ટી ફારૂક ઇબ્રાહીમભાઇ મુસાણી (ઉ.વ.૪૮) અમીન મહેમુદભાઇ ચોૈહાણ (ઉ.વ.૪૭), જાકીર હબીબભાઇ મુસાણી (ઉ.વ.૩૮), ફરીદ તૈયબભાઇ સીથાર (ઉ.વ.૪૨), ઇરફાન અબ્દુલભાઇ સોલંકી (ઉ.વ.૪૫), ગફાર સતારભાઇ અલાણી (ઉ.વ.૬૦), ઇકબાલ કમાલભાઇ સેતા (ઉ.વ.૪૫) અને યુનુસભાઇ હાજીભાઇ મુસાણી (ઉ.વ.૫૦)ની ધરપકડ કરી છે. પીઆઇ આર. જી. બારોટ, પીએસઆઇ બી. એસ. પરમાર, રાજુભાઇ કોડીયાતર અને ડી. સ્ટાફની ટીમ વધુ તપાસ કરે છે.
(2:36 PM IST)










