તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
કોર્પોરેશનમાં ૨૦૨૩માં ફરિયાદોના વહેણ, ૨૦૨૪માં ઘોડાપુર : ૪૪ હજારનો વધારો
મનપાના કોલ સેન્ટરમાં ૨૦૨૩માં ૩.૮ર લાખ ફરિયાદનો ઢગલો, જ્યારે ૨૦૨૪માં ૪.ર૬ લાખનો પહાડ રચ્યો : બંને વર્ષમાં ગંદા પાણીની રેલમછેલમ સમસ્યા પ્રથમ ક્રમાંકે

રાજકોટ તા.૨: શહેરમાં લોકોની સુવિધામાં વધારો કરવા મથતા મનપા તંત્ર સામે નાગરિકોની મુળભૂત જરૂરીયાતોની સમસ્યાઓની અઢળક ફરિયાદોનો ધોધ વછુટયો છે.
મનપાના ચોપડે લોકો દ્વારા થયેલ અનેક સુવિધાઓમાં કચાશ અંગે ફરિયાદો નોંધાઇ છે. ૨૦૨૩ના વર્ષમાં વિવિધ વિભાગોની કુલ ૩,૮૨,૨૨૬ ફરિયાદોનો ઢગલો થયેલ જ્યારે ગત વર્ષે ૨૦૨૪માં આ મુશ્કેલીઓ ફરિયાદનો પહાડ બનીને ૪૨૬,૪૧૮ જેટલી નોંધાઇ છે.
ઉલ્લેખનીય છે કે, મનપા તંત્રમાં દર વર્ષે સૌથી વધુ ગટરોને લગતી ફરિયાદો આવતી હોવા છતાં પણ તે ઓછી થવાને બદલે ઉતરોતર વધતી જવા લાગી છે. ૨૦૨૩માં ડ્રેનેજની ૨ લાખ ઉપરની ફરિયાદો નોંધાયેલ જ્યારે ૨૦૨૪માં આ ફરિયાદો ડબલ થઇને ૨,૫૦,૦૦૦ નોંધાઇ હતી.
છેલ્લા એક વર્ષ દરમિયાન ગટર ઉભરાવવાની તેમજ ડ્રેનેજ ચોકઅપ થવાની ૨.૩૪ લાખ ફરિયાદો નોંધાઈ છે. જ્યારે ગંદકી તેમજ કચરાને લગતી ૪૩,૧૩૩ ફરિયાદો મનપાના ચોપડે નોંધાઈ છે. શહેરીજનો દ્વારા કરવામાં આવતી ફરિયાદો બાદ તંત્ર દ્વારા નિરાકરણ થઈ ગયાના મેસેજ ફરિયાદ કરનારને મળતા હોય છે. પરંતુ લોકોની એક ફરિયાદ કાયમી રહેવા પામી છે તે અનેક કિસ્સાઓમાં ફરિયાદ કર્યા બાદ તેનું નિરાકરણ ન થયું હોય છતાં તંત્ર દ્વારા ઓકેનો મેસેજ આવી જતો હોય છે જેના માટે અરજદારે ફરી વખત એકના એક કામની બીજી વખત ફરિયાદ કરવી પડતી હોય છે જેની સામે તંત્ર દ્વારા પણ ફરિયાદ આવ્યા બાદ જે તે વિસ્તારના ઝોનલ કોન્ટ્રાક્ટરને આ ફરિયાદ ફોરવડ કરવામાં આવે છે અને કોન્ટ્રાક્ટર દ્વારા ફરિયાદનું નિરાકરણ થઈ ગયાનો મેસેજ તંત્રને મળ્યા બાદ તેઓ અરજદારને મેસેજ કરતા હોય છે. આમ તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે લોકો હવે ફરિયાદ કરવાનું ટાળી પૈસા ખર્ચી ખાનગી એજન્સી મારફત કામ કરાવતા હોવાનો પણ જાણવા મળેલ છે. છતાં કોલ સેન્ટરમાં ૧૨ મહિનામાં ૪.૨૩ લાખ ફરિયાદો ઉઠવા પામી છે. જેના લીધે ડ્રેનેજ અને પીવાના પાણી તથા ગંદકી બાબતે તંત્ર દ્વારા વધુ બેદરકારી દાખવતી હોવાનું બહાર આવ્યું છે.
૨૦૨૩ તથા ૨૦૨૪માં મનપામાં નોંધાયેલ ફરિયાદોના આંકડા

(3:31 PM IST)










